ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By અલ્કેશ વ્યાસ|

સિનીયર સિટીઝન્સ માટે અનોખી વેબસાઈટ

P.R

કોર્પોરેટ કંપનીના સીઈઓથી માંડીને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીના કામદાર સુધી તમામને નિવૃત્તીનો ભય સતાવતો રહે છે. રિટાયર્ડમેન્ટ પછી શુ કરીશુ, તેવો વેધક સવાલ દરેકના હ્રદયને કોરી ખાય છે. વર્ષો સુધી દિવસના આઠ-દસ કલાક વ્યસ્ત રહેનારો વ્યક્તિ અચાનક કામ વિહોણો, નવરો બની જાય તો તેની હાલત શુ થાય તે સમજી શકાય તેવી બાબત છે. આ પ્રશ્ન માત્ર ભારતના જ નહીં વિશ્વના તમામ દેશોના અબજો સિનીયર સિટીઝન્સ માટે લાગુ પડે છે.

આમ તો, કોઈ કોર્પોરેટ સેક્ટરમાં અનુભવી વ્યક્તિને મોં માંગ્યા પગારે નોકરી આપવામાં આવે છે. પરંતુ દશકો સુધીનો અનુભવ મેળવનારા વ્યક્તિને માત્ર ઢળતી ઉંમરના કારણે કંપનીમાંથી નિવૃત્તીની મથાળા હેઠળ બહાર ફેંકી દેવામાં આવે છે.

શુ કોઈ કંપનીના સીઈઓ નિવૃત્ત થયા પછી આખો દિવસ ટેલીવિઝન સામે સમય વ્યતીત કરવાનુ પસંદ કરશે, શુ કોઈ મેનેજર નિવૃત્તી બાદ માર્કેટમાં શાકભાજી લેવા જશે ? આ પ્રકારના અનેક પ્રશ્નો રિટાયર્ડમેન્ટ બાદ ઉપસ્થિત થાય છે અને અનેક વૃદ્ધો માત્ર દિવસ વ્યતીત કરવા માટે મને-કમને ઉપરોક્ત કાર્યો પણ કરતાં અચકાતા નથી. પરંતુ, આ પરિસ્થીતીમાં દેશ અને દુનિયામાં વસતાં અનેક વૃદ્ધોના જીંદગીભરના અનુભવોનો લાભ સમાજને મળતો નથી.
P.R

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા હતા, જેમાંથી અનેક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે. ડો. અવની મણીયારે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, અનેક નિવૃત્ત લોકોની દિનચર્યાના અભ્યાસ બાદ જાણવા મળ્યુ હતુ કે, લગભગ દરેક વૃદ્ધ વ્યક્તિ સરેરાશ બે કલાક સુધી ટેલીવિઝન જોઈને પોતાનો સમય વ્યતિત કરે છે. અનેક વૃદ્ધોનુ કહેવુ છે કે, નિવૃત્તી બાદ તેમના જીવનનો આનંદ મરી પરવાર્યો છે. શાકભાજી લેવા જવુ, મંદિરે જવુ, ટીવી જોવુ, પૌત્રોને વાર્તા કહેવી, તેઓને ભણાવવા જેવા કાર્યોમાં તેઓ પોતાનો દિવસ પસાર કરે છે. તેમના મનમાં ઉંડે-ઉંડે ફરીથી કંપનીમાં કામ કરવાની ઈચ્છા હરહંમેશ જાગૃત રહે છે. પરંતુ સમાજ તેમને લાચાર અને બિચારા સમજીને તેઓ પાસેથી કામ લેવામાં પીછેહઠ કરી રહ્યો છે. અનેક સિનીયર સિટીઝન્સ સાથે વાતચીત કરીને તથા તેઓના અનુભવો જાણીને અંતે ડો. અવની મણીયારે વૃદ્ધોની આ સમસ્યાનુ સમાધાન મેળવવા માટે એક નવી દિશાની તલાશ શરૂ કરી હતી. અંતે તેમને વૃદ્ધો માટે એક વેબસાઈટ શરૂ કરવાનો વિચાર સુઝ્યો.

