સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2024 (15:59 IST)

કૅનેડા સરકારના ચાર નિર્ણય, જે બહારના વિદ્યાર્થીઓનું વસવાટનું સપનું તોડી શકે છે

કૅનેડા ગુજરાતીઓ સહિત ભારત અને અનેક દેશો માટે વસવાટ માટે મનપસંદ દેશો પૈકીનો એક રહ્યો છે.
 
કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે કહ્યું છે કે “કૅનેડા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકળાશથી આવકારી શકશે નહીં.”
 
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર માર્ક મિલરે વિદ્યાર્થીઓને સંબોધતાં લખ્યું હતું કે, “આવું થવું જોઈતું ન હતું. લોકોએ ખુદને શિક્ષિત કરવા માટે અહીં આવવું જોઈએ અને અહીંથી કૌશલ્ય મેળવીને પોતાના દેશમાં પરત જવું જોઈએ.”
 
માર્ક મિલરની ઍક્સ પરની પોસ્ટ એ હાલમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક-પરમિટના વિસ્તારની માગ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામેનો પ્રતિભાવ હોવાનું માનવામાં આવે છે.
 
એટલું જ નહીં, આ વિદ્યાર્થીઓ કૅનેડાના અલગઅલગ પ્રાંતોમાં રસ્તા પર ઊતરી આવ્યા છે અને સંઘર્ષના માર્ગે આગળ વધી રહ્યા છે.
 
હકીકતમાં યૂથ સપોર્ટ નેટવર્ક સંગઠને કૅનેડાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના યોગદાન, કોરોના મહામારી દરમિયાન તેમણે કરેલાં કામ, કૅનેડા સરકારનાં વચનો જેવા મુદ્દે માર્ક મિલરને ટેગ કર્યા હતા. વિદ્યાર્થીઓને આમંત્રિત કરો વગેરે વિશે ટ્વીટ પણ કર્યું હતું.
 
તેના જવાબમાં માર્ક મિલરે ઍક્સ પર ઉપરોક્ત દલીલ કરી હતી.
 
 
ભણતર અનુસાર જ કામ મળવું જોઈએ
કૅનેડામાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળે છે. દરમિયાન વિદ્યાર્થીઓ પીએનપી કે પછી સંઘીય યોજના હેઠળ પીઆર (કાયમી નાગરિકત્વ) માટે અરજી કરતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કૅનેડાનું નાગરિકત્વ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.
 
હવે કૅનેડાએ પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટની મુદ્દત વધારવાનો ઇનકાર કર્યો છે. આ વિદ્યાર્થીઓને પીઆર આપવા બાબતે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
 
તેને કારણે પોતાના દેશ પાછા મોકલવાનું જોખમ અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તોળાઈ રહ્યું છે.
 
કૅનેડાના એક મીડિયા રિપોર્ટ મુજબ, કયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ લેબર માર્કેટની માગ અનુસાર કૅનેડામાં રહેવું જોઈએ અને કોને પાછા મોકલવા જોઈએ તેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.
 
ફાઇનાન્સિયલ પોસ્ટ અખબાર સાથેની તાજેતરની મુલાકાતમાં માર્ક મિલરે જણાવ્યુ હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ અને પ્રશિક્ષણને અનુકૂળ હોય તેવી નોકરીઓ શોધવી જોઈએ.
 
માર્ક મિલરના કહેવા મુજબ, પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટધારકોની સંખ્યામાં તાજેતરમાં ઝડપી વધારો થયો છે.
 
સરકારી આંકડા મુજબ, 2022માં કૅનેડામાં 1,32,000 નવા પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટધારકો હતા. આ સંખ્યા ચાર વર્ષ પહેલાંની સરખામણીએ 78 ટકાથી વધુ છે.
 
યાદ રહે કે પ્રિન્સ એડવર્ડ આઇલૅન્ડ ઉપરાંત ટોરોન્ટો, વિન્નિપેગ અને બ્રિટિશ કોલંબિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
 
કૅનેડા સરકારે પાછલા મહિનાઓમાં નિયમોમાં ફેરફાર કર્યા છે.
 
તેને કારણે કૅનેડા જઈને અભ્યાસ કરવાનું મુશ્કેલ બની ગયું છે એટલું જ નહીં, પરંતુ ત્યાંનું નાગરિકત્વ મેળવવાનું અગાઉની સરખામણીએ વધારે મુશ્કેલ બની ગયું છે.
 
