શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 10 એપ્રિલ 2016 (11:30 IST)

કૃષ્ણ એટલે ‘આકર્ષક કેન્દ્ર’

કૃષ્ણ એટલે? ‘કર્ષતી આકર્ષતિ ઇતિ કૃષ્ણઃ ।’ જે સૌને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે ‘આકર્ષક કેન્દ્ર’ કૃષ્ણ એટલે એવું ચુંબકીય કેન્દ્ર જેના તરફ બધી જ વ્યક્તિઓ ખેંચાય. ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું જીવન એટલું તો સુંદર અને સુગંધિત કર્યું હતું કે જે કોઇ તેની તરફ જોતું તેને તેઓ પોતાના લાગતા. વૃદ્ધોને પોતાના પુત્ર જેવા લાગતા, તો યુવાનોને પોતાના મિત્ર જેવા લાગતા. રાજાઓને તે રાજા જેવા લાગતા, તો ભક્તને સ્વયં ભગવાન લાગતા. સૌને તેના ઉપર પ્રેમ કરવાનો ઉમળકો થઇ આવતો.

કૃષ્ણ જગતના વિદ્વાનોને આદરણીય લાગતા હતા. વિદ્વાનોને આદરણીય લાગવાવાળા, શૂરોને શૂરવીર સમ લાગતા અને વૈભવસંપન્નોને કૃપાળુ લાગનારા કૃષ્ણ, સામાન્ય ગોપોના પણ રહ્યા એ જ તેમનું વૈશિષ્ઠ્ય જે ગોપેશ્વર કૃષ્ણ થયો તે જ યોગેશ્વર કૃષ્ણ પણ થયો. આ જે તેના જીવનને મહાન આકર્ષક કેન્દ્ર સાબિત કરનારી વિશિષ્ઠતા!
બીજો અર્થ છે-કૃષ્ણ એટલે કાળા. કદીક પ્રભુનાં દર્શન કરતા સમયે પ્રભુ ઘનશ્યામ શા માટે તેવો પ્રશ્ન થઇ આવે તે સ્વાભાવિક છે. કેટલાક બૌદ્ધિક અને ભાવપૂર્ણ અર્થો સમજી લઇએ.

(૧) કાળા રંગનું વૈશિષ્ટ્ય છે તે કોઇ પણ રંગ ઉપર ચડી શકે છે તેના ઉપર કોઇ રંગ ચડી શકતો નથી. સમગ્ર જગત ઉપર પ્રભુનો રંગ ચડેલો છે, પણ પ્રભુ ઉપર જગતનો કોઇ રંગ ચડતો નથી. આ વાત તો આ શ્યામ રંગ નહીં સમજાવતો હોય?

(૨) કાળા રંગ ઉપર પ્રકાશ પડે તો તે પ્રકાશને અને તેમાં રહેલી ઉષ્માને પરાવૃત્ત કરી પાછા ફેંકી શકતો નથી, પણ પોતાની પાસે રાખે છે. પ્રભુ પણ ભક્તોના પ્રેમપ્રકાશ અને ભાવ ઉષ્માને પોતાની પાસે રાખે છે. તેને પરાવૃત્ત કરી પાછા ફેંકી દેતા નથી, તેથી જ પ્રભુ કદાચ ‘શ્યામ’રંગી હશે!
(૩) ગંગાનાં નીર ધોળાં છે, જ્યારે યમુનાનાં નીર શ્યામ છે. ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના ભક્તિનું. ભક્તિનો રંગ શ્યામ છે, કારણ તે રંગ બધા ઉપર ચડે છે. તેથી જ પ્રભુએ આવા શ્યામરંગી ભક્તોનો શ્યામરંગ અપનાવ્યો હશે.
(૪) પાણીની એક ખૂબી છે, જ્યાં પાણી વધુ ઊંડાણવાળું હોય છે ત્યાં ઉપરથી તે શ્યામ દેખાય છે. શ્યામ રંગ ઊંડાણ સૂચવે છે. પ્રભુના જીવનમાં ઘણી ઊંડાઇ છે તે સમજાવવા કદાચ પ્રભુનો રંગ શ્યામ હોય?
(૫) બીજું જે વાદળાં પાણીથી ભરેલાં હોય તેવાં વાદળનો રંગ પણ શ્યામ હોય છે. સંસ્કૃતમાં ‘પાણી’ને ‘જીવન’ કહે છે. જે વાદળો ‘જીવનદાયી’ છે તે શ્યામ છે. પ્રભુ પણ જીવનજલથી ભરેલા છે, ‘જીવનદાયી’ છે અને તેથી જ પ્રભુ ‘મેઘશ્યામ’ છે.
(૬) છેલ્લે, શ્યામરંગમાં સૌંદર્ય ઓછું જોવા મળે છે, પણ જ્યાં જોવા મળે છે તે બેજોડ હોય છે. ગોરા રંગવાળા ઘણા સુંદર ચહેરા જોવા મળે છે, પણ તેમના સૌંદર્યમાં ઊંડાણ હોય છે. આનું મહત્ત્વ પશ્ચિમના ગોરા લોકો સમજ્યા છ અને તેથી જ સતત સૂર્ય સ્નાન કરી ચામડીનો રંગ બદલવાનો તેમનો પ્રયત્ન રહેલો હોય છે.
ટૂંકમાં પ્રભુ કૃષ્ણ એટલે ખેંચનારા અને કૃષ્ણ એટલે શ્યામ એમ બંને અર્થમાં કૃષ્ણ આપણને વિશિષ્ટ જીવનસંદેશ આપે છે.