IND V ENG : ઇંગ્લૅન્ડ સામેનો મુકાબલો 'વિરાટ બ્રિગેડ' માટે પ્રતિષ્ઠાનો જંગ

તુષાર ત્રિવેદી| Last Modified ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (12:57 IST)
ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયા સામે શાનદાર સફળતા હાંસલ કરી હતી અને હવે તે ફરીથી આગામી સિરીઝ માટે સજ્જ થઈ ગઈ છે, ઑસ્ટ્રેલિયા સામે તો વિરાટ કોહલી રમ્યા નહોતા. તેમ છતાં ભારતે સફળતા હાંસલ કરી હતી. તેમાં પણ બ્રિસબેન ખાતેની અંતિમ ટેસ્ટમાં તો કોહલી ઉપરાંત ઘણા સુપર સ્ટાર ખેલાડીઓ રમ્યા ન હતા. જોકે હવે એ તમામ પરત ફરી ગયા છે અને ઇંગ્લૅન્ડ સામે રમવાના છે.
ભારત સામે રમવા માટે ઇંગ્લૅન્ડના મોટા ભાગના ખેલાડી ચેન્નાઈ પહોંચી ગયા છે તો બાકીના ખેલાડીઓ બે દિવસ બાદ શ્રીલંકાથી સીધા ચેન્નાઈ પહોંચશે. આ સાથે ભારતીય ટીમ પણ એકા- બે દિવસમાં ચેન્નાઈ પહોંચી જશે. આમ બંને ટીમ એકમેક સામે મુકાબલા માટે સજ્જ થઈ રહી છે.

ઇંગ્લૅન્ડની ટીમથી ભારતને મજબૂત ટક્કર મળવાની આશંકા છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની આ સિરીઝ ઘણી રીતે મહત્ત્વની છે. પાંચમી ફેબ્રુઆરીએ ચેન્નાઈના ઐતિહાસિક ચેપોક ખાતે સિરીઝનો પ્રારંભ થવાનો છે. કોરોના વાઇરસની મહામારીને કારણે ભારતમાં ક્રિકેટ ઠપ થઈ ગયું હતું, બીસીસીઆઈએ સૈયદ મુસ્તાક અલી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે ડૉમેસ્ટિક ક્રિકેટની તો શરૂઆત કરી દીધી અને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટનો દેશમાં પ્રારંભ થઈ રહ્યો છે.
કોરોનાકાળ બાદ દેશમાં ક્રિકેટ કેવું રમાશે અને તેનુ આયોજન કેવું હશે તે જોવાનું રહેશે તો સિરીઝની રીતે પણ આ ચાર ટેસ્ટ અત્યંત મહત્ત્વની છે, કેમકે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતે આ સિરીઝ જીતવી જરૂરી છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત અત્યારે મોખરે છે તો ન્યૂઝીલૅન્ડ બીજા ક્રમે છે અને ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ ત્યાર પછીના ક્રમે છે.
ઇંગ્લૅન્ડે તાજેતરમાં જ શ્રીલંકા સામેની બે મૅચની સિરીઝ 2-0થી જીતીને પોતાની પૉઝિશન મજબૂત બનાવી છે.

જોકે તેમ છતાં ભારતની નજીક પહોંચવા માટે તેમણે આકરી મહેનત કરવી પડશે. તેઓ ભારત સામેની ચાર ટેસ્ટની આ સિરીઝ 4-0થી જીતે તો પણ તેમણે અન્ય પરિણામો પર આધાર રાખવો પડશે.

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલી

હવે બંને ટીમની તાકાતની વાત કરીએ તો હાલના સંજોગોમાં જે રીતે ભારતે ફૉર્મ દાખવ્યું છે તે જોતાં ઇંગ્લૅન્ડ પાસે આ સિરીઝ કમસેકમ 4-0થી જીતવા જેટલી તો ક્ષમતા દેખાતી નથી, તેમ છતાં આ ટીમને નબળી આંકવાની ભૂલ પણ થઈ શકે તેમ નથી.
ભારતે બેશક ઑસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યું છે. કાંગારુ ટીમમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર હતા. તેમનું બૉલિંગ આક્રમણ અત્યંત મજબૂત હતું.

પેટ કમિન્સ કે મિચેલ સ્ટાર્ક અને 100 ટેસ્ટના અનુભવી નાથાન લાયન રમતા હોય તે ટીમને હળવી આંકી શકાય નહીં તેમ છતાં ભારતે 2-1થી સિરીઝ જીતીને કમાલ કરી દેખાડી હતી.

