ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (14:57 IST)

વાયબ્રન્ટ ગુજરાત સમિટ પાછળનો વાઈબ્રેટ કરે તેવો 41 કરોડનો ખર્ચો

વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017 પાછળ ગુજરાત સરકારે 40.90 કરોડનો ખર્ચ કર્યો હતો. જેમાં આમંત્રિત મહેમાનો પાછળ રૂપિયા 1,56,08,897નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનો માટે લેન્ડ રોવર, જેગુઆર, બીએમડબલ્યુ, મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝુરિયસ કારની સગવડ આપવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય શૈલેષભાઈ પરમારના પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં કુલ 40,90,50,546નું ચુકવણું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિટમાં કરવામાં આવેલા ખર્ચના કેટલાક બિલો હજુ ચુકવવાના બાકી છે. વાયબ્રન્ટ સમિટમાં આવેલા આમંત્રિત મહેમાનો માટે હોટલ ઉમેદ, નોવોટેલ, સેન્ટબોર્ન, રમાડા, હયાત રિજન્સી, ફોર્ચ્યુન ક્લાઉડ, લેમન્ટ્રી સહિત 24 હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાયબ્રન્ટના આમંત્રિત મહેમાનો માટે ઈનોવા, હોન્ડાસીટી, કેમરી, કોરોલા, ઓડી લેન્ડ રોવર, વોલ્વો 49 સીટ, મર્સિડીઝ, જેગુઆર, વોલ્વો કાર સહિતના વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાયબ્રન્ટ સમિટ 2015માં કુલ 21,304 એમ.ઓ.યુ થયા હતા જેમાંથી 12,670 પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા છે. જ્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં 25,923 પ્રોજેક્ટ માટેના ઓમ.ઓ.યુ થયા હતાં.