સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (18:23 IST)

New Traffic Guidelines - હવે બાઈક લઈને નીકળો તો હેલ્મેટ પહેરજો, સરકાર નવી ટ્રાફિક ગાઈડલાઈન તૈયાર કરી રહી છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે ટ્રાફિકના નિયમોમાં સરકારે હળવાશ દાખવી હતી. હવે નવી સરકારે કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે ફરીવાર ગુજરાતમાં હેલ્મેટનો નિયમ કડક બનશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. તે ઉપરાંત બેફામ વાહન ચાલકો માટે પણ સરકારે કમર કસી છે. હવે પોલીસ હાઈવે પર બોડી વોર્ન કેમેરા સાથે ઉતરશે. તે ઉપરાંત શહેરોમાં દરેક સિગ્નલ પર પોલીસ કર્મીઓ કેમેરા સાથે તૈનાત હશે. હવે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા નવી ટ્રાફિક પોલીસી તૈયાર કરવા માટેનું કામકાજ શરૂ કરી દેવાયું છે.

ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને કહ્યું કે, ટુ-વ્હિલરના અકસ્માતમાં 35 ટકા મોત હેલમેટ નહીં પહેરવાથી થતા હોવાથી હેલમેટનો અમલ કરાવાશે.  સત્તાવાર સુત્રોનું માનીએ તો હવે કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં પોલીસ હેલ્મેટના નિયમને લઈને કડકાઈ દાખવશે. આગામી એક મહિના સુધી વાહનચાલકોનું ચેકિંગ હાથ ધરાશે. સુત્રોનું એમ પણ કહેવું છે કે મોતના આંકડા ઓછા કરવા માટે રાજ્ય સરકાર આ તૈયારી કરી રહી છે. અમદાવાદમાં બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માતના બનાવો સામે આવતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે કોઈપણ વાહન ચાલક રોંગસાઈડ કે બીઆરટીએસ કોરીડોરમાંથી પસાર થશે તો તેની સામે કાર્યવાહી થશે. ગઈકાલે  BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા શહેરના વિવિધ બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવનાર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને તેમના કુલ 41 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 14500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.