બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. અનોખુ વિશ્વ
  4. »
  5. અનોખુ કાર્ય
Written By દેવાંગ મેવાડા|

મૃત્યુ પછી થતી વિધી જીવતેજીવ કરાવી

N.D
માણસના મૃત્યુ બાદ થતી ઉત્તરક્રિયા પોતાના જીવતેજીવ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરનાર જીંદાદિલ વ્યક્તિ જવલ્લે જોવા મળે છે. પરંતુ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી સુરજનગર સોસાયટીમાં રહેતા જૈફવયના ગંગાબહેન પટેલે આ પ્રકારની તમામ વિધી પોતાના જીવતેજીવ કરાવવાની ઈચ્છા પુત્રો સમક્ષ વ્યક્ત કરી હતી. પુત્રોએ પણ તેમની ઈચ્છાને શિરોમાન્ય ગણીને તેમની જીવંતક્રિયા કરાવવાનો નિર્ણય લીધો હતો. આજે કુટુંબીજનો, પાડોશીઓ, સગા-સંબંધીઓ તથા મીત્રોની હાજરીમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ ગંગાબાની જીવંતક્રિયા કરવામાં આવી હતી.

PRP.R
ગંગાબહેનના પુત્ર હસમુખભાઈ પટેલે 'વેબદુનિયા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તેમની માતાએ થોડા સમય અગાઉ પોતાની જીવંતક્રિયા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે છ પુત્રો ભેગા થયા હતા અને આ વિધી કરાવવા માટેનુ આયોજન શરૂ કર્યુ હતુ. અંતે આજરોજ તેમની વિધી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માંજલપુર ખાતેના તેમના નિવાસ સ્થાન પાસે આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ જીવંતક્રિયા શરૂ કરવામાં આવી હતી. માણસના મૃત્યુ બાદ થતી તમામ વિધીઓ કરાવવા માટે ભૂદેવો પણ બોલાવવામાં આવ્યા હતા. મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલી વિધીમાં ગંગાબહેન જાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સમગ્ર વિધી પોતાની નજર સમક્ષ નિહાળી હતી. પરિવારના સભ્યો, સ્નેહીજનો, પાડોશીઓ તથા સમાજના સેંકડો લોકોએ તેમની જીવંતક્રિયામાં હાજરી આપી હતી.

PRP.R
માતાની નજર સમક્ષ તેમની જીવંતક્રિયા કરાવવા પાછળનો પુત્રોનો હેતુ એ હતો, કે મૃત્યુ પછી થતાં દાન તેમની માતા પોતાના હાથે આપે અને તેનુ પુણ્ય પણ તેમને જ મળે. હસમુખભાઈ પટેલે કહ્યુ હતુ કે, તેમની માતાની ઈચ્છા તેમના માટે સર્વસ્વ છે. તેમની ઈચ્છા હતી કે, મૃત્યુ બાદ માતમના માહોલમાં શામેલ થવા આવનારા લોકોને તેમના જીવતેજીવ બોલાવીને દુઃખની વિધીને ખુશીમાં પરિવર્તીત કરી એક નવુ ઉદાહરણ ઉભુ કરવામાં આવે. તેમની ઈચ્છા આજે પુત્રો દ્વારા પુરી કરવામાં આવી હતી અને જીવંતક્રિયામાં શામેલ દરેક વ્યક્તિએ ગંગાબાના વિરલ વ્યક્તિત્વને બિરદાવ્યુ હતુ અને વિધીના અંતે તમામે વયોવૃદ્ધ ગંગાબાના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ મેળવ્યા હતા.

અનોખા વ્યક્તિત્વોની અકલ્પનિય કાર્યસિદ્ધી વિષેના અહેવાલો વાંચવા અહીં ક્લિક કરો...