આ ઉપરાંત એ પણ ના ભૂલવું જોઈએ કે ભારતના કેટલાક સ્ટાર ખેલાડીઓ રમી શક્યા ન હતા. જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડી હવે ટીમમાં પરત ફર્યા છે.
ભારતે આ સિરીઝમાં ઘણું બધું પુરવાર કરવાનું છે. પહેલી વાત તો એ છે કે ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારત જીત્યું તે કોઈ તુક્કો ન હતો, તે સાબિત કરવું પડશે. સામાન્યમાં સામાન્ય ટીમ પણ તેની સામે પડકાર આવે ત્યારે ઝનૂની બની જતી હોય છે.

ભારતીય ટીમના નવોદિતોએ બ્રિસબેનમાં જે રમત દાખવી તેની પાછળ આ તત્ત્વ કામ કર્યું હોય, એવું શક્ય છે. તમારી ટીમના મહત્ત્વના ખેલાડી ન હોય ત્યારે હરીફ ટીમ પણ તમને હળવાશથી લેતી હોય છે.
બીજું ખેલાડીઓ જીવ પર આવી ગયા હતા કેમ કે તેમણે એ દેખાડી દેવાનું હતું કે 'હમ ભી કુછ કમ નહીં'. પણ, ઇંગ્લૅન્ડ સામે આમ નહીં બને.

ઇંગ્લૅન્ડ સામે જીત નહીં હોય આસાન

ઇંગ્લૅન્ડ સામે તમામ નિયમિત ખેલાડી પરત ફરી ગયા છે. આ સંજોગોમાં ટીમનો જુસ્સો થોડો નબળો પડે તેવું જોખમ રહેશે. આ બાબત માનવસહજ છે.

કોહલી, બુમરાહ, અશ્વિનની ગેરહાજરીમાં જો કાંગારુઓને તેમની ધરતી પર હરાવી શકતા હોઈએ તો ઇંગ્લૅન્ડ સામે તો ઘરઆંગણે અમારા જ મેદાન પર રમવાનું છે તેવી માનવસહજ લાગણી દિમાગમાં ઘર કરી જાય તે સ્વાભાવિક છે અને આ જ બાબતનો ચાલાક અંગ્રેજ ટીમ લાભ લઈ શકે તેમ છે.
ઇંગ્લેન્ડની ટીમ તાજેતરમાં જ શ્રીલંકાનો વ્હાઇટવૉશ કરીને આવી છે. તેમના કૅપ્ટન જો રૂટ શાનદાર ફૉર્મમાં છે. તેમણે પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી તો એ જ શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં તે 11 રન માટે બેવડી સદીથી વંચિત રહ્યા હતા. નજીકના ભૂતકાળમાં કોઈ પ્રવાસી કૅપ્ટન આવા ઉમદા ફૉર્મ સાથે ભારત સામે રમવા આવ્યા નથી. આમ ભારતીય ટીમે કોઈથી સાવચેત રહેવાનું હોય તો તે જો રૂટ છે.

આ ઉપરાંત બેન સ્ટોક્સ તાજા થઈને ભારત સામે રમવાના છે. તે શ્રીલંકા સામે રમ્યા ન હતા પણ ઇંગ્લૅન્ડે છેલ્લે ભારતનો પ્રવાસ ખેડ્યો ત્યારે બેન સ્ટોક્સે રાજકોટમાં સદી ફટકારી હતી.
અંગ્રેજ ટીમ છેલ્લે ભારત આવી ત્યારે મોઇન અલીએ બે સદી ફટકારી હતી. મોઇન હવે સ્થાપિત ઑલરાઉન્ડર બની ગયા છે. કોરોના પૉઝિટિવ આવવાને કારણે તેઓ શ્રીલંકા સામે રમી શક્યા ન હતા પણ હવે તેઓ સાજા થઈ ગયા છે.

ઇંગ્લૅન્ડનું મજબૂત બૉલિંગ આક્રમણ

પ્રવાસી ટીમની બૉલિંગમાં પણ કોઈ કમી નથી. જેમ્સ એન્ડરસન કદાચ છેલ્લી વાર ભારતમાં રમનાર છે.

38 વર્ષીય બૉલર એશિયન ધરતી પર કેટલો સફળ રહે છે તે તેણે શ્રીલંકામાં પુરવાર કરી દીધું છે. આ ઉપરાંત જેક લિચ અને ડોમનિક બેઝ ઉમદા સ્પિનર છે.
ભારત પાસે વિરાટ કોહલી ઉપરાંત ચેતેશ્વર પૂજારા, અજિંકય રહાણે અને રોહિત શર્મા છે.

