શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:08 IST)

અમદાવાદની વિવિધ સ્કૂલોમાં પ્રથમવાર યોજાઇ ફ્રેન્ચ કાવ્યપઠન સ્પર્ધા, આ સ્કૂલે મારી બાજી

સૃજન 2021ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ બોપલ સ્થિત દિલ્હી પબ્લિક સ્કુલ (DPS)ના થર્ડ લેન્ગ્વેજ ડિપાર્ટમેન્ટે હાલમાં જ તેના વર્ચ્યુઅલ પ્લેટફૉર્મ પર ફ્રેન્ચ કાવ્યપઠન (La Poésie)ની સ્પર્ધા યોજી હતી. અમદાવાદની વિવિધ શાળાઓના ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
 
ડીપીએસ બોપલના પ્રિન્સિપાલ સુરેન્દર પાલ સચદેવાના સંબોધનની સાથે આ વર્ચ્યુઅલ કાર્યક્રમ શરૂ થયો હતો, જેના પછી કાવ્યપઠન શરૂ થયું હતું. દરેક વિદ્યાર્થીનાપર્ફોમન્સ અને કાવ્યપઠનના સાક્ષી બનવાનો લ્હાવો ખરેખર અનેરો હતો. વ્યવસાયે એન્જિનીયર અને ફ્રેન્ચ ભાષાના નિષ્ણાત દિપાલી અને એલાયેન્સ ફ્રાંસિસના તેજલનો સમાવેશ કરતી જજની પેનલ દ્વારા સહભાગીઓનું મૂલ્યાંકન તેમના હાવભાવ, વોઇસ મોડ્યુલેશન અને ઉચ્ચારણના આધારે કરવામાં આવ્યું હતું.
તમામ સહભાગીઓએ ફ્રેન્ચ કવિતાઓનું પઠન કરવામાં તેમનું શ્રેષ્ઠ આપ્યું હતું, જે અમદાવાદ શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની પસંદગીની વિદેશી ભાષા તરીકે ફ્રેન્ચ કેટલી લોકપ્રિય છે, તે દર્શાવે છે. આ કાર્યક્રમના સમાપન બાદ બંને જજે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું અને તેમને તેમના ભાષાના કૌશલ્યને સુધારવામાં મદદરૂપ થવા સલાહ-સૂચનો આપ્યાં હતાં.
 
ધોરણ-6ની કેટેગરીમાં અમદાવાદની SGVP સ્કુલે પ્રથમ ક્રમ મેળવ્યો હતો તથા ન્યૂ ટ્યુલિપ ઇન્ટરનેશનલ ICSC સ્કુલ, શાંતિ એશિયાટિક સ્કુલે અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. ધોરણ-7ની કેટેગરીમાં ન્યૂ ટ્યુલિપ ઇન્ટરનેશનલ ICSE સ્કુલે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો, જ્યારે ન્યૂ ટ્યુલિપ ઇન્ટરનેશનલ CBSE સ્કુલ અને SGVPએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તો ધોરણ-8ની કેટેગરીમાં શાંતિ એશિયાટિક સ્કુલ, ડીપીએસ ગાંધીનગર અને જેમ્સ જીનેસિસ ઇન્ટરનેશનલ સ્કુલે અનુક્રમે પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
 
ધોરણ-9ની કેટેગરીમાં શાંતિ એશિયાટિક સ્કુલના વિદ્યાર્થીએ પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો, જ્યારે જેમ્સ જીનેસિસ ઇન્ટરનેશનલ સ્કુલ અને ન્યૂ ટ્યુલિપ ઇન્ટરનેશનલ સ્કુલ (CBSE)ના વિદ્યાર્થીઓએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. ધોરણ 10ની કેટેગરીમાં શાંતિ એશિયાટિક સ્કુલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે SGVP અને ન્યૂ ટ્યુલિપ ઇન્ટરનેશનલ ICSE સ્કુલના વિદ્યાર્થીઓએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો