રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઇબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (13:19 IST)

સાણંદના ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટમાં રોકાણના કરાર નહીં કરે

આગામી ૧૦મી જાન્યુઆરીથી ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટનો તાયફો કરવા જઈ રહી છે અને દુનિયાભરમાંથી નવું મૂડી રોકાણ આકર્ષવા માટે મોટા મોટા સપનાંઓ દેખાડી રહી છે ત્યારે સાણદ જીઆઈડીસીમાં પાંચથી સાત વર્ષ પૂર્વે અબજોની મૂડીનું રોકાણ કરનારાઓ ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટમાં એક પણ કરાર કરવા તૈયાર નથી. સાણંદના ઉદ્યોગપતિઓએ ભૂતકાળમાં રોકાણ કરવા માટે કરેલા કરાર પછી તેમની હાલત સરકારે કફોડી બનાવી દીધી છે અને તેમને માથે અબજો રૃપિયાની પેનલ્ટી નાખી દીધી હોવાથી તેઓ ત્રણેક વર્ષથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, પરંતુ તેમની રજૂઆતને કોઈ જ સાંભળતું નથી. તેમણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તે પછી તેમને જીઆઈડીસીમાં આપવા પાત્ર સુવિધા સરકારે વર્ષો સુધી આપી જ નહોતી. પરંતુ તેમના કરારની ત્રણ વર્ષની મુદત પૂરી થઈ જતાં તેમણે કરાર મુજબ ઉત્પાદન ચાલુ ન કર્યું હોવાનું કારણ આગળ ધરીને અબજો રૃપિયાની પેનલ્ટી કરી દીધી છે.૨૦૧૫ની સાલમા પણ સાણંદના ઉદ્યોગોએ ગુજરાત સરકાર સાથે નવા ઉદ્યોગો સ્થાપવા માટે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ કરીને નવુ મૂડીરોકાણ કરવાની તત્પરતા દાખવી હતી, તેમ છતાંય ગુજરાતની વર્તમાન ભાજપ સરકારે તેમની સમસ્યાઓને ઉકેલવા માટે કોઈ જ પગલાં લીધા નહોતા અને તેમને માથે ગેરકાયદેસર રીતે જીઆઈડીસીએ દંડ અને વ્યાજનો બોજ લાદી દીધો છે. તેથી હવે તેમને ગુજરાતમાં રોકાણ કરવું અર્થહીન લાગી રહ્યું છે.સાણંદમાં ઉદ્યોગોની પરિસ્થિતિ પરત્વે સરકારની ઉદાસિનતાને કારણે ૮૦ ઉદ્યોગેએ તેમના પ્લોટ પરત કરી દીધા છે. સાણંદ જીઆઈડીસીમાં હજી ૧.૫૦ કરોડ ચોરસ મીટર જગ્યામાં નવા ઉદ્યોગો ચાલુ કરવા માટે સરકાર તરફથી નવી કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલી નથી. જીઆઈડીસીના અધિકારીઓની તુમારશાહી આ પરિસ્થિતિ માટે જવાબદાર હોવાનું સાણંદ જીઆઈડીસીમાં આવેલા ઉદ્યોગોના એસોસિયેશનના હોદ્દેદારોનું કહેવું છે.