સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (10:17 IST)

ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં,રાયડો,ચણા,એરંડા,જીરું જેવા પાકોમાં નુકશાન થવાની ભીતિ

29 ડિસેમ્બરથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના 16 દિવસ બાદ ઉ. ગુ.માં ઠંડીનો પારો 15 ડિગ્રી પાર પહોંચ્યો
 
દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. તેની આંશિક અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં વધઘટ થવાની સાથે આગામી 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે. 
 
પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, માવઠાની અસર ઓસરતાં જ રાજ્યમાં 29 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ જશે. શુક્રવારે રાત્રે 12.4 ડિગ્રી સાથે વડોદરા ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહી શકે છે. 29 ડિસેમ્બરથી અમદાવાદમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.
 
બે દિવસમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડા પવનનું જોર ઘટતાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો વધીને 14થી 19 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે. તેમાંય અમદાવાદના લઘુતમ તાપમાનમાં બે દિવસમાં 5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે.હવામાનના આંકડા મુજબ, શુક્રવારે અમદાવાદમાં વહેલી સવારે તડકો નીકળ્યા બાદ બપોર પછી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદમાં બુધવારે સિઝનનું સૌથી નીચું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ક્રમશ ઠંડીનો પારો વધ્યો હતો, અને છેલ્લાં 2 દિવસમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી વધીને 14.6 ડિગ્રી પહોંચ્યું હતું. જોકે 28 ડિસેમ્બર સુધી અમદાવાદમાં ઠંડીનું જોર વધવાની શક્યતા નહિવત છે.
 
માવઠું થશે તો બટાટામાં ફૂગજન્ય બેક્ટેરિયાનો ખતરો
રાજસ્થાનના ઉત્તર-પૂર્વિય ભાગમાં રચાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું. જેના કારણે 5 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો આવતાં ઠંડી અચાનક ગાયબ થઇ ગઇ છે. 16 દિવસ બાદ ઉ. ગુ.માં ઠંડીનો પારો 15 ડિગ્રી પાર પહોંચ્યો છે. કૃષિ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, જો પાંચેક દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો, જીરૂ અને વરિયાળીને ફુગજન્ય રોગ લાગવાની શક્યતા છે.  માવઠું થશે તો બટાટામાં ફુગજન્ય અને બેક્ટેરિયા જન્ય રોગ આવી શકે છે.
 
ઘઉં, રાયડો, ચણા, એરંડા, જીરું જેવા પાકોમાં નુકશાન થવાની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર  જમીનમાં રાયડો, 1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેકટર જમીનમાં ઘઉં, 58 હજાર  હેક્ટર જમીનમાં બટાકા, 50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.