શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:19 IST)

રિક્ષાચાલકે 18 હજાર રૂપિયાનો ટ્રાફિક મેમો મળવાથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ગુજરાત સરકારએ નવો મોટર વ્હિકલ ઍક્ટ લાગુ થયા બાદ રાજ્યના નાગરિકોને દંડની રકમમાં રાહત આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારે નિયમોને લાગુ કરવાની સમયસીમા 15 ઑક્ટોબર સુધી લંબાવી દીધી હતી. જેના કારણે રાજ્યના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રિક્ષાચાલકને 18 હજાર રૂપિયાનો મેમો મળતાં તેણે ચિંતામાં ને ચિંતામાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઑટોરિક્ષા ચાલક રાજુ સોલંકીને 18 હજાર રૂપિયાનો મૅમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક તાણ અનુભવતા તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસે આ ઘટના પારિવારિક કારણોસર બની હોવાનું જણાવ્યું છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય રાજુભાઈ સોલંકી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને ટ્રાફિક પોલીસ એ રોકીને દસ્તાવેજોની તપાસ કરી હતી. જેમાં કેટલાક દસ્તાવેજ ખૂટતાં પેનલ્ટી રૂપે 18 હજારનો મૅમો આપ્યો હતો. મૅમો મળ્યા બાદ રાજુ સોલંકી ખૂબ જ ચિંતામાં રહેતો હતો. એક સાથે 18 હજાર રૂપિયા દંડ પેટે કેવી રીતે ભરીશ તેની મૂંઝવણ તેને સતાવી રહી હતી. આ ચિંતામાં જ તણે ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસનું કહેવું છે કે, મૅમોને કારણે નહીં પરંતુ પારિવારિક પ્રશ્નોને કારણે રિક્ષાચાલકને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.