શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 5 જુલાઈ 2021 (21:51 IST)

પ્રવાહ પલટાયો: ફૂલ બજારોમાં માંગ વધતા ખેડૂતો કાશ્મીરીની સાથે દેશી ગુલાબની ખેતી તરફ વળ્યા

પ્રવાહ પલટાયો હોય એવું લાગે છે અને ટકાઉ પણા સામે સુગંધ જીતી રહી છે એવું વડોદરા નજીકના બિલ ગામના ફૂલોની ખેતી કરતા વિશાલ પટેલ કહે છે. વિશાલભાઇ વંશ વારસાથી ફૂલોની ખેતી સાથે જોડાયેલા છે. તેઓ કહે છે વડોદરા જિલ્લાના ફૂલના ખેડૂતો અગાઉ કાશ્મીરી ગુલાબની ખેતીથી એટલા આકર્ષાયા હતા કે દેશી ગુલાબ ઉખેડીને ખેતરોમાં કાશ્મીરી ગુલાબનું વાવેતર કર્યું હતું.કાશ્મીરી ગુલાબ દેશીની સરખામણીમાં વધુ ટકાઉ અને હાર બનાવવા માટે વધુ સારા,વજનમાં હલકા હોય છે.
 
હવે ફૂલ બજારોમાં ખુશ્બુવાલી પત્તી ધરાવતા ફૂલોની માંગ વધી છે એટલે દેશી ગુલાબની નવેસરથી માંગ ઊભી થઈ છે અને ખેડૂતો ફરીથી ખેતરોમાં કાશ્મીરીની સાથે દેશી ગુલાબને સ્થાન આપી રહ્યાં હોવાનો સંકેત મળે છે. ખુદ વિશાલભાઈ એ ૫ વિંઘા જમીનમાં કાશ્મીરીને બદલે દેશી ગુલાબ ઉગાડયાં છે.અગાઉ અર્ધ ખીલેલા દેશી ગુલાબ લગભગ અર્ધી રાત પછી ચુંટીને વહેલી સવારે બજારોમાં મોકલવા પડતા કારણ કે  એની ટકાઉતા ઓછી છે.
હવે એમાં પણ પ્રવાહ પલટાયો છે. હવે સ્થાનિક બજારોમાં મોકલવા માટે વહેલી સવારે વીણી કરવામાં આવે છે.જ્યારે અમદાવાદ, મુંબઈ, રાજસ્થાન સહિતના દૂરના બજારોમાં મોકલવા માટે દેશી ગુલાબ સાંજે ચુંટીને રાત્રે હવાઈ માર્ગે કે અન્ય રીતે મોકલવામાં આવે છે એટલે ત્યાંની બજારોમાં સવારે વડોદરાના દેશી ગુલાબ તાજેતાજા મળે છે.
 
દેશી અને કાશ્મીરી એ બંને આમ તો સ્વદેશી પ્રજાતિઓના ગુલાબ છે. પરંતુ કાશ્મીરીની સરખામણીમાં દેશી ગુલાબ જાણે કે સુગંધનો ભંડાર છે. એટલે દેવ પૂજા, ધાર્મિક ઉત્સવો, દરગાહમાં ચડાવવાની ફૂલોની ચાદર,મરણ પ્રસંગોએ શ્રધ્ધાંજલિ ઈત્યાદિમાં સુગંધિત દેશી ગુલાબની ખૂબ નામના છે.અને એટલે એની માંગ વધી છે અને બજારમાં એની તંગી વર્તાય એવી સ્થિતિ છે તેવું વિશાલભાઈનું કહેવું છે.
 
તેમના જણાવ્યા પ્રમાણે વડોદરા અને પાદરા તાલુકાના દરાપુરા,સોખડા, પાટોડ જેવા ગામોમાં ફૂલ કૃષિકારોએ પોતાની વાડીઓમાં ફરીથી દેશી ગુલાબનું આંશિક વાવેતર કર્યું છે. કરજણ તાલુકામાં પણ દેશીની ખેતી વધે એવા અણસાર છે. પારસના સફેદ સુગંધિત ફૂલોની પણ ફૂલ બજારમાં સારી માંગ છે.
 
બિલ ગામમાં પુષ્પ કૃષિકારોએ લગભગ ૧૦૦ વિંઘામા પારસ ઉછેર્યા છે. વિશાલભાઈના જણાવ્યા પ્રમાણે વડોદરાના પારસ છેક હૈદરાબાદ,ચેન્નાઇ, બેંગલુરુની બજારો સુધી જાય છે. દૂરના બજારોમાં કોરુગેટેડ બોક્સમાં બરફ વચ્ચે પેક કરીને ફૂલો મોકલવામાં આવે છે જેથી એની તાજગી જળવાય છે.
 
રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરે છે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે,મુખ્યત્વે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે નાના અને સીમાંત ખેડૂતોને તેમજ મોટા ખેડૂતોને નિર્ધારિત માપદંડો પ્રમાણે હેકટર દીઠ વાવેતર સહાય આપવામાં આવે છે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.
 
રંગ અને સુગંધ, આકારની વિવિધતા ધરાવતા ફૂલોની વાત મઝાની હોય છે. ફૂલોની ખેતી આકર્ષક સંભાવનાઓ વાળી છે.એટલે રાજ્ય સરકાર યોજનાઓ દ્વારા એને પ્રોત્સાહિત કરે છે. વડોદરા જિલ્લાના વડોદરા,કરજણ,પાદરા જેવા તાલુકાઓમાં ફૂલોની ખેતીની પરંપરા રહી છે. વિશાલભાઇ જેવા ખેડૂતો આ ખેતીના બજાર પ્રવાહો થી વાકેફ છે. જો કે પ્રત્યેક ખેડૂત પોતાની જાતે ફૂલ બજારના પ્રવાહોનું વિશ્વલેષણ કરી ખેતીમાં બદલાવનો ઉચિત નિર્ણય લે તે હિતાવહ ગણાય.