ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (17:55 IST)

જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષકો ફરી મેદાને, ગાંધીનગરમાં ધરણાં યોજ્યા

old pension yojna
old pension yojna
 સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણાં શરૂ કર્યા છે. 'એક હી વિઝન, એક હી મિશન' જૂની પેન્શન યોજના લાગુ કરોની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.રાજ્યભરમાંથી શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં એકઠા થયા છે. શિક્ષકોની રજૂઆત છે કે, થોડા સમય પહેલા જ્યારે રાજ્ય સરકાર સાથે બેઠક થઈ ત્યારે સરકારે જૂની પેન્શન યોજના અંગે ઠરાવ કરવાની બાંયધરી આપી હતી. પરંતુ, ઠરાવ ન કરતા આજે ધરણા પર બેસવું પડ્યું છે. જો સરકાર માગણી ન સંતોષે તો ફરી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 
 
ગુજરાતની સરકારે આપેલુ વચન પાળ્યું નથી
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત મહિલા ઉપાધ્યાક્ષ પલ્લવી પટેલે જણાવ્યું કે, 2005 પહેલાની જે જૂની પેન્શન યોજનાને સરકારે અગાઉ ધરણા કાર્યક્રમ વખતે સ્વિકારી હતી, છતાં વારંવાર મહાસંઘ દ્વારા રજૂઆત કરી છતાં પણ લાગુ નથી પડાઈ. પેન્શન એ દરેકનો અધિકાર છે. ગયા વર્ષે પણ અમે સરકારને વિનંતી કરી હતી છતાં ગુજરાતની સરકારે આપેલુ વચન પાળ્યું નથી.આજ સાંજ સુધી અમારી માંગણીને સ્વિકારો. અમારી જૂની પેન્શન યોજનાની જે માંગણી છે જે પુનઃ 2005 પહેલાનાઓને તો આપો જ અને 2005 પછીના શિક્ષકો પણ આ પેન્શન લેવાના હકદાર છે તો તેઓને પણ પેન્શન આપો. ગુજરાત રાજ્ય અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે, અગાઉ હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એમના બંગલે બોલાવી ઠરાવ કરવા માટે આશ્વાસન આપ્યું હતું પણ હજુ સુધી કોઈ ઠરાવ કરવામાં આવ્યો નથી. 
 
આ માંગો પુરી કરવા શિક્ષકો મેદાનમાં ઉતર્યા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, HTATના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.આ બેઠકમાં તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા.