ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

જીવન સાથેનો આપણો વ્યવહાર

PRP.R

આપણો આત્મા કઇ દિશામાં યાત્રા કરશે, કયા પંથે પ્રયાણ કરશે, કયા નૂતન વિશ્વનો આવિષ્કાર કરશે એનો આધાર જીવન સાથેના આપણા વ્યવહાર પર છે. જીવન સાથેનો આપણો વ્યવહાર જ આપણો નિર્માતા બને છે, એ જો સ્મરણમાં રહે તો કદાચ જીવનને અસાર અને વ્યર્થ માનવાની દૃષ્ટિ આપણને ભ્રાંત લાગે, તો કદાચ જીવનને દુ:ખપૂર્ણ માનવાની વાત ખોટી લાગે અને જીવનવિરોધી ગતિ અધાર્મિક લાગે.

જેણે આનંદનાં ગીત ગાયાં એણે પોતાની અંદર આનંદની એવી જ વિશાળ સંભાવનાનાં દ્વાર ખોલી નાખ્યાં. જેણે એ મકાનને સુંદર બનાવ્યું તેણે મહાન સૌંદર્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.

હજારો વર્ષથી એક વાત આપણને મંત્રની માફક ભણાવવામાં આવી છે. જીવન અસાર છે, જીવન દુ:ખમય છે, જીવન વ્યર્થ છે, જીવન ત્યજી દેવા લાયક છે. આ વાત સાંભળી સાંભળીને આપણા મનમાં પથ્થરની જેમ મજબૂત ઠસી ગઈ છે. આ વિભાવનાને કારણે જ જીવન અસાર લાગે છે, જીવન દુ:ખમય લાગે છે. અને આ જ કારણસર જીવનનો સકળ આનંદ, સકળ પ્રેમ બધું જ સૌંદર્ય આપણે ખોઇ બેઠા છીએ. મનુષ્ય કુરૂપ બની ગયો છે, દુ:ખનો અડ્ડો બની ગયો છે. અને જયારે આપણે માની જ લીધું છે કે જીવન વ્યર્થ છે, ત્યારે તેને સાર્થક બનાવવાની ચેષ્ટા થાય નહીં એમાં આશ્ચર્ય શું? જો આપણે એમ માની લઈએ કે જીવન એક કુરૂપતા છે, તો તેની અંદર સૌંદર્યની શોધ શી રીતે થાય? અને જો આપણે માની લીધું છે કે જીવન ત્યજી દેવા યોગ્ય છે, તો જયારે તેનો ત્યાગ જ કરવાનો છે, તો એની સજાવટ શી? એને શોધવાની કે સંસ્કારવાની જરૂર પણ શી?

સ્ટેશન પરના વિશ્રામાલય સાથે જેવો વ્યવહાર થાય, વેઇટિંગ રૂમની સાથે જેવો વ્યવહાર થાય એવો વ્યવહાર આપણે જીવન સાથે કરીએ છીએ. વેઇટિંગ રૂમમાં ઘડીભર થોભવાનું, થોડી વારમાં તો તે છોડી જતાં રહેવાનું છે. તો એ રૂમનું પ્રયોજન શું, તેનો અર્થ શો? ઘડીભર રોકાનાર ત્યાં મગફળીનાં ફોતરાં ફેંકે, પાનની પિચકારી મારે, રૂમને ગંદો કરે અને વિચારે કે મારે શી લેવાદેવા? મારે ઘડીભર પછી તો ચાલતા થવાનું છે.

જીવન સાથે પણ આવો જ વ્યવહાર આપણે કરીએ છીએ. જયાંથી થોડી વારમાં ચાલ્યા જવાનું છે, ત્યાં સત્યની શોધ અને સૌંદર્યના નિર્માણની શી જરૂર? પરંતુ મારે તમને કહેવુ છે કે જિંદગી છોડીને જવાનું જરૂર છે, પણ જે હકીકતની જિંદગી છે, તેને છોડવાનો કોઈ ઉપાય નથી. આપણે આ ઘર છોડી દઇશું, આ સ્થાન છોડી દઈશું, પણ જિંદગી? તે આપણી સાથે જ રહેશે. તેને બદલવાનો કોઈ ઉપાય નથી.

સવાલ એ નથી કે જયાં આપણે ઘડીભર થોભ્યા, તે જગ્યા સુંદર બનાવી, ત્યાં પ્રેમની હવા જન્માવી, આનંદનાં ગીત ગાયાં. સવાલ તો એ છે કે જેણે આનંદનાં ગીત ગાયાં તેણે પોતાની અંદર આનંદની એવી જ વિશાળ સંભાવનાનાં દ્વાર ખોલી નાખ્યાં. જેણે મકાનને સુંદર બનાવ્યું તેણે મહાન સૌંદર્ય પ્રાપ્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. જેણે વેઇટિંગ રૂમમાં બે ક્ષણો પ્રેમથી પસાર કરી, તેણે વ્યાપક પ્રેમને મેળવવાની યોગ્યતા મેળવી લીધી. આપણે જે કંઇ કહીએ છીએ, તેનાથી જ આપણું નિર્માણ થાય છે. આપણું કહેલું જ ધીમે ધીમે આપણા પ્રાણ અને આત્માનું નિર્માણ કરનારું બની રહે છે. જીવનની સાથે આપણો વ્યવહાર કેવો છે, તેના ઉપર નિર્માણનો આધાર છે.

(‘સંભોગથી સમાધિ તરફ’ નામના પુસ્તકમાંથી સંકલન કરવામાં આવ્યું છે )