બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 મે 2018 (13:23 IST)

ગુજરાતમાં જૂન મહિનાના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થશે.

ગુજરાતમાં આગામી ચોમાસા ૨૦૧૮ના અનુમાન અને તેના સંદર્ભમાં આગોતરી તૈયારીઓ માટે મુખ્યસચિવ ડો.જે.એન.સિંગના વડપણ હેઠળ શુક્રવારે મળેલી બેઠકમાં હવામાન ખાતાએ રજૂ કરેલા પૂર્વાનુમાન થોડાક ચિંતાજનક છે.  સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો ૧૫ જૂનથી પ્રારંભ થતો આવ્યો છે, પરંતુ કેટલાક વર્ષથી એમાં ફેરફાર થયો છે. તેવી જ રીતે આ વર્ષે ચોમાસુ પરંપરાગત શિડ્યુઅલ કરતાં એક સપ્તાહ મોડું શરૂ થાય તેમ છે. હવામાન ખાતાએ અનુમાાન રજૂ કર્યું છે કે, ગુજરાતમાં ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થશે.
રાજ્યના મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે ચોમાસા સંદર્ભે આગોતરી તૈયારી માટે ડો.સિંગે બેઠક યોજી હતી.  આ બેઠક બાદ અમદાવાદ સ્થિતિ હવમાન ખાતાની કચેરીના ડિરેક્ટર જયંત સરકારે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘દેશમાં ચોમાસામાં 97 ટકા વરસાદ રહેવાનો છે, ગુજરાતમાં વરસાદ બાબતે આગામી દિવસોમાં આગાહી થશે.’ છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ખોરવાયેલા હવામાન જેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાશે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં સરકારે નકારમાં ઉત્તર વાળ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આવી શક્યતા નહિવત્ છે. એ જ રીતે એક સપ્તાહ સુધી મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી રહેશે.

આજની બેઠકમાં ચોમાસા દરમિયાન કોઇ કુદરતી આપત્તિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે જરૂરી તંત્રને સાબદું કરવા પર ભાર મુકાયો હતો. ડો.સિંગે સ્પષ્ટ કર્યું કે, સતર્કતાથી જ નુકશાન ઘટાડી શકાય એમ છે. એટલે આગોતરી સજ્જતાથી રાહત બચાવ કાર્ય કરી શકાય તો ઓછામાં ઓછું નુકશાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે.  તેમણે તંત્રની સજ્જતા સંદર્ભે તા.૧૫ મેથી રાજ્યભરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાની સૂચના આપી હતી. તમામ જિલ્લાઓમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સજ્જ કરી દેવા કલેક્ટરોને તાકીદ કરાઇ હતી. 
જિલ્લા કક્ષાએ ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થવાા ઉપરાંત રાજ્યમાં ૧૦ એનડીઆરએફ ટીમો પૈકી છ વડોદરા અને ચાર ગાંધીનગર ખાતે તૈનાત રખાઇ છે.  બેઠકમાં હવામાન ખાતાના નિયામકે અલ નીનો અને ઇન્ડિયન ઓસન ડાયપોલની સ્થિતિ તથા આગામી ચોમાસા ઉપર તેની અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ મુજબ જૂનના પ્રથમ સપ્તાહમાં કેરળમાં ચોમાસું બેસશે. જૂનના ત્રીજા સપ્તાહમાં ગુજરાત વિધિવત ચોમાસાનો પ્રારંભ થાય તેવી સંભવના છે.