રંગ દે એમબીએ- આપણાં યુવાનો કંઈ તરફ જઈ રહ્યાં છે?
ગુજરાતી લેખક રાહુલ પોમલની લાજવાબ કિતાબ
દેવાંગ મેવાડા ગાંધીજીએ કહ્યું છે કે વાચન ભલે ઓછું થાય, પણ ઊંડું કરજો. હજાર પુસ્તક પચાવ્યા વિના વાંચનાર કરતાં એક પુસ્તક પચાવનાર વધારે જાણે છે. કેટલું કામ કરો છો એ નહિ, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની વિપુલતા નહિ પણ શ્રેષ્ઠતા સાધવાનો આદેશ છે. ફ્રાન્સના અગ્રણી તત્વચિંતક સાર્ત્ર સમક્ષ તેમના એક શિષ્યે એક દિવસ ફરિયાદ કરી કે ‘આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે’, ત્યારે એમણે જવાબમાં કહ્યું : ‘મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારાં લખાણોનો ફક્ત પાંચમો ભાગ મેં છપાવીને પ્રસિદ્ધ કર્યો છે.’ અને ઉમેર્યું : ‘જો બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો તમે મારા શિષ્ય ન પણ હોત !’ વાંચન એવી વસ્તુ છે કે જેનાથી તમે એક જ જીવનમાં ઘણા બધા જીવનનો અનુભવો કરી શકો છો.અને આપણે કેટલુ વાંચીએ છીએ તે કરતા પણ વધુ મહત્વનુ છે કે શું વાંચીએ છીએ. ગંભીરતા ચહેરા પર નહિ પણ કાર્યમાં બતાવવાની ચીજ છે. ગંભીરતા વિશેની આ અતિ ગંભીર બાબત ઘણા મહાનુભાવો સમજી શક્યા નથી. આજના યુવાનો જીવનને ગંભીરતાથી લેતાં નથી. તેઓ બધી જ ચીજનું પોતાની રીતે મુલ્યાંકન કરે છે. પોતાની મહત્ત્વકાંક્ષાને મહત્ત્વ આપે છે. તે સર્વોચ્ચ સત્તાધીશ કે પૈસાદાર બનવા માંગે છે. પણ તેને જીવન વિશે કંઈ જ ખ્યાલ જ હોતો નથી.આ જ પ્રકારનાં જીવનનાં વળાંકો અને અનુભવો પરથી લખાયું છે પુસ્તક માય બુક ઓફ એમ્બીશન. એક ગુજરાતી યુવાને અંગ્રેજીમાં સુંદર પુસ્તક લખવાનો પ્રયત્ન કર્યો છે. જેમ ચેતન ભગતે વન નાઈટ એટ કોલ સેન્ટર અને થ્રી મિસટેક ઓફ માય લાઈફ જેવા પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તક ફીક્શન છે એટલે કે કલ્પિનાતિત છે. આ પુસ્તકમાં ચાર યુવાનોની વાત કરવામાં આવી છે. જે આજની પેઢીનું પ્રતિબિંબ છે.લેખકે ખુબ સરળ રીતે ગંભીર મુદ્દાને સ્પર્શીને તેનો ઉકેલ પણ રજુ કર્યો છે. આ વાર્તા ચાર મિત્રો ઉપર છે. જેમનાં નામ રામ, જીગ્નેશ, વિકી અને ક્રુનાલ છે. તેઓ એમબીએ કોલેજ જોઈન્ટ કરે છે. પણ ચારેયનાં એમબીએમાં જોડાવાનાં કારણો જુદા જુદા હતાં. પૈસા કમાવા, શક્તિશાળી બનવું અને કાર્યક્ષમ સાબિત થવાનું તેમનું લક્ષ્ય હતું. પણ એમબીએમાં જોડાયા બાદ એક પછી એક આવેલા નાટ્યાત્મક વળાંકોએ તેમનું જીવન બદલી નાંખ્યું. જે દરમિયાન તેમણે ઘણાં ઉતાર ચઢાવોનો સામનો કર્યો હતો. એટલે કે વિચાર કંઈ કરે પણ તેને મેળવી ન શકે. તો પછી શું થાય તે ખુબ જ મજેદાર રીતે વર્ણવ્યું છે. લેખકને એમબીએનાં અભ્યાસ દરમિયાન વિવિધ પ્રકારનાં નાગરિકો કે જે વિવિધ પ્રકારનાં માનસિકતા અને ઈચ્છા ધરાવતાં હોય તે તેમની સામેથી પસાર થયા હતાં. બધાને આગળ જવું છે. પણ રસ્તો કયો પસંદ કરવો તેનો ખ્યાલ નથી. પોતાના માર્ગથી ભટકેલાં એમબીએનાં યુવાનોને સાચા રસ્તો બતાવવા માટે આ પુસ્તક ઉપયોગી છે. આજની પેઢી પોતાની શક્તિઓને ખોટા માર્ગે વેડફી રહી છે. જેને સાચા રસ્તે વાળવા માટે પુસ્તક એકવાર વાંચવું જરૂરી છે. આ પુસ્તક યુવાનો એ તો ખાસ વાંચવું જોઈએ જ. તેની સાથે શિક્ષણ જગતનાં લોકોએ પણ આવનારી પેઢીનું ઘડતર કરવા પુસ્તકનો અભ્યાસ કરવો જોઈએ.આ વાર્તામાં કેટલાંક પ્રણય સંબંધોની પણ ચર્ચા કરવામાં આવી છે. જે વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. જે દર્શાવે છે કે દરેક યુવાનનાં દિલમાં કોઈને કોઈ પ્રત્યે અનહદ લાગણી હોય છે. આ વાર્તામાં કાદમ્બરી અને નિયતી નામનાં સ્ત્રી પાત્રો છે. જે વાર્તાને જરૂરી વળાંક આપવા માટે મહત્ત્વ સાબિત થાય છે. સમય બદલાઈ ગયો છે. યુવાનોનાં વિચારોની સાથે વ્યવહારમાં પણ બદલાવ આવ્યો છે. તેથી આપણે તેમના પ્રત્યેનાં વિચારો પણ બદલવા જોઈએ.લેખક પરિચયઃ
માય બુક ઓફ એમ્બિશનનાં લેખક રાહુલ પોમલ 27 વર્ષિય ગુજરાતી યુવાન છે. જેમણે ગાંધીનગર અને અમદાવાદમાં શિક્ષણ મેળવી મુંબઈની કોલેજમાં મેનેજમેન્ટની ડિગ્રી હાંસલ કરી. લેખકે નાની ઉંમરમાં જ ઘણી બધી પ્રસિધ્ધિ હાંસલ કરી છે. તેમણે ઘણી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચુક્યાં છે. અત્યારે તેઓ એક અગ્રણી ખાનગી ગ્રુપમાં ઉચ્ચ હોદ્દા પર છે. આ ઉપરાંત તેઓ એમબીએને લગતાં દેશનાં પ્રતિષ્ઠિત મેગેઝીનમાં કોલમ પણ લખે છે. ખાસ વાત તો એ છે કે આ પુસ્તક લખતી વખતે લેખકે પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે 40 ટકા પુસ્તક લખીને તૈયાર કર્યું. ત્યાં જ તેમનું લેપટોપ ખોવાઈ ગયું. તેની સાથે બધો જ બેકઅપ ડેટા પણ કરપ્ટ થઈ ગયો. આમ, લેખકને પુસ્તક તૈયાર કરવામાં કષ્ટ ઉઠાવ્યો હતો. પણ કહેવાય છે કે સારી વસ્તુ બનાવવામાં તકલીફ તો પડે જ છે. આવા નાના પ્રયત્નોથી યુવાનોને અંધાકારમાંથી ઉજાશ તરફ લઈ જવાનો પ્રયાસ થાય તે પ્રશંસનીય છે. આ પુસ્તક મુંબઈનાં પબ્બીશર્સ સિન્નેમોન્ટીલ -ડોગીઅર્સ પ્રિન્ટ મીડિયા(Cinnamonteal- Dogears Print Media) છે.