મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 એપ્રિલ 2021 (08:49 IST)

રાજયની આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજો માં પ્રવેશ માટે હવે ૧૫ ટકા બેઠકો નેશનલ કવોટાંથી ભરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પ્રવેશ માટે હવે ૧૫ ટકા બેઠકો નેશનલ કોટાથી ભરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત વ્યાવસાયિક તબીબી શેક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં આયુર્વેદિક હોમિયોપેથી કોલેજમાં હાલ સો ટકા ગુજરાતી વિદ્યાર્થીઓને જ મેરીટના ધોરણે આ કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે.
 
પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હવે મેડિકલ કોલેજની તમામ શાખાઓમાં જે રીતે 15% નેશનલ કોટા થી પ્રવેશ અપાય છે. તે જ રીતે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમા ૧૫ ટકા બેઠકો પર નેશનલ કોટાથી ભરવાનો નિયમ લાગુ કર્યો છે તે મુજબ હવે રાજ્યની આયુર્વેદિક અને હોમિયોપથી કોલેજોમાં પણ ૧૫ ટકા નેશનલ કોટા થી મેરિટના આધારે પ્રવેશ આપવાનો નિર્ણય કરે છે. 
 
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં હાલ આયુર્વેદિક ની ૩૦ કોલેજો કાર્યરત છે તેમાં ૨૩૪૦ બેઠકો તથા હોમિયોપેથીની ૩૫ કોલેજો કાર્યરત છે જેમાં ૩૫૮૯ બેઠકો ઉપલબ્ધ છે આ બંને કોલેજોની મળી કુલ ૫૯૨૯ બેઠકો ઉપર 15% નેશનલ કોટા મુજબ 889 બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે.જેમા રાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા અન્ય રાજયોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. આ માટે ફી નિયત કરવા માટે હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષ સ્થાને જે ફી નિર્ધારણ કમીટી ની રચના કરાઈ છે એ કમિટી જે ફી નકકી કરશે એ મુજબ ફી નિયત કરાશે. 
 
નાયબ મુખ્યમંત્રી પટેલે આ સુધારા વિધેયકના ઉદ્દેશો સ્પષ્ટ કરતાં કહ્યુ કે; ગુજરાત વ્યાવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ ( પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ ) બાબત અધિનિયમથી,વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં પ્રવેશ આપવાના હેતુ માટે,બિનસહાયિત કોલેજો અથવા સંસ્થાઓમાં કુલ મંજૂર થયેલી બેઠકોની ૭૫ % સરકારી બેઠકો અને ૨૫ % સંચાલક મંડળની બેઠકો માટે જોગવાઈ કરી છે.
 
જેમાં ૧૫ % બિન - નિવાસી ભારતીયો માટેની બેઠકોનો સમાવેશ થાય છે.ભારત સરકારે , આયુર્વેદ , યોગ અને નેચરોપથી , યુનાની , સિદ્ધ અને હોમિયોપથી ( આયુષ ) મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે , સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો હેઠળ આયુષ ( AYUSH ) માં પ્રવેશ મેળવવા માટે કેન્દ્રીય પરામર્શ માટેના અમુક વિનિયમો રજૂ કર્યા છે.
 
તેમણે ઉમેર્યુ કે, આયુર્વેદ,હોમિયોપથી અને નેચરોપથીની વિદ્યાશાખાઓમાં બિનસહાયિત કોલેજો અથવા સંસ્થાઓની પંદર ટકા સરકારી બેઠકો કેન્દ્ર સરકાર નકકી કરે તેવા સત્તામંડળે તૈયાર કરેલી ગુણવત્તા યાદીના આધારે ભરવા માટે આ અધિનિયમન માં જરૂરી સુધારો કરીને ભરાશે 
 
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે,વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશની પધ્ધતી નીયત કરાઈ છે જેમાં  તમામ સરકારી બેઠકો પ્રવેશ સમિતિએ તૈયાર કરેલી ગુણવત્તા યાદીના આધારે ભરાશે અને સંબંધિત વ્યાવસાયિક શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાના સંચાલક મંડળે ભરવાની સંચાલક મંડળની આવી બેઠકો પર પ્રવેશ આપવાના વિદ્યાર્થીઓની આંતરિક ગુણવત્તાયાદીના આધારે ભરાશે. 
 
પરંતુ પ્રવેશ સમિતિએ તૈયાર કરેલી ગુણવત્તા યાદીમાં વિદ્યાર્થીનું નામ આવતું હોય તે સિવાય , સંચાલક મંડળની બેઠક સામે કોઈ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે નહિ વધુમાં કોઈ બિનનિવાસી ભારતીય બેઠક ખાલી રહેતી હોય ત્યારે આવી બેઠક સંચાલક મંડળની બેઠકોમાંથી ભરવામા આવશે વળી , સંચાલક મંડળની કોઈ બેઠક ખાલી રહેતી હોય ત્યારે આવી બેઠક સરકારી બેઠકોમાંથી ભરવાની રહેશે. આ વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું