1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: રવિવાર, 17 ડિસેમ્બર 2023 (07:27 IST)

મેલડી માઁનો મહિમા - મેલડી માઁ કથા

મા આદ્યશક્તિના તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા. કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાય રહ્યા છે. પરંતુ આ તમામમાં 64 જોગણીનો મહિમા પણ સવિશેષ છે. ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડી. શું આપ જાણો છો, શ્રી મેલડી માતાજી ઉત્પત્તિની પૂર્વકથા અને તેનું મહત્વ
 
સતયુગ માં અમુક રાક્ષસો ભગવાન ની આરાધના વર્ષો સુધી કરી અને પ્રસન્ન કરી લેતા હતા અને તેમના માટે અમરત્વ નું વરદાન માગી લેતા હતા. અને ભગવાન તો ભોળા જ હોય છે. આ માટે એમના કઠોર તપ થી પ્રસન્ન થઇ અને ભગવાન તેને માંગેલું વરદાન પણ આપી દેતા હતા.  પણ અમુક વરદાન એટલા અસરકારક હોય કે પછી આ રાક્ષસ નો વધ કોઈ દેવતા કે સ્વયં ભગવાન પણ ન કરી શકે.
 
એક અમરૈયા નામ નો રાક્ષસ હતો. આ રાક્ષસ એ ભગવાન નુ કઠોર તપ કરી અને ભગવાન ને પ્રસન્ન કર્યા હતા અને અમર થવાનું વરદાન માગ્યું હતું. આ વરદાન મળ્યા પછી તે પોતાની જાત ને બહુ શક્તિ શાળી અને અમર માનવા લાગ્યો હતો એને એમ કે તેનો અંત શકય નથી આ કારણે તે દેવતા ઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો.
 
અને દેવતા, ઋષિઓ અને દરેકને હેરાન કરી અને બધી જગ્યા પર પોતાનું રાજ કરવા લાગ્યો. આ અસુર થી કંટાળી અને દેવતા ભગવાન પાસે ગયા ભગવાન એ કહ્યું એનું વધ આપણે નહિ કરી શકીએ. પછી માં નવદુર્ગા એ નક્કી કર્યું કે તે મદદ કરશે આ અશુર ને મારવા માટે દેવતાઓ પછી માતા એમની સાથે ઘણા વર્ષો  લડ્યા. પણ આ અસુર પછી કયાંક છુપાય ગયો.
 
દૈત્ય પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનુ પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુકિત વિચારી. ત્યારે માં એ શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાયુઁ. તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પુયાઁ અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ, પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુધ્ધ કયુઁ.
 
અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યા મા મેલડી
 
દેત્ય એક ગાય માતાના શબની અંદર છૂપાઇને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો. ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે. આમ, નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુધ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા. અને પછી તેને નવદુર્ગાને પુછ્યુ કે હવે મારે કયુ કામ કરવાનુ છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમણે અવગણના કરી અને તેમને દુર જતા રહેવા નું કહ્યું. તેથી તે માતાજીને બહુ ખોટુ લાગ્યુ. પછી તે પોતાને શુધ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા. અને તેમણે ભોલેનાથને બધી વાત કરી. કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે. જેથી તેમને પોતાના શરીરને શુધ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું. એટલે ભોલેનાથે સ્વયંમ્ પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઊપર ગંગાજીના શુધ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા.
 
નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બન્યા
 
પછી તે માતાજી એ ભોલેનાથને કહ્યું હવે મારૂ નામ શું રાખવાનુ છે? ત્યારે ભોલેનાથે કહયું કે તમે નવદુર્ગાને જઇને પુછી આવો ત્યારે માતાજીએ જણાવ્યુ કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે. હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવુ. ત્યારે ભગવાન ભોલેનાથે તેને આર્શીવાદ આપતા જણાવ્યુ કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુધ્ધ કરો. ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા, વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનુ ચક્ર આપ્યું. ત્યારબાદ શંકર ભગવાને પોતાનુ ત્રિશુલ આપ્યુ. આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા. પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજયી બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ હાર માનવી પડી.
  
મેં લડી એટલે માં મેલડી
 
વિજયી બન્યા એટલે ભગવાને શિવે કહ્યું કે તુ તારા માટે એટલે મેં લડી એટલે તું આજથી મા મેલડી નામથી ઓળખાઈશ. ભકતો તારી પૂજા કરશે. જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઇ તકલીફ પડવા દે ખરી અને જો કોઇ તકલીફ માં હોય તો માં તેની મદદ કરે છે. મેલડી માઁ બાર વર્ષની પૂતળી ના રૂપ માં અવતર્યા હતા, પરંતુ માઁ મેલડીએ વિકરાળ રાક્ષસોનો સંહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે. દેવતાઓમાં ત્રણે દેવો શંકર, બ્રહ્યાજી, વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે. સરસ્વતી માતા, લક્ષ્મીમાતા અને પાર્વતીમાતા તેની માતાઓ છે. આમ, તેઓ પોતાના માતા-પિતાના આર્શીવાદ દ્વારા આ કળીયુગમાં મહાશક્તિ આધશક્તિ મેલડી માઁ ના નામે ઠેર-ઠેર પૂજાય છે
 
મા શ્રી મેલડીના મુખમાં મમતા, નેત્રોમાં કરુણા અને હ્રદયમાં પ્રેમ છે. તેઓ અષ્ટભુજી રૂપમાં દર્શન આપે છે આ અષ્ટભુજાઓમા ધારણ કરેલ અસ્ત્ર-શસ્ત્ર નીચે મુજબ છે.
 
કુંજો
કટારી
ત્રિશુલ
તલવાર
ગદા
ચક્ર
કમળ
અભય મુદ્રા