શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 23 જૂન 2020 (11:56 IST)

જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ પર લાકડી ઉગામતી પોલીસને ગૃહમંત્રી પ્રદિપસિંહે શું સૂચના આપી?

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે અમદાવાદમાં 143મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની મંજૂરી ન આપી. બીજી તરફ વ્યવસ્થાના ભાગરૂપે મંદિરમાં જગન્નાથ મંદિર ખાતે જ રથોને પરિક્રમા કરાવવામાં આવી હતી. જે બાદ રથોને મંદિરમાં ભક્તોના દર્શન માટે લાઇનમાં મૂકી દેવામાં આવ્યા છે. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સતત ખડેપગે મંદિર ખાતે હાજર રહીને તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. મંદિરમાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તેની પણ તેઓેએ ખૂબ કાળજી રાખી હતી. આ દરમિયાન એક ક્ષણે તેમણે જેસીપીને બોલાવીને ભક્તો સામે લાકડી ન ઉગામવાની સૂચના આપી હતી.  ભક્તોની લાગણીને ઠેંસ ન પહોંચે તેનું ધ્યાન રાખવાની સૂચના પ્રદીપસિંહે પોલીને આપી હતી.  પ્રદીપસિંહ મહંતની ઓફિસમાં બેઠા હતા. તેમણે જોયું કે પોલીસકર્મીઓ લાકડીથી ભક્તોને દૂર કરી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ લાકડીને પ્રયોગ કરી રહી હોવાનું જાણતા જ પ્રદીપસિંહ ઓફિસમાંથી બહાર આવી ગયા હતા અને ત્યાં હાજર જેસીપી અમિત વિશ્વકર્માને પોતાની પાસે બોલાવ્યા હતા. મંદિર ખાતે દર્શન માટે આવતા ભક્તોને એક ગેટમાંથી પ્રવેશ આપવામાં આવે છે. મંદિર બહાર પાંચ જેટલી ભજન મંડળીઓ હાજર છે. જે અંદર ન પ્રવેશે તે માટે પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. ભક્તો અંદર પ્રવેશે ત્યાં પણ પોલીસે બેરિકેટિંગ કરી દીધું છે. ભક્તો રથની બાજુમાં ન જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ દરમિયાન પોલીસે ભક્તો સામે લાકડી ઉગામતા પ્રદીપસિંહે પોલીસને સૂચના આપી હતી કે સુરક્ષા માટે વ્યવસ્થા ગોઠવો પરંતુ ભક્તો સામે લાકડી ન ઉગામો.