રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 માર્ચ 2021 (10:44 IST)

મહિલા ડોક્ટરે પતિ પર લગાવ્યો દહેજનો આરોપ, રેપ કરાવી બદનામ કરવાની આપી ધમકી

ગુજરાતમાં કૂદકે ને ધૂસકે દહેજ અને મહિલા શોષણના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં આઇશાએ આત્મહત્યા કરી હતી. આ કિસ્સામાં પણ મહિલા શોષણની દહેજની માંગણી જેવી બાબતો સામે આવી હતી. ત્યારે તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા ડોક્ટરે પોતાના ડોક્ટર પતિ વિરૂદ્ધ દહેજની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવી છે. મહિલા ડોક્ટરનો પતિ ગુંડા ભાડે રાખીને બળાત્કાર ગુજારી બદનામ કરવાની ધમકી આપતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું હતું કે મુંબઈના ડોમ્બીવલીમાં ક્લિનિક ચલાવતા પતિ સાથે તેની 2019માં મેટ્રોમોનિયલ સાઈટ પરથી મુલાકાત થઈ હતી. 11 નવેમ્બર 2019માં તેમના લગ્ન થયા હતા અને ત્યારબાદ  તેઓ ગાંધીનગરના ઘરમાં રહેવા લાગ્યા હતા. લગ્નના એક અઠવાડિયામાં જ તેના પતિ અને સાસુ-સસરાએ દહેજની માગણી કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે 29 વર્ષના મહિલા ડોક્ટરે ગાંધીનગરમાં રહેતા પોતાના 31 વર્ષના પતિ વિરુદ્ધ ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી કે  પોતાના ડોક્ટર પતિ વિરુદ્ધ 30 લાખ રૂપિયા દહેજરૂપે માંગવામાં આવે છે. 
 
મહિલા ડોક્ટરે જણાવ્યું હતું તેઓ મને નોકરાણી માફક ઘરકામ કરાવે છે અને નોકરી પર જવા દેતા ન હતા. જો હું નોકરી પર જવાની વાત કરતી તો મને મારતા હતા. તેનો પતિ ક્લિનિક ખોલવા માંગતો હતો એટલે 30 લાખ રૂપિયાની માગણી કરતો હતો. મેં દહેજ આપવાનો ઇનકાર કર્યો  તો મારા પતિ અને સંબંધીઓએ ગુંડાઓ રાખીને મારો રેપ કરાવી બદનામ કરવાની ધમકી આપી છે. અને કહે છે જો દહેજ ન આપી શકે તો છૂટાછેટા આપી દે.