રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 17 ઑક્ટોબર 2020 (08:29 IST)

Happy Navratri - નવરાત્રી એટલે ઉપાસના અને ઉપવાસનુ પર્વ

નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિનો તહેવાર વર્ષમાં બે વખત આવે છે.
 
નવરાત્રિમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
 
નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે.
 
નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.
 
નવરાત્રિમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે.
 
નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ વ્રત રાખે છે. જો તમે ગરબા રમવા પણ જતા હોય તો તમારે એક ટંક જમીને ઉપવાસ કરવો વધુ યોગ્ય રહેશે.
 
નવરાત્રિના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી વ્રત ઉપાસના કરવામાં આવે છે.
 
સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ ભાગ્યવેત્.
 
જેનો મતલબ છે નવરાત્રિના નવ દિવસ મનમાં ખરાબ વિચારો, છળ-કપટ, ઈર્ષા છોડીને આપણે નવ દિવસ સુધી માનવ કલ્યાણના કામો કરીએ.
 
આ વ્રતને ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર માતાની શક્તિ પામવાનો છે. જે લોકો નવરાત્રિમાં વ્રત કરે છે તેને અન્ય ઉપવાસો કરતા વધુ ફળ મળે છે. નવરાત્રિ એક પ્રકૃતિની ઋતુનો કાળ છે. આ ઋતુ જીવ, પ્રાણી અને મનુષ્ય માટે કષ્ટદાયક હોય છે. આ દિવસો દરમિયાન જો આધ્યાત્મિક બીજ રોપવામાં આવે તો એ જ રીતનુ ફળ આપણને મળે છે.
 
જો નવરાત્રિના પ્રથમ દિવસે એટલેકે પડવાના દિવસે હસ્ત નક્ષત્ર હોય તો તે દિવસે વિધિપૂર્વક કરેલુ દેવીપૂજન ઈચ્છિત ફળ આપે છે. પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી - હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો.