1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2017 (11:42 IST)

મુખ્યપ્રધાન રૂપાણીને હારના ડરથી બલીનો બકરો બનાવ્યા - સચિન પાયલોટ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટે બુધવારે રાજકોટમાં ત્રણ સ્થળે સભાઓ ગજવી હતી. તેમણે  કહ્યું હતું કે, હાલ ભાજપથી લોકોમાં અસંતોષ છે અને ભાજપને હારવાનો ભય છે. એટલે જો ભાજપની હાર થાય તો તેનું કારણ નરેન્દ્ર મોદી કે અમિત શાહ ન બને તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બલીનો બકરો બનાવવામાં આવ્યાં છે. સચિન પાયલોટે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં  ભાજપ જાતિગત રાજનીતિનો આરોપ કોંર્ગેસ ઉપર લગાવે છે પણ ગુજરાતમાં ભાજપના રાજમાં અસંતોષ વધારે છે.

આંદોલનો થાય છે અને પોલીસ બળ પ્રયોગ કરે છે. આવા રાજકારણમાં કોંગ્રેસ ક્યાં આવી? જો ખરેખર ભાજપ એમ કહે છે કે, ગુજરાતમાં વિકાસ થયો છે તો ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. તેમાં જણાવો કે ખેડૂતનો વિકાસ કેવી રીતે થયો? વેપારીઓ કેવી રીતે સધ્ધર થયા? જીએસટીથી જનતાને શું ફાયદો થયો? રાહુલ ગાંધીના નિવેદનની મશ્કરી થાય છે, તો પછી જ્યારે રાહુલજી નિવેદન કરે છે ત્યારે ભાજપના 8-10 મંત્રીઓ તેનો જવાબ આપવા મેદાનમાં શા માટે આવી જાય છે? કોંગ્રેસ નેગેટીવ રાજનીતિ નથી કરતી. જ્યારે કેન્દ્રમાં ડૉ.મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી હતા. એ સમયે પણ કેન્દ્રના ટેકાથી ગુજરાતનો વિકાસ થયો હતો પણ હવે તો ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી અને દિલ્હીમાં ભાજપના જ વડાપ્રધાન હોવા છતાં ગુજરાતનો વિકાસ અટકી ગયો છે. ભાજપ કહે છે કે, ગુજરાતમાં પહેલાં પણ અમે જીતતા આવ્યા છીએ અને હવે પણ અમે જીતશું. આ એમનો ઘમંડ છે અને તેનો ઘમંડ આ વખતે ભાંગશે.