ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જૂન 2018 (17:27 IST)

સમગ્ર ગુજરાતમાં પ્લાસ્ટીક બોટલ વેન્ડીંગ મશીન મુકાશે

ગુજરાતને આગામી સમયમાં દુષણ જેવા પ્લાસ્ટીક મુક્ત કરવા રાજય સરકાર દ્વારા એક  અભિયાન છેડવાની જાહેરાત મુખ્યમંત્રી  રૂપાણીએ કરી છે. જેમાં રાજયભરમાં આજથી તા.11 સુધી પ્લાસ્ટીક હટાવો અભિયાન છેડાશે. આજે વિશ્ર્વ પર્યાવરણ દીન નીમીતે મુખ્યમંત્રી  રૂપાણીએ જણાવ્યુંકે આ અભિયાનમાં તમામ મહાનગરપાલિકાઓ, પાલીકાઓ તથા પંચાયતને આવરી લેવાશે. આ સંસ્થાઓ તેમની હદ ઉપરાંત બહારના 2 કી.મી. જેટલા વિસ્તારમાં જે કચરાના તથા પ્લાસ્ટીકના ઢગ પડયા છેતે ઉપાડી લેશે જેના કારણે રાજયમાં ચોમાસાના આગમન પુર્વે જ માર્ગો અને આસપાસ પડેલા કચરાના ઢગ નદીનાળામાં જશે નહી અને તે રીતે રાજયમાં સ્વચ્છતા અભિયાન આગળ વધશે. આજે ગાંધીનગરમાં વિશ્ર્વ પર્યાવરણ દીન નિમીતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે રાજયમાં પાણીની જે પ્લાસ્ટીક બોટલોનો મોટો વપરાશ છે તેના કારણે પ્લાસ્ટીક બોટલોનું મોટુ પ્રદૂષણ અને કચરો સર્જાયા છે. રાજયમાં પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ શિરદર્દ બની ગયો છે.  રૂપાણીએ જણાવ્યું કે રાજયમાં દર વર્ષે પાંચ કરોડ પાણીની બોટલોનો ઉપયોગ થાય છે જેનો નિકાલ થતો નથી. રાજય સરકાર આગામી દિવસોમાં પ્લાસ્ટીકની બોટલના રીસાયકલ માટે 25 હજારથી વધુ પ્લાસ્ટીક બોટલ વેન્ડીંગ મશીન મુકશે. આ વેન્ડીંગ મશીનમાં કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક બોટલ નાંખી શકશે.  રૂપાણીએ કહ્યું કે લોકોને આ માટે પ્રોત્સાહન મળે તે માટે વેન્ડીંગ મશીનમાં પ્લાસ્ટીક બોટલ નાંખનારને પ્રતિ બોટલ રૂા.1 આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે હાલ કચરો વીણતા ભાઈઓ અને બહેનો બજારમાં આ બોટલ 25થી30 પૈસામાં વેચે છે તેના બદલે વેન્ડીંગ મશીનમાં નાંખવાથી તેને રૂા.1 પ્રતિ બોટલ મળશે જેથી તેઓ દિવસ દરમ્યાન કમાણી પણ મોટી કરી શકશે. રાજય સરકારે આ માટે વેન્ડીંગ મશીનના ટેન્ડર બહાર પાડી દીધા છે અને આજે મહાત્મા ગાંધી મંદિર ખાતે ડેમો પણ કરાયુ હતું.  રૂપાણીએ આગળ વધતા કહ્યું કે રાજયમાં 50 માઈક્રોથી ઓછા પ્લાસ્ટીક વેચવા પર પ્રતિબંધ મુકવા સરકાર જઈ રહી છે. પરંતુ આ માટે સરકાર પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે બેઠક કરશે. તેઓને 50 માઈક્રોનથી ઓછુ પ્લાસ્ટીક ઉત્પાદન બંધ કરવા પુરતો સમય આપશે અને રાજયમાં 50 માઈક્રોનથી ઓછુ પ્લાસ્ટીક ન બને તે માટે પ્રતિબંધ મુકી દેવાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કહ્યું કે અમદાવાદને પ્રદૂષણ મુક્ત કરવા સરકાર ગંભીર છે અને ટુંક સમયમાં તેમાં પગલા લેવાશે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજયને પ્લાસ્ટીક મુક્ત કરવા સરકાર પ્રતિબંધ છે અને તેમાં લોકસહયોગ તથા કાનૂન બંનેનો સહયોગ કરાશે.