સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2017 (10:53 IST)

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા... આ વખતે જગન્નાથજી રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ એટલે કે રવિવાર 24 જુનના રોજ ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા નીકળશે. જેમા જગન્નાથજી ગોવાળિયા સ્વરૂપમાં પોતાના ભક્તોને દર્શન આપશે. આ રથયાત્રામાં 19 હાથી 30 અખાડા અને 101 ટ્રકો જોડાશે.  આ રથયાત્રા શાંતિપૂર્ણ રહે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. 
 
અમદાવાદની રથયાત્રામાં ૧૯ હાથી, ૩૦ અખાડા અને ૧૦૧ ટ્રકો સાથે ભજન મંડળીઓ જોડાશે
અમદાવાદમાં રવિવારે ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને  રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. રવિવારે સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો,  ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.
આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૨૫મીએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.