ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઇસ્લામ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 20 જૂન 2024 (13:25 IST)

Hajj - હજ દરમિયાન પળાતા આઠ નિયમોનો ઇતિહાસ

hajj rules for men- હજ મુસ્લિમોનું સૌથી મોટું ધાર્મિક આયોજન છે. આ ઇસ્લામના પાંચ મૂળભૂત પાયામાંથી એક છે. શારીરિક અને આર્થિક રીતે સક્ષમ દરેક મુસ્લિમ માટે હજ કરવી એ એક ફરજ છે. આ જ કારણે દર વર્ષે એક નક્કી કરેલા સમયે વિશ્વભરના મુસ્લિમ દેશોમાંથી લાખો પુરુષ અને મહિલાઓ હજ કરવા માટે સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં એકઠાં થાય છે.
 
અરબી વર્ષના છેલ્લા મહિના ઝીલહલને હજનો મહિનો કહેવામા આવે છે. આ મહિનાની આઠથી 12 તારીખ સુધી હજની મુખ્ય ધાર્મિક વિધિઓનું પાલન કરવામા આવે છે.
 
એક મુસ્લિમને હજ પુરી કરવા માટે કેટલાંક રીતિ-રિવાજોનું પાલન કરવું પડે છે. જેમાં એક ખાસ પ્રકારનો પોશાક પહેરીને મક્કામાં પ્રવેશ કરવો કે કાબાની પરિક્રમા કરવાની વિધિઓ સામેલ છે. આ ઉપરાંત તેમને અરાફાતના મેદાનમાં રહેવું, સફા અને મરવા પહાડો વચ્ચે દોડવું, શયતાન ઉપર પથ્થરો ફેંકવા, પશુબલિ આપવી અને માથાનું મુંડન કરવી જેવી પ્રથાઓ સામેલ છે.
 
ઇહરામમાં સફેદ કપડાં પહેરવાં
હજ માટે જે સૌથી પહેલા રિવાજનું પાલન કરવું પડે છે તે છે ‘ઇહરામ’. મક્કાથી દૂર રહેતા લોકોને મક્કા જવા માટે રસ્તામાં એક નક્કી કરેલા સ્થળ પર ઇહરામ ઘારણ કરવું પડે છે. અરબી શબ્દ ‘ઇહરામ’ એ સ્થિતિને દર્શાવે છે, જેમાં કોઈ વ્યક્તિ પોતાને દરેક પ્રકારના પાપ અને પ્રતિબંધિત પ્રવૃતીઓથી દૂર રાખે છે.
 
મહમદ ઉમર ફારૂખ ઢાકા યુનિવર્સિટીમાં ઇસ્લામનાં ઇતિહાસ અને સંસ્કૃતી વિભાગના પ્રોફેસર છે. તેમણે બીબીસી બાંગ્લા સેવા સાથેની વાતચીતમાં જણાવે છે, “સરળ શબ્દોમાં કહીએ તો ઇહરામ એટલે હજનો ઇરાદો કરવો અને હજ માટે નક્કી કરેલો પોશાક ધારણ કરવો.” આ વિશેષ તબક્કાના પ્રતીક તરીકે પુરુષોએ સીવ્યા વગરના બે ટુકડાઓવાળું સફેદ કાપડ ધારણ કરવું પડે છે.
 
કૅનેડાના ઇસ્લામિક સૂચના અને દાવા કેન્દ્રના પૂર્વ અધ્યક્ષ ડૉ. સાબિર અલી એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે, “દેખાવમાં તે એક કફનના કાપડ જેવું લાગે છે. ઇહરામ સમયે આ પ્રકારનો પોશાક પહેરવાનો અર્થ છે કે આપણે સૃષ્ટિના સર્જક સાથે મળવા માટે તૈયાર છીએ.” પુરુષો માટે સફેદ પોશાકની જોગવાઈ છે, જ્યારે મહિલાઓ માટે આવી કોઈ જોગવાઈ નથી. મહિલાઓ ઇચ્છે તે રંગનો ઢીલો પોશાક પહેરી શકે છે.
 
મુસ્લિમ વિદ્વાનોનું કહેવું છે કે પયગંબર ઇબ્રાહિમ અરબસ્તાનમાં હજ કરનારી પ્રથમ વ્યક્તિ હતા. ઈસાઈ ધર્મનું પાલન કરતા લોકો તેમને ઇબ્રાહિમના નામથી ઓળખે છે.
 
ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર ફારૂખ જણાવે છે, “કાબાના નિર્માણ પછી હઝરત ઇબ્રાહિમે અલ્લાના આદેશ પર હજ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તે સમયે જ સફેદ પોશાક પહેરવાની સાથે હજનાં તમામ રીતિ-રિવાજો શરૂ કર્યાં હતાં.” 
 
વાળ અને નખ ન કાપવા
ઇહરામ ધારણ કર્યા પછી હજ ખતમ કરતાં પહેલાં હજયાત્રિઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. એમાં, કોઈની સાથે ઝધડો કે વિવાદ ન કરવો, યૌન સંબંધ ન બનાવવા, વાળ અને દાઢી ન કાપવાં, હાથ અને પગના નખ ન કાપવા, જીવહત્યા કે રક્તપાત ન કરવો અને કોઈ પણ વ્યક્તિની નિંદા ન કરવી - જેવા નિયમો સામેલ છે.
 
મુસ્લિમ વિદ્વાનોનું માનવું છે કે સફેદ પોશાક પહેરવાની જેમ જ આ નિયમોને પણ પયગંબર ઇબ્રાહિમના સમયે જ શરૂ કરવામા આવ્યા હતા. ડૉ. સાબિર અલી જણાવે છે “આ નિયમોના પાલન થકી એ જણાવવામાં આવે છે કે આપણે સૃષ્ટીના સર્જકની નજીક પહોંચવાની આશા સાથે એ પ્રકારની સ્થિતિમાં પહોંચીએ છીએ, જ્યાં વ્યક્તિને પોતાની માવજત જેવી બાબતો પર પણ ધ્યાન આપવાની ઇચ્છા થતી નથી.”
 
 
કાબાની પરિક્રમા
ઇહરામ પછી હજનો બીજો રિવાજ છે, ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળ કાબાની સાત વખત પરિક્રમા. હજયાત્રીઓ સામાન્ય રિતે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામા કાબાની પરિક્રમા કરે છે. મુસ્લિમ વિદ્વાનો માને છે કે આ રિવાજ પણ ઇબ્રાહિમના સમયથી જ શરૂ થયો હતો. જોકે, તેમનું કહેવું છે કે એ સ્પષ્ટ નથી કે પરિક્રમા ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં જ કેમ કરવામા આવે છે અને સાત વખત જ કેમ કરવામા આવે છે. મુસ્લિમ વિદ્વાન અને કૅનેડાના ઇસ્લામિક સૂચનાકેન્દ્રના પૂર્વ અધ્યક્ષ ડૉ. સાબિર અલી “લેટ ધી કરોના સ્પીક” શોમાં કહે છે કે આ પાછળનું મુખ્ય કારણ અને રહસ્ય સૃષ્ટિના સર્જક જ સૌથી સારી રીતે જાણે છે. જોકે, ઇસ્લામનાં કેટલાક જાણકારોનું માનવું છે કે જન્નતમાં ‘બૈતુલ મામૂર’ નામક જે પવિત્ર ઘરની ચોતરફ ફિરસ્તાઓ ચક્કર લગાવે છે. એની અને કાબાના તવાફ વચ્ચે સમાનતા છે.
 
અલી જણાવે છે, “આ જ કારણે કાબાને બૈતુલ્લાહ એટલે કે અલ્લાનું ઘર કહેવામા આવે છે. હાજી એ દેખાડવા માટે આ પવિત્ર ઘરની સાત વખત પરિક્રમા કરે છે કે તેઓ સૃષ્ટિના સર્જકની રાહ જોઈ રહ્યા છે.” ઇસ્લામી ચિંતકોનું કહેવું છે કે હજના આ રિવાજોનું પાલન ઇસ્લામ-પૂર્વેના કાળમાં પણ કરવામા આવતું હતું.
 
સફા-મરવાના પહાડો વચ્ચે દોડવું
સફા અને મરવા પહાડો વચ્ચે સતત સાત વખત દોડવું એ હજનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઇસ્લામ અનુસાર, પયગંબર ઇબ્રાહિમે અલ્લાના આદેશ પર પોતાનાં પત્ની હાજીરા અને નવજાત દીકરા ઇસ્માઇલને મક્કામાં સફા અને મરવાના પહાડો પાસે છોડી દીધાં હતાં. જ્યારે પહાડો પર પાણી ખતમ થઈ ગયું ત્યારે હાજીરાએ પાણીની શોધમાં સફા અને મરવાની પહાડીઓ વચ્ચે સાત વખત દોડ લગાવી હતી.
 
