રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: સોમવાર, 12 ઑગસ્ટ 2024 (11:20 IST)

સિંહણ શિકાર કરે તો સિંહ શું કરે, ખરેખર સિંહનું કામ શું હોય છે?

world lion day
ગુજરાતમાં આવેલા ગીર અભયારણ્યમાં સિંહો અને તેની ગતિવિધિઓ પર અનેક સંશોધનો થતાં રહે છે અને સિંહોની શિકાર કરવાની શૈલી અંગે પણ વિવિધ બાબતો પ્રકાશમાં આવતી રહે છે.
 
સિંહ એક એવું પ્રાણી છે જેને વિશ્વમાં વીરતાનું પ્રતીક માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં પણ સિંