મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (11:32 IST)

Fact Check - શું ભાજપ અધ્યક્ષ અમિત શાહે અડવાણીને મંચ પરથી ઉતાર્યા?

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ શૅર થઈ રહ્યો છે જેમાં એ દર્શાવવા પ્રયાસ થઈ રહ્યો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે ગેરવર્તણૂંક કરી. ફેસબુક પોસ્ટમાં વીડિયો સાથે લોકોએ લખ્યું છે, "ખુલ્લેઆમ બેઇજ્જતી! અહંકારની પરાકાષ્ઠા પોતાના પક્ષના એ વરિષ્ઠ નેતાને પાછળ મોકલી રહી છે કે જેમણે પાર્ટી ઊભી કરી."
 
વાઇરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મંચ પર બેઠેલા અમિત શાહ ભાજપના સંસ્થાપક સભ્યોમાંથી એક લાલકૃષ્ણ અડવાણીને પહેલી લાઇનમાંથી ઉઠીને પાછળ તરફ જવાનો ઇશારો કરે છે.
 
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાલ જ કહ્યું હતું કે "શિષ્ય (નરેન્દ્ર મોદી) ગુરૂ (અડવાણી)ની સામે હાથ પણ જોડતા નથી. સ્ટેજ પરથી હટાવીને ગુરૂને ફેંકી દીધા. જૂતાં મારીને અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા." અમને જાણવા મળ્યું કે રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી શૅર થવા લાગ્યો છે.
 
એ વાત સાચી છે કે વર્ષ 1991થી ગુજરાતના ગાંધીનગરથી સાંસદ રહી ચૂકેલા અડવાણીને આ વખતે ભાજપે ટિકિટ આપી નથી અને તેમની જગ્યાએ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આ લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે.
 
મીડિયા રિપોર્ટ્સના અનુસાર ભાજપે આ વખતે 75 વર્ષથી વધારે ઉંમરના લોકોને ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો છે અને તેના માટે ગાંધીનગરથી અડવાણીની જગ્યાએ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વખત શૅર કરવામાં આવેલા 23 સેકેન્ડના આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિત શાહે ટિકિટ કાપ્યા બાદ લાલકૃષ્ણ અડવાણી સાથે ગેરવર્તણૂંક કરી.
 
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો ભ્રામક છે અને વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે.
 
વીડિયોની હકીકત
 
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે એક ભ્રામક સંદર્ભ આપવા માટે વીડિયોને એડિટ કરીને નાનો કરવામાં આવ્યો છે. આ વીડિયો 9 ઓગસ્ટ 2014ના રોજ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકનો છે. આ બેઠકનું આશરે દોઢ કલાક લાંબી ફૂટેજ જોવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે અમિત શાહના જણાવવા પર લાલકૃષ્ણ અડવાણી આગળની લાઇનમાંથી ઉઠીને મંચ પર પાછળની તરફ બનેલા પોડિયમ પર પોતાનું ભાષણ આપવા ગયા હતા.
 
ઑરિજિનલ વીડિયોમાં અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીને ખુરસી પર બેસીને જ સભા સંબોધિત કરવાનો પ્રસ્તાવ પણ આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ અડવાણી પોડિયમ પર ઊભા રહીને ભાષણ આપવાનું પસંદ કરે છે. જે સમયે આ બધું થાય છે, તે સમયે અમિત શાહની બાજુમાં બેઠેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયોમાં કંઈક કાગળ વાંચતા જોવા મળે છે. પરંતુ જે વીડિયો સોશિયલ મીડિયા પર સર્કુલેટ કરવામાં આવી રહ્યો છે, તેમાં માત્ર અમિત શાહના પોડિયમ તરફ ઇશારો કરવો અને લાલકૃષ્ણ અડવાણીનું ખુરસી પરથી ઊભા થઈને જવું તે જ ભાગ જોવા મળે છે.
 
આશરે દોઢ કલાકના આ કાર્યક્રમમાં પોતાનું ભાષણ ખતમ કર્યા બાદ પણ લાલકૃષ્ણ અડવાણી પાર્ટી અધ્યક્ષ અમિત શાહની બાજુવાળી સીટ પર બેઠેલા હતા. આ કાર્યક્રમનો આખો વીડિયો ભારતીય જનતા પક્ષના ઑફિશિયલ યૂટ્યૂબ પેજ પર હાજર છે જેને જોઈને સ્પષ્ટરૂપે કહી શકાય છે કે અમિત શાહ દ્વારા અડવાણી સાથે ગેરવર્તણૂંકની વાત એકદમ ખોટી છે.