રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (12:05 IST)

દક્ષિણના વાવાઝોડાની તીવ્ર અસરને લીધે મોસમનો બદલાતો માહોલ, ગુજરાતમાં કાતિલ ઠંડી

દક્ષિણના વાવાઝોડાની તીવ્ર અસરને લીધે મોસમનો બદલાતો માહોલ, ગુજરાતમાં કાતિલ ઠંડી
કાશ્મીરના કાતિલ ઠંડા પવનો જાણે કાઠીયાવાડની ધરતી ઉપર સુસવાટા બોલાવી રહ્યા હોય તે પ્રકારે આજે હાડ થિજાવતી ઠંડીનું સામ્રાજ્ય સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. સુર્યદેવ આકાશમાં સંતાકુકડી રમતા રહ્યા હતા. વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યું હતું. રવિવાર હોવા છતાં તીવ્ર ઠંડા પવનોને કારણે લોકોએ હરવા ફરવાના સ્થળોએ જવાનું ટાળ્યું હતું. રાજકોટમાં આજે મીનીમમ તાપમાન ૧૪.૩ જ્યારે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન ૭.૬ ડિગ્રી ડિસા ખાતે નોંધાયુ હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ઠંડીનું જોર ઉતરોતર વધતુ રહ્યું છે. માગસર મહિનાની આ હાડ થિજાવતી ઠંડીની અસર હજુ બે દિવસ વધુ તીવ્ર જોવા મળશે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ નજીક દરિયામાં વાવાઝોડાની તીવ્ર અસરને લીધે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગ્રીન હાઉસની ઈફેક્ટને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક સુધારો જોવા મળે છે જ્યારે રાત્રિ દરમિયાન સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે ઠાર અનુભવાય છે. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવનોની સીધી અસર સૌરાષ્ટ્ર- ગુજરાતના તમામ વિસ્તારોમાં વ્યાપક રીતે જોવા મળે છે જેના કારણે હજુ ૪૮ કલાક સુધી વાતાવરણ વાદળછાયુ જોવા મળશે તેમજ કાતિલ ઠંડા પવનોનું જોર પણ વ્યાપક રીતે અનુભવાશે. સાયક્લોનની અસર ઓછી થયા બાદ વાતાવરણ નોર્મલ બનશે. સ્ટ્રોન્ગ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને લીધે બદલાયેલા મોસમના માહોલની અસર આજે જનજીવન ઉપર વ્યાપક રીતે જોવા મળી છે.
જામનગર શહેર અને જીલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે વહેલી સવારે ઠંડીનો પારો ૧૧.૦ ડીગ્રી આસપાસ રહ્યો હતો. જ્યારે પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે ફુંકાતા બરફીલા ઠંડા પવનના પક્ષ કારણે શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધુ્રજારી અનુભવી હતી. જ્યારે આજે વહેલી સવારથી જ હવામાનમાં એકાએક પલ્ટો આવી ગયો હતો અને આકાશ ઘટાટોપ વાદળોથી ઘેરાઈ જતા ટાઢોડું છવાઈ ગયું હતું.
હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. જેમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં ચાલી જતા શહેરીજનો ઠુંઠવાયા હતા. ઉપરાંત પ્રતિ કલાકના ૩૫ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવને પશુ પક્ષીઓને પણ ધુ્રજાવી દીધા હતા. જામનગર શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૧.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી.
દરમ્યાન આજે સવારે દસેક વાગ્યા પછી હવામાનમાં એકાએક પલ્ટો આવી ગયો હતો અને આકાશમાં વાદળો છવાઈ જતાં ટાઢોડું જવાઈ ગયું હતું. આકાશમાં વાદળોના ગંજ ખડકાઈ જતાં સૂર્યનારાયણ અદ્રશ્ય થઈ ગયા હતા. જૂનાગઢમાં આજે ગિરનાર ઉપર કાતિલ ઠંડીની અસર વન્ય પશુઓ ઉપર જોવા મળી હતી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૨૮.૭ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૩ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા જ્યારે સાંજે ૧૯.૩ ટકા જોવા મળ્યું હતું. અમરેલીમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી જ્યારે ભુજમાં ૧૧.૪ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.