દરમિયાન વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને એક્શન પ્રોજેક્ટ બનાવવાનો સમય આવી ગયો. જોગાનુજોગ, ડો. અવની મણીયારે આ વેબસાઈટનો કોન્સેપ્ટ વિધાર્થીની શિવાનીને જણાવ્યો અને સિનીયર સિટીઝન્સ માટે કામ કરવા માટે ગુરુ-શિષ્યા એકમત થઈ ગયા. ડો. અવની મણિયારની દેખરેખ હેઠળ શિવાનીએ આ વેબસાઈટ ડેવલોપ કરવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દીધા અને અંતે તેણે 'સેકન્ડ ઈનીંગ્સ' નામની એક વેબસાઈટ શરૂ કરી દીધી.

વિધાર્થીની શિવાની મહેતાએ 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે વૃદ્ધો કામ કરવા ઈચ્છતા હોય તેઓને પાસેથી સમાજ હવે કામ લેવાનુ બંધ કરી રહ્યો છે. જેથી નિવૃત્ત થયેલા કેટલાય લોકોને લાગે છે કે, હવે તેઓ કોઈ કામના રહ્યા નથી. સમાજના આ પ્રકારના દયામણા વલણ સામે ઝઝૂમી રહેલા વૃદ્ધો માટે તેણે આ વેબસાઈટ શરૂ કરી છે.
P.R

આ વેબસાઈટના માધ્યમથી તે સિનીયર સિટીઝન્સને તેમની પસંદગી મુજબનુ કામ અપાવવાનો ભગીરથ પ્રયાસ કરી રહી છે. નિવૃત્ત જીવન વ્યતીત કરતાં લોકોને નવરા બેસવામાં કંટાળો આવતો હોય તો તેઓ વેબસાઈટ ઉપર પોતાનો બાયોડેટા મુકી શકે છે. બીજી તરફ અનેક ખ્યાતનામ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વેબસાઈટ જોવામાં આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેને કારણે વયોવૃદ્ધોના બાયોડેટા જોઈને કંપની પોતાની વેકેન્સી અનુસાર સિનીયર સિટીઝનને ફરજ પર બોલાવી શકે છે.

તેઓએ બનાવેલી આ વેબસાઈટને 17મી સપ્ટેમ્બર 2007ના રોજ એમ એસ યુનિ.ના વાઈસ ચાન્સેલર મનોજ સોનીના હસ્તે શરૂ કરવામાં આવી હતી. ધીરે-ધીરે તેમની વેબસાઈટનો પ્રચાર શરૂ થયો અને આજે લગભગ 90 જેટલા સિનીયર સિટીઝન્સે તેમાં પોતાના બાયોડેટા મુકી દીધા છે.
  જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેવાની વૃદ્ધોની ઈચ્છાને સમાજના ઠેકેદારો નિવૃત્તીના મથાળા હેઠળ કચડી રહ્યા છે      

શિવાનીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, અનેક લોકો તેની વેબસાઈટ ઉપર પોતાનો બાયોડેટા મુકી રહ્યા છે અને તેમના બાયોડેટાને જોઈને વિવિધ કંપનીઓ દ્વારા તેઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, અનેક નોકરીવાંચ્છુક વૃદ્ધો પોતાની રૂચી મુજબનુ કામ પણ મેળવી રહ્યા છે.

પ્રોફેસર અને વિધાર્થીનીના આ સંયુક્ત પ્રયાસની ચર્ચા દેશ-વિદેશમાં ફેલાઈ છે. સ્વીડનની એક યુનિવર્સિટીએ તેમના વિશેષ પ્રોજેક્ટ અંગેની વિગતો જણાવવામાં માટે તેઓને સ્વીડન બોલાવ્યા છે. પ્રોફેસર ડો. અવની મણીયારે 'વેબદુનિયા'ને જણાવ્યુ હતુ કે, સ્વીડનની સ્ટોકહોલ્મ યુનિવર્સિટી દ્વારા 20થી 25મી જુલાઈ દરમિયાન યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેમને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

'' જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેવાની વૃદ્ધોની ઈચ્છાને સમાજના ઠેકેદારો નિવૃત્તીના મથાળા હેઠળ કચડી રહ્યા છે. પરંતુ, તેમના અનુભવો અને ક્ષમતા સામે સમાજે પોતાનુ વલણ બદલવુ પડશે. કારણે કે, હવે વૃદ્ધ લાચાર નથી તેમની પાસે પણ કામ મેળવવાના વિકલ્પ મૌજુદ છે ''

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના રસપ્રદ અહેવાલો વાંચવા માટે અહીં ક્લીક કરો...