સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જૂન 2021 (16:32 IST)

રથયાત્રા પહેલા જળયાત્રાની મંજુરી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ રહેશે હાજર

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે જળયાત્રા યોજાતી હોય છે. કોરોના મહામારીના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 24 જુનના રોજ બહુ ઓછા લોકોની હાજરીમાં જળયાત્રા યોજવાનો નિર્ણય મંદિર તરફથી લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જળયાત્રા યોજવાને લઈ મંજૂરી આપી દેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર રહેશે. 
 
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે 30થી 35 લોકોની હાજરીમાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જળયાત્રા યોજાશે. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે. 1 ગજરાજ, 5 ધજા અને 5 કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભુદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતે ગાજતે જળયાત્રા યોજાય છે પરંતુ કોરોના મહામારીના કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે.
 
રથયાત્રા અંગેની અસમંજસની સ્થિતિ અમદાવાદમાં રથયાત્રા અંગેની અસમંજસ સ્થિતિ સર્જાઈ છે. થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રથયાત્રા કાઢવા માટે યોગ્ય સમયે નિર્ણય લેવાશે. બીજી તરફ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી કે નહિ એનો નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. 
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21મી જૂને ગુજરાતની મુકાલાતે આવી રહ્યા છે, ત્યારે રથયાત્રા અંગેનો આખરી નિર્ણય શાહ સાથેની ચર્ચા બાદ ઉકેલાઈ શકે છે.
 
પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી 
 
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા માટે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ સાથે મળીને નિર્ણય લેશે. જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન માટે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટ્રસ્ટીઓ સાથેની મુલાકાત બાદ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેવી રથયાત્રા યોજવી એનો નિર્ણય લેવામાં આવશે, એમ જણાવ્યું છે. રથયાત્રા પહેલાં પરંપરાગત રીતે નીકળતી જળયાત્રા કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે યોજાશે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે તમામ લોકોની લાગણી છે કે રથયાત્રા નીકળે અને દર્શનનો લહાવો મળે. આ વર્ષે સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સ સાથે ઓછી સંખ્યામાં લોકોને રાખી જળયાત્રા યોજવામાં આવશે.
 
મંદિરના ટ્રસ્ટી શું કહે છે?
 
જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રાજ્ય સરકારની મંજૂરી લેવાની છે. રથયાત્રા કાઢવા મામલે સોમવારે મંજૂરી માટે પોલીસ કમિશનરને મળી અરજી આપવામાં આવશે. પોલીસ અને સરકાર જે રીતે પરવાનગી આપશે એ રીતે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રાને લઈ વર્ષોથી જે પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ યોજાય છે એ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે તમામ વિધિ પૂર્ણ કરાશે.