એ બાદ અલ્લાના નિર્દેશ પર ત્યાં એક કુવો બનાવવામા આવ્યો હતો. હાજીરા અને તેમના નવજાત પુત્રએ આ કુવામાંથી પાણી પીધું અને પોતાની તરસ છીપાવી હતી. આ કુવો પાછળથી “ઝમઝમ કુવા”ના નામથી મશહુર થયો.સાબિર અલી જણાવે છે, “હજ માટે જઈને સફા અને મરવાના પહાડો વચ્ચે સાત વખત દોડીને ઇસ્માઇલ અને તેમનાં માતા હાજીરાની આ ઘટનાને સાંકેતિક રૂપે યાદ કરવામા આવે છે.”
 
અરાફાત મેદાનમાં રહેવું
મીનામાં રાતવાસો કર્યા પછી બીજા દિવસે હજયાત્રીઓ અરાફાતનાં મેદાનો માટે રવાના થાય છે. ત્યારબાદ આખો દિવસ ત્યાં રહીને દુઆ માગવી એ એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સંસ્કાર ગણવામાં આવે છે. એ બાદ હજયાત્રીઓ મુજદલિફા માટે રવાના થાય છે અને ત્યાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવે છે.
 
મુસ્લિમ વિદ્વાનો માને છે કે મીનાથી લઈને મુજદલિફા સુધી પાલન કરવામા આવતા બધા જ કર્મકાંડોમાં પયગંબર ઇબ્રાહિમ ઉપરાંત તેમનાં પત્ની અને દીકરાનો ઇતિહાસ સામેલ છે. વિદ્વાનોનું કહેવું છે કે ગરમીમાં આખો દિવસ અરાફાત મેદાનમાં રહ્યા પછી મુજદલિફામાં ખુલ્લા આકાશની નીચે રહેવાનું એક વિશેષ આધ્યાતમિક મહત્ત્વ છે.
 
ઢાકા યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. મહમદ ઉમર ફારૂખ જણાવે છે, “અરાફાત અને મુજદલિફામાં રહીને હજયાત્રીઓ અનુભવી શકે છે કે સારાં કામો વગર સંસારિક ધન, પ્રસિદ્ધી અને કર્મોનો અંતિમ હિસાબ પણ આપણા કામે નહીં આવે.”
 
જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે હજ દરમિયાન અરાફાત અને મુજદલિફામાં લાખો લોકોનું એકઠા થવું એ “હશરનું ક્ષેત્ર” અથવા ન્યાયના દિવસની યાદ અપાવે છે.
 
શયતાનને પથ્થરથી મારવા
હજના સૌથી મહત્ત્વપૂર્ણ રિવાજો પૈકી એક છે શયતાન પર પથ્થર ફેંકવો. મુજદલિફાથી આવતી સમયે હજયાત્રીઓ સાત કાંકરા લઈને મીના આવે છે. મીનામાં શયતાનના નામે એક પ્રતીકાત્મક દીવાલ બનાવાયેલી છે. આ દીવાલને 'જમરાત'ના નામથી ઓળખાય છે. હજયાત્રીઓ પોતાની સાથે લાવેલા સાત કાંકરાઓ તે દિવાલ પર ફેંકે છે.
 
મીનામાં શેતાનની આવી બે દીવાલો છે. હજના અંતિમ બે દિવસોમાં આ બંને દિવાલો પર પણ સાત-સાત પથ્થરો ફેંકવામા આવે છે.
 
મહમદ ઉમર ફારૂખે બીબીસી બાંગ્લાને કહ્યું, “શયતાનની યોજનાથી બચવા માટે હજરત ઇબ્રાહિમે તેના પર પથ્થર ફેંકયા હતા. શયતાનની દીવાલ પર પ્રતીકાત્મક પથ્થર ફેંકવાની શરૂઆત ત્યારથી જ થઈ હતી.”
 
ઇસ્લામ પ્રમાણે, અલ્લાએ પયગંબર ઇબ્રાહિમને પોતાની સૌથી પ્રિય સંપત્તિની કુરબાની આપવા માટે કહ્યું હતું. ત્યારબાદ ઇબ્રાહિમે પોતાના પ્રિય પુત્ર ઇસ્માઇલની કુરબાની આપવાનો નિર્ણય કર્યો હતો. ઇસ્માઇલે પણ પિતાના નિર્ણયને સ્વીકારી લીધો હતો. એ બાદ ઇબ્રાહિમ પોતાના પુત્રની સાથે અરાફાતના ખુલ્લા રણમાં ચાલ્યા ગયા હતા.
 
