રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 21 એપ્રિલ 2019 (11:25 IST)

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારવાથી કોને નુકસાન થશે?

કૉંગ્રેસના સ્ટારપ્રચારક હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બલદાણા ખાતે જાહેરસભામાં લાફો મારવામાં આવ્યો છે.
પટેલનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ આ મામલો જનતાની વચ્ચે લઈ જશે.
કૉંગ્રેસે કહ્યું કે જનતા તા. 23મી એપ્રિલે આ થપ્પડનો જવાબ આપશે.
ભાજપનું કહેવું છે કે આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.
 
હાર્દિક પટેલને થપ્પડથી કોને લાભ, કોને નુકસાન?
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે જણાવ્યું કે આ ઘટનાને કારણે પાટીદારોમાં હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતિનું મોજું સર્જાશે.
આચાર્ય જણાવે છે, "આ ઘટનાથી 100 ટકા હાર્દિક પટેલ માટે સહાનુભૂતિ ઊભી થશે. પાટીદારોમાં 'આપણા દીકારાને માર પડ્યો' એવી લાગણી જન્મશે."
"જેથી હાર્દિક પટેલથી વિમુખ થયેલા પાટીદારો પણ પરત ફરી શકે છે. વળી, પાટીદારોની બહુમતી ધરાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારો, ખાસ કરીને ગામડાંમાં ભાજપને નુકસાન થશે."
આચાર્યના મતે આ ઘટનાને કારણે ભાજપ બચાવમાં આવી ગયું છે. જોકે, એમ છતાં પણ ભાજપને નુકસાન ચોક્કસથી થશે જ!
 
 
શું છે ઘટના?
શુક્રવારે સવારે હાર્દિક પટેલ જનઆક્રોશ સભા સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સ સ્ટેજ ઉપર ધસી આવ્યો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો.
તત્કાળ આજુબાજુના લોકોએ હુમલાખોરને ઘેરી લીધો હતો અને તેને ઢોરમાર માર્યો હતો.
પાટીદાર અનામત આંદોલન સમિતિના બ્રિજેશ પટેલના કહેવા પ્રમાણે : "હુમલા બાદ ગામની મહિલાઓએ તેને માર માર્યો હતો. તેનાં કપડાં ફાટી ગયાં હતાં. તેની પાસેથી છરી પણ મળી આવી હતી."
જોકે, હજી આ મામલે પોલીસ તરફથી સત્તાવાર માહિતી મળી નથી.