મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 ડિસેમ્બર 2022 (11:50 IST)

લોકોને હવે કોરોનાનો ભય લાગ્યો, પ્રિકોશન ડોઝ લેનારાની સંખ્યામાં 13 ગણો વધારો થયો

ચીનમાં કોરોનાના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ઊભી થયેલી ચિંતા પછી શહેરમાં બુસ્ટર ડોઝ મુકાવનારાની સંખ્યામાં અંદાજે 13 ગણો વધારો થયો છે. અત્યાર સુધી રોજ માંડ 300 લોકો રસી મુકાવતા હતા પરંતુ શુક્રવારે આ આંકડો 4 હજાર વટાવી ગયો હતો. વિવિધ અર્બન હેલ્થ સેન્ટર પર હાલ રસીનો 25 હજારનો સ્ટોક છે જે અઠવાડિયા સુધી ચાલી શકે છે. મ્યુનિ.એ આ ઉપરાંત વધારાના સ્ટોકનો ઓર્ડર આપ્યો છે. દરમિયાન મ્યુનિ.ના આંકાડા મુજબ શહેરમાં 18થી વધુ વયના 10.41 લાખ લોકોએ જ હજુ સુધી પ્રિકોશન ડોઝ મુકાવ્યો છે.

જોકે કોરોનાના નવા વેરિયન્ટના આગમનની બીકે હવે લોકો પ્રિકોશન ડોઝ મુકાવવા દોડી રહ્યા છે. અત્યાર સુધી 18થી વધુ વર્ષના લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 15થી 18 વર્ષના 2.27 લાખ કિશોરે પ્રથમ ડોઝ લીધો છે. 18 વર્ષથી વધુ વયના 47.16 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે, પરંતુ મોટી સંખ્યામાં પ્રિકોશન ડોઝ લીધો નથી.કોરોનાના વધતા કેસોના પ્રિકોશનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અને SVP હોસ્પિટલમાં બેડની તૈયારીઓ કરવામાં આવી છે. SVP હોસ્પિટલમાં 50 બેડનો એક અલાયદો કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. અગાઉ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા, તે તમામ અત્યારે કાર્યરત છે અને મેઇન્ટેન પણ કરવામાં આવ્યા છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો તૈયાર છે.