ઋષભ પંત અને યુવાન શુભમન ગિલ સારા ફૉર્મમાં છે. બુમરાહ પહેલી વાર ભારતીય ધરતી પર ટેસ્ટ રમશે પણ તે અગાઉ તો તેમણે પોતાને વિશ્વના સર્વશ્રેષ્ઠ બૉલર તરીકે પુરવાર કરી દીધા છે.

એ પાંચ વાતો જે મોટેરાના સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમને બનાવે છે ખાસ નવનિર્મિત મોટેરામાં રમાશે છેલ્લી બે ટેસ્ટ
- સિરીઝની પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં પ્રેક્ષકો વિના રમાવાની છે તો બાકીની બે ટેસ્ટ નવા જ બંધાયેલા મોટેરા સ્ટેડિયમ પર રમાશે.

- ચેન્નાઈની પિચ સ્પિનરને મદદ કરવા માટે જાણીતી છે પણ આ જ વાત મોટેરાની પિચ અંગે કહી શકાય નહીં. આ મેદાન પર પહેલી જ વાર મૅચ રમાઈ રહી છે.

- 2015 બાદ મોટેરાનું નવનિર્માણ થયું અને નવું મેદાન ભારતને કેવું ફળે છે, તે જોવા માટે ગુજરાત સરકાર કદાચ પ્રેક્ષકોને પ્રવેશવાની મંજૂરી આપે તો સવા લાખની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં 50 ટકા લેખે 50 હજાર પ્રેક્ષકો આવી શકે છે.
- મોટેરા ખાતે જ ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ માર્ચ મહિનામાં પાંચ ટી20 મૅચ રમશે અને ત્યાર બાદ બંને ટીમ પુણે જશે, જ્યાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે.

- સૌથી અગત્યની વાત એ છે કે ભારતીય ટીમે ઘરઆંગણે તેમની પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે અને કોરોનાકાળ બાદ દેશમાં ક્રિકેટની લોકપ્રિયતામાં જરાય ઓટ આવી નથી તે પણ પુરવાર કરવાનું છે. ગમે તે હોય પણ આ સિરીઝ ઘણી બધી રીતે રોમાંચક રહેશે, તેમાં શંકા નથી.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સિરીઝનો કાર્યક્રમ

ભારત અને ઇંગ્લૅન્ડ ચાર ટેસ્ટ, પાંચ ટી20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમવાનાં છે.

પાંચમીથી નવમી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ અને ત્યાર બાદ 13થી 17મી ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં જ બીજી ટેસ્ટ રમાશે.

એ બાદ બંને ટીમ અમદાવાદ આવશે જ્યાં 24થી 28 ફેબ્રુઆરીએ ત્રીજી ટેસ્ટ અને ચારથી આઠમી માર્ચ દરમિયાન ચોથી ટેસ્ટ રમાશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે જ 12, 14, 16, 18 અને 20મી માર્ચે પાંચ ટી20 મૅચ રમાશે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની વન-ડે સિરીઝની ત્રણ મૅચ 23, 26 અને 28મી માર્ચે રમાશે.

ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ

ભારત અને ઇંગ્લૅન્ડે અત્યાર સુધી પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમની જાહેરાત કરી છે. જે આ મુજબ છે.

ભારત : વિરાટ કોહલી (સુકાની), અજિંક્ય રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, લોકેશ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, અક્ષર પટેલ, રિદ્ધિમાન સહા, ઇશાન્ત શર્મા, શાર્દૂલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર.
ઇંગ્લૅન્ડ : જો રૂટ (સુકાની), જેક ક્રોલી, ડોમ સિબલી, ડેન લોરેન્સ, જોઝ બટલર, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોફરા આર્ચર, ડોમનિક બેઝ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, બેન સ્ટોક્સ, જેક લિચ, બેન ફોક્સ, ઓલિવર સ્ટોન, ક્રિસ વોક્સ.
તે દરમિયાન કેટલાક યુવકો મને પકડીને લઈ ગયા કે ભાઈ ત્યા ચાલો. ત્યા બે ઝંડા હતા એક ખેડૂત ધ્વજ અને બીજો નિશાન સાહિબ. અમે સરકાર સામે
ગુસ્સો બતાવવા માટે બંને ધ્વજ ત્યાં લગાવી દીધા. અમે ત્રિરંગો હટાવ્યો નહોતો. અમને કોઈ ડર નથી કારણ કે આપણે કશું ખોટું કર્યું નથી.


આ પણ વાંચો :