ગૌરી વ્રત પારણા શા માટે કરાય છે
જયા પાર્વતી વ્રત કે ગૌરી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છ, અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.
માતા પાર્વતીનું પ્રતીક 'જવારા': 'જવારા' માતા પાર્વતીનું પ્રતીક છે. રૂની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને 'નાગલાં' બનાવી જવારાને ચઢાવાય છે. 'નાગલાં' શિવનું પ્રતીક છે. શિવ મૃત્યુંજય છે તો માતા પાર્વતી મૃત્યુંજયા છે. માટે બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે.
જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
વ્રતના પાંચમા દિવસે જ જવારાનું જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવપાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછીના છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે. સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ, તેની ઉજવણી કરવામાં આવે છે. ગૌરીવ્રતમાં બાળાઓને, જ્યારે જયા પાર્વતી વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ કે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.
- છેલ્લા દિવસે મંદિરમાં જઇ મા પાર્વતીની પૂજા આરાધના કરી મીઠું અને લોટની સામગ્રી બનાવીને ખોરાક લઇને વ્રત પૂર્ણ કરી શકાય છે.
- વ્રત દરમ્યાન મીઠું અને અનાજની વસ્તુ ખાવાની મનાઇ છે.
- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે.
- જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. ખરા અર્થમાં અંતરમનને જાગૃત કરવાની વાત છે.