કૅનેડામાં રહેવાના વધતા ખર્ચ, આવાસની કમી અને રોજગારની ઓછી તકોને કારણે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની વ્યાપક ટીકા થઈ રહી છે.
 
આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કૅનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અભ્યાસ પરમિટમાં ઘટાડો કર્યો હતો.
 
કૅનેડાએ આ વર્ષે માત્ર ત્રણ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પરમિટ આપવાની વાત કહી છે, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા ઘણી વધારે હતી.

પોસ્ટ-ગ્રૅજ્યુએશન વર્ક પરમિટ
 
કૅનેડા સરકારે જે નિયમો બદલ્યા છે, તે શિક્ષણ પછી કામ કરવાની સુવિધા સંબંધી છે. તેને વર્ક પરમિટ કહેવામાં આવે છે.
 
કોરોના મહામારી દરમિયાન લેબર માર્કેટની જરૂરિયાતને સંતોષવા કૅનેડાએ વર્ક પરમિટને કામચલાઉ રીતે 18 મહિના સુધી વધારવાની નીતિ અમલી બનાવી હતી.
 
જોકે, ગત દિવસોમાં કૅનેડા સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો હતો.
 
યાદ રહે કે કૅનેડામાં બે વર્ષ સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થીને અભ્યાસ પૂર્ણ થયા પછી ત્રણ વર્ષ માટે વર્ક પરમિટ આપવામાં આવે છે.
 
જીઆઈસીમાં વધારો
 
ઍજ્યુકેશન વિઝા પર કૅનેડા જતાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતા આવાસના ખર્ચને જીઆઈસી કહેવામાં આવે છે. જીઆઈસીનો અર્થ ગૅરન્ટિડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ છે. કૅનેડા સરકારે તેને થોડા મહિના પહેલાં ઉમેર્યું હતું.
 
જીઆઈસી સંબંધી નવો નિયમ પહેલી જાન્યુઆરી, 2024થી અમલી બની ગયો છે.
 
જીઆઈસીના નામે જમા કરવામાં આવેલા પૈસા એ સાબિત કરવા માટે હોય છે કે વિદ્યાર્થી પાસે કૅનેડામાં પોતાના રહેવાના ખર્ચ માટે પૂરતા પૈસા છે.
 
તેમાં ટ્યુશન ફીનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓને હપ્તાવાર ચૂકવવામાં આવે છે.
 
હવે અમલી બનેલા નવા નિયમો મુજબ, જીઆઈસીને વધારીને 20,635 ડૉલર કરી નાખવામાં આવી છે. અગાઉ જીઆઈસી 10,000 ડૉલર હતી.
 
 
જીવનસાથીના વિઝામાં પરિવર્તન
કૅનેડા સરકારે જીવનસાથી વિઝા સંબંધી નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. હવે કૅનેડા માત્ર એવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને જીવનસાથી વિઝા આપશે, જે અહીં માસ્ટર્સ કે ડૉક્ટરેટ સ્તરે અભ્યાસ કરવાના હોય.
 
નીચલા સ્તરના વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને આવા વિઝા પર કૅનેડામાં આમંત્રિત કરી શકશે નહીં. અગાઉ ડિપ્લોમા કોર્સ કરી ચૂકેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના જીવનસાથીને આમંત્રિત કરી શકતા હતા.
 
જીવનસાથી વિઝા એક પ્રકારના આશ્રિત વિઝા છે. તેનો ઉપયોગ વિદેશમાં રહેતા લોકો પોતાના પરિવારને સાથે રાખવા માટે કરે છે.
 
કામના કલાકોમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસની સાથે કામ કરવાની છૂટ આપતા કલાકોમાં પણ કૅનેડાએ તાજેતરના મહિનાઓમાં ઘટાડો કર્યો છે.
 
કૅનેડા સરકારના વર્તમાન નિર્ણય મુજબ, વિદ્યાર્થીઓને સપ્તાહમાં મહત્તમ 24 કલાક સુધી કામ કરવાની છૂટ છે.
 
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને જરૂર પડ્યે જ કામ કરવાનો વિકલ્પ અજમાવે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો આ પ્રયાસ છે.
 
યાદ રહે કે કૅનેડા સરકારે અગાઉ વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રોજ આઠ કલાક સુધી કામ કરવાની છૂટ આપી હતી અને તે નિયમ 31 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં હતો.