ઇસ્માઇલની કુરબાની આપવા જતી વખતે શયતાન ખોટી સલાહો આપીને ઇબ્રાહિમના કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ સ્થિતિમાં ઇબ્રાહિમે ત્રણેય જગ્યા પર શયતાનને નિશાનો બનાવીને પથ્થર ફેંક્યા હતા.
 
પશુબલિ
મીનામાં શયતાન પર પથ્થર ફેંક્યા પછી પશુબલિ આપવાનો રિવાજ છે. મુસ્લિમો માને છે કે આ પ્રથા સાથે પણ પયગંબર ઇબ્રાહિમનો ઇતિહાસ જોડાયેલો છે.લોકો માને છે કે અલ્લાના આદેશ પર પયગંબર ઇબ્રાહિમ પોતાના નવજાત પુત્રની કુરબાની દેવા માટે અરાફાતના મેદાનમાં ચોક્કસ લઈ ગયા હતા. જોકે, તેમણે અંતે પોતાના પુત્રની કુરબાની આપી નહોતી.અલ્લા ઇબ્રાહિમનાં વિશ્વાસ અને આજ્ઞાપાલનથી ખુશ થયા હતા અને ઇસ્માઇલની જગ્યાએ એક પશુનો બલિ ચઢાવવામાં આવ્યો હતો.ઇસ્લામી ચિંતકોનું કહેવું છે કે આ ઘટનાની યાદમાં હજના ત્રીજા દિવસે ગાય, બકરી, ભેંસ કે ઊંટનો બલિ ચઢાવવામા આવે છે. તેમનું માનવું છે કે આ બલિ મુખ્યત્વે અલ્લા પ્રત્યે કૃતજ્ઞા વ્યક્ત કરવા માટે ચઢાવવામા આવે છે.
 
તે દિવસે ઈદ-ઉલ-અઝદા એટલે કે કુરબાનીની ઈદનું પણ પાલન કરવામા આવે છે. ઇસ્લામ- પૂર્વેના કાળમાં પણ કુરબાનીની આ પ્રથા પ્રચલિત હતી.પ્રોફેસર ડૉ. મહંમદ ઉમર ફારૂખે બીબીસીને જણાવે છે, “તે સમયે દેવી-દેવતાઓનાં નામ પર કુરબાની આપવામા આવતી હતી. મક્કામાં ઇસ્લામની સ્થાપના પછી પયગમ્બર ઇબ્રાહિમ દ્વારા શરૂ કરવામા આવેલી કુરબાનીની પરંપરાને ફરીથી શરૂ કરવામા આવી હતી.”
 
માથાનું મુંડન
માથાનું મુંડન કરાવવું એ પણ હજનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પશુની કુરબાની પછી તે જ દિવસે માથાનું મુંડન કરવામા આવે છે.ડૉ. મહંમદ ઉમર ફારૂખે જણાવે છે, “માથાનું મુંડન મૂળ રૂપે હજની શરૂઆતમાં ઇહરામની સ્થિતિમાંથી મુક્તિનાં પ્રતીકાત્મક કાર્યોમાંથી એક છે.”
 
જોકે, હજ પઢવા જનાર મહિલાઓ સંપૂર્ણપણે માથાનું મુંડન કરાવતી નથી. તેઓ માથાના વાળનો આગળનો થોડોક ભાગ કાપીને ફેંકી શકે છે. ઇસ્લામિક ચિંતકો પ્રમાણે, માથાના મુંડનની આ પ્રથા પયગંબર ઇબ્રાહિમના સમયથી ચાલી રહી છે. ચિંતકોનું માનવું છે કે હજ કરવાના પરિણામ સ્વરૂપે વ્યક્તિમાં જે ફેરફાર આવે તે વાળ કપાવવાથી પ્રતીકાત્મકરૂપે વિકસિત થાય છે. મુસ્લિમ વિદ્વાનોનું કહેવું છે કે વાળ કાપવાથી હજનો ઇહરામ તૂટે છે. આમ, મુંડન પછી પુરુષોને દાઢી કરવાની કે હાથ અને પગના નખ કાપવાથી કોઈ અવરોધ રહેતો નથી.