બુધવાર, 10 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑગસ્ટ 2025 (13:33 IST)

Dharo Aatham 2025 - ક્યારે છે ધરો આઠમ ? જાણો વ્રત કરવાની વિધિ અને ધરો આઠમ વ્રત કથા

dharo
Dharo Aatham 2025 - ભાદરવા સુદ આઠમને ધરો આઠમના રૂપમાં ઉજવાય છે. આ વખતે ધરો આઠમ 31 ઓગસ્ટ 2025 ના રોજ ઉજવાશે. આ વ્રત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે.  કુંટુંબનો વંશ વધે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, આવો જાણીએ આ વ્રતની વિધિ અને ધરો આઠમ વ્રતકથા 
 
ધરો આઠમ વ્રતની  વિધિ: 
- આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે. 
- આ વ્રત કરનારે સવારે વહેલા ઊઠી જવુ અને નિત્યકાર્યથી પરવાની સ્નાન કરી લેવુ. 
- આ દિવસે ધરા(એક પ્રકારનુ ઘાસ)ની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે એ રીતે અમારા કુળનો વંશ પણ વધારજો. 
- આ દિવસે ટાઢો ખોરાક ખાવો. 
-  ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળનાં વડાં વગેરે લઈ શકાય. 
- આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.
- આ દિવસે કોઈપણ પ્રકારનુ ઘાસ ન કાપવુ. 

ધરો આઠમ ની વાર્તા (Dharo atham ni varta gujarati) 
 
વ્રત કથા: એક ગામમાં સાસુ-વહુ પ્રેમથી રહેતી હતી. તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતાં હતા. વહુને એક દીકરો હતો. વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી. સાસુ પણ વહુનું માન રાખતા હતા.  
એવામાં ઘરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુએ કહ્યું કે વહું ચાલ આપણે ખેતરમાંથી ઘાસ કાપી લાવીએ. 
 
વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી. આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય? માટે તેણે સાસુને ના પાડી. આથી સાસુએ ગુસ્સો કરતા કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું? તારું કપાળ? 
 
આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ. છોકરાને ઘોડિયમાં સુવડાવી, બારણે સાંકળ ચઢાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા. પણ વહુનુ મન ન માન્યુ. ઘરો આઠમના દિવસે લીલું ઘાસ કંઈ રીતે કાપી શકાય? આથી વહુ ઘરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી. 
 
સાસુ-વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા લાગ્યા. રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલદી ઘરે જાવ. સાસુ-વહુ તો આ સાંભળી હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા. જોયું તો તેમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું. વહુએ જઈને તરત પહેલા પોતાના બાળકને જોવા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગઈ હતી. 
 
આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરો માએ મારા બાળકને બચાવી લીધું. સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ખાસ ન કાપવાનો નિર્ણય લીધો. આવો છે આ વ્રતનો પ્રભાવ, એ ધરો માં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફળજો