ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (14:18 IST)

ગાંધીનગરના અજોલમાં 5Gનું ટેસ્ટીંગ, મહાત્મા મંદિર સહિત પાંચ સ્થળે ચીપ ઇનસ્ટોલ કરાઇ, વાયબ્રન્ટ મહોત્સવ પહેલાં કવાયત

કેન્દ્રીય દૂર સંચાર નિગમ દ્વારા ગાંધીનગર સહિતના 9 પ્રમુખ શહેરોમાં આગામી વર્ષ - 2022થી મોબાઇલ ધારકોને 5G નેટવર્કની સ્પીડ મળી રહેશે તેવી જાહેરાત કરાઈ છે. ત્યારે તાજેતરમાં દેશના દેશના પ્રથમ 5G ગ્રામીણ બ્રોડબેન્ડ માટે ટેક્નોલોજી ટ્રાયલ ગાંધીનગરના માણસા તાલુકાના અજોલ ગામમાં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઉનાવા શહેરમાં 17 કિમી દુર બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન (BTS) સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં ટેલિકોમ વિભાગ દ્વારા મહાત્મા મંદિર, લીલા હોટલ સહિતના પાંચ સ્થળોએ 5G કાર્ડ પણ ઇનસ્ટોલ કરી દેવાયા છે. જેનાં પરથી વાયબ્રન્ટ સમિટ દરમિયાન આવનાર વિદેશી મહેમાનોને મોબાઇલમાં 5G નેટવર્ક મળી રહે તે માટે કવાયત હાથ ધરાઇ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અને બે પ્રાઇવેટ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિઓની બનેલી એક ટીમે સ્પીડ માપવા માટે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અજોલ ગામની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને 5G ટ્રાયલ લેતા 105.47 Mbps ડાઉનલોડ સ્પીડ અને 58.77 Mbps અપલોડ સ્પીડ રેકોર્ડ કરી હતી.આ અંગે ગાંધીનગરના ટેકનિકલ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે પરીક્ષણ કરવામાં આવેલું તે ટેકનોલોજીમાં 360-ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી કન્ટેન્ટ પ્લેબેકનો સમાવેશ થાય છે, આ એક વર્ચ્યુઅલ-રિયાલિટી કનેક્ટેડ ક્લાસરૂમ છે. જ્યાં વિદ્યાર્થીને એવુ લાગે છે કે તેમના શિક્ષક વ્યક્તિગત રીતે તેમના પર ધ્યાન આપે છે તેમજ અવાજના માધ્યમથી વિદ્યાર્થી શિક્ષક સાથે સામ-સામે વાતચીત કરી શકે છે. ગત મહિને પણ DoTની ટીમે ગાંધીનગર શહેરમાં મહાત્મા મંદિર 5G સાઇટ પર સ્પીડ તપાસી હતી, જે લગભગ 1.5 Gbps જોવા મળી હતી, જે 4G કરતા લગભગ 100 ગણી ઝડપી હતી. સ્પીડ ટેસ્ટ નોન-સ્ટેન્ડઅલોન 5G મોડ પર કરવામાં આવ્યુ હતુ.હાલમાં ગાંધીનગરના મહાત્મા મંદિર, પંચ તારક હોટલ લીલા તેમજ મધુર ડેરી, સરકારી પોલીટેકનીક તેમજ ઉનાવા સાઈડ ખાતે 5G ચીપ ઇનસ્ટોલ કરી દેવાઇ છે. સરકારમાંથી આગામી દિવસોમાં મંજૂરી મળી ગયા પછી નજીકના ભવિષ્યના 5G નેટવર્ક સ્પીડ મોબાઇલ ધારકોને મળતી થઇ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં કોલ કનેક્ટીવીટી 2G નેટવર્ક પર ચાલે છે. જ્યારે ઈન્ટરનેટની સ્પીડ 3G/4G ની છે. એકમાત્ર જીઓની સર્વિસમાં જ ઇન બીલ્ટ 4G કોલિંગ અને ઈન્ટરનેટની સુવિધા મળી રહી છે.