ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2022 (10:48 IST)

Kamika Ekadashi 2022: આજે કામિકા એકાદશી, મહત્વ અને વ્રતકથા

devshayani-ekadashi-
અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે. કામિકા એકાદશીને શ્રેષ્ઠ ઉપવાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારી કોઈ ઈચ્છા લાંબા સમય સુધી અધૂરી રહે છે, તો કામિકા એકાદશીનું વિધિવત વ્રત કરીને  ઈશ્વરની સામે તે ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુ ચોક્કસપણે તમારી મનોકામના પૂર્ણ કરે છે.
 
એવું પણ કહેવાય છે કે કામિકા એકાદશી વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. આ વખતે કામિકા એકાદશીનું વ્રત 4 ઓગસ્ટે ઉજવાશે. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના ગદાવાળા સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. આવો જાણીએ કામિકા એકાદશીનું મહત્વ, શુભ મુહુર્ત અને વ્રત કથા. 
 
કામિકા એકાદશી વ્રતનુ મહત્વ - ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણ દાન અને જમીન દાનને માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિ દાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુર્નજન્મ થતા તે વ્યક્તિ અપાર ધન અને જમીનનુ સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે.  કથા મુજબ વાત આવે છે કે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે કે ન તો સુવર્ણ દાન કરવા માટે ઘરેણા છે.  આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશી વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 
 
આ વિધિથી કરો વ્રત (કામિકા એકાદશી 2022 વ્રત વિધી)
 
- આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને વ્રત લો.
- ભગવાન વિષ્ણુની પ્રતિમાને ગંગા જળથી સ્નાન કરો.
- હવે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને યાદ કરો.
- પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરો અને વિષ્ણુ આરતી કરો.
- સાંજે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. દ્વાદશી સમયે શુદ્ધ કરો અને ઉપવાસ સમયે ઉપવાસ ખોલો.
- લોકોમાં પ્રસાદ વહેંચો અને બ્રાહ્મણોને ભોજન આપો
 
જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને  ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે. જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્તર સ્વર્ગલોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સૌ કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોક જાય છે. 
 
કામિકા એકાદશી વ્રતકથા - શ્રીમદ્દ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યુ છે કે જે ફળ વાજપેય યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે.  કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છેકે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે. 
 
અષાઢ મહિનાની વદની આ અગિયારને કામિકા એકાદશી કહે છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે.  કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી. તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો. પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ.
 
કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર  બોલ્યા : “હે ભગવાન !મેં દેવશયની એકાદશી નું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્‍ણપક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરી એનું વર્ણન કરો.” 
 
ભગવાન શ્રી કૃષ્‍ણ બોલ્‍યાઃ “રાજન ! સાંભળો, હું તમને એક પાપનાશક ઉપખ્‍યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું.”
 
નારદજીએ પ્રશ્ર્ન કર્યોઃ “હે કમલાસન ! હું આપની પાસેથી આ સાંભળવા ઇચ્‍છુ છું, કે અષાઢના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે ? પ્રભુ એ બધું મને કહો !”
 
બ્રહ્માજીએ કહ્યું : “નારદ ! સાંભળો. હું સંપૂર્ણ લોકોના હિતની ઇચ્‍છાથી તમારા પ્રશ્ર્નો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્‍ણપક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ “કામિકા” છે. એના શ્રવણ માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્‍ણુંનું પૂજન કરવું જોઇએ.”
 
ભગવાન શ્રીકૃષ્‍ણના પૂજનથી જે ફળ મળે છે. એ ઘણું દુર્લભ પૂણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્‍વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બન્‍નેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્‍યે યથાશકિત, પૂરો પ્રયત્‍ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઇએ. જે પાપરુપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, એમનો ઉધ્‍ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. અધ્‍યાત્‍મવિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે. એના કરતા પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે.   કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્‍ય રાત્રે જાગરણ કરીને કયારેય ભયંકર યમદુતના દર્શન નથી કરતો અને કયારેય દુર્ગતિમાં પણ નથી પડતો.
 
લાલમણીપ મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઇને વિષ્‍ણુ એટલા સંતુષ્‍ટનથી થતા કે જેટલા તુલસીદળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્‍ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રીકેશવનું પૂજન કરી લીધુ છે એના જન્‍મભરના પાપોનો ચોકકસ નાશ થઇ જાય છે.
 
ભગવાન શ્રીકૃષ્‍ણ કહે છેઃ “યુધિષ્ઠર ! આ તમારી સમક્ષ મે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે. આથી મનુષ્‍યોએ આનું વ્રત અવશય કરવું જોઇએ. આ સ્‍વર્ગલોક અને મહા પૂણ્ય ફલ પ્રદાન કરનારી છે. જે મનુષ્‍ય શ્રધ્‍ધા સાથે આનું મહાત્‍મ્‍ય સાંભળે છે એ બધા પાપોથી મુકત થઇને શ્રી વિષ્‍ણુ લોકમાં જાય છે.”
 
જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે ,તેમના પિતૃ સ્વર્ગ લોક માં સુધા નું પાન કરે છે .જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલ નો દીપ પ્રગટાવે છે તેણે સુર્ય લોક માં પણ સહસ્ત્ર દીપક નો પ્રકાશ મળે છે ,તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ .