ભગવાન શ્રીહરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજય ઋષિઓના શાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ ધારણ કરે છે. હિરણ્યકશિપુ તેના પુત્રને મૃત્યુદંડ આપવા માગે છે ત્યારે પ્રહલાદની રક્ષા કાજે અને હિરણ્યકશિપુનો વધ કરવા ભગવાન વિષ્ણુ સાક્ષાત્ સ્તંભમાંથી નૃસિંહ (નરસિંહ) સ્વરૂપે પ્રગટ થાય છે. આ દિવસ વૈશાખ સુદ ચૌદશ હતો, જે નૃસિંહ જયંતી તરીકે ઊજવાય છે
				  										
							
																							
									  
	ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના પ્રમુખ દેવતા છે. નૃસિંહ જયંતીના અવસરે આપણે તેમના અવતરણની કથા જાણીએ.
				  
	 
	પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો. તેની પત્નીનું નામ દિતિ હતું. તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશિપુ પાડયું હતું. હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળલોકમાં લઈ ગયો હતો ત્યારે વારાહ રૂપ લઈને માર્યો હતો.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	આ જ કારણે હિરણ્યકશિપુ ભગવાન શ્રીવિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા. તેણે વરદાનમાં માંગ્યું કે, 'હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પ્રાણી અર્થાત્ મનુષ્ય, પશુ, પક્ષી, દેવતા, દૈત્ય, નાગ, કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે. ન હું અસ્ત્રથી મરું કે શસ્ત્રથી મરું. ન હું ઘરની અંદર મરું કે ન બહાર મરું. દિવસે ન મરું કે રાત્રે પણ ન મરું. ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું.'બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. આ વરદાન મળતા જ તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો.
				  																		
											
									  
	આ જ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. તેનું નામ પ્રહ્લાદ પાડવામાં આવ્યું. પ્રહલાદ ધીરે-ધીરે મોટો થવા લાગ્યો. અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં, રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા. તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો.
				  																	
									  
	હિરણ્યકશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજારતો હતો, પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો. ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યકશિપુએ ઘણાં પ્રયત્નો કર્યા, ઘણી યુક્તિઓ કરી. નીતિ-અનીતિ બધાનો પ્રયોગ કર્યો, પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં, છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહ્લાદની હત્યા કરવા માટે ઘણાં ષડ્યંત્રો રચ્યાં. તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો, પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો. આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા, પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી. ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાંકો ન થયો.
				  																	
									  
	એક વાર હિરણ્યકશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં, તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું. તેને બોલાવી એક મોટી ચિતા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી. હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિતા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડયો. આ ચિતાને આગ લગાડવામાં આવી. આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો.
				  																	
									  
	જ્યારે હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછયું, 'દેખાડ તારો ભગવાન ક્યાં છે?' પ્રહલાદ વિનમ્રભાવથી કહ્યું, 'પિતાશ્રી, ભગવાન તો સર્વત્ર છે.'
				  																	
									  
	'શું તારા ભગવાન આ સ્તંભ-થાંભલામાં પણ છે.' હિરણ્યકશિપુએ કહ્યું.
	પ્રહલાદે
	જવાબ આપ્યો, 'હા, આ થાંભલામાં પણ છે.'
				  																	
									  
	આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો. તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો. જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય. સ્તંભને ચીરીને શ્રીનૃસિંહ ભગવાન પ્રગટ થયા. તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું. બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રીવિષ્ણુએ નૃસિંહના રૂપમાં અવતાર લીધો. ભગવાન નૃસિંહ હિરણ્યકશિપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું, 'રે અસુર, દેખ હું મનુષ્ય નથી કે પશુ પણ નથી. ન તો તું ઘરની અંદર છે કે ન તો બહાર છે. તું પૃથ્વી પર નથી કે આકાશમાં પણ નથી. સૂર્યાસ્ત થઈ ગયો છે,પરંતુ રાત્રી શરૂ નથી થઈ. તેથી દિવસ નથી અને રાત પણ નથી.' આટલું કહીને ભગવાન નૃસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો. આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો. પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નૃસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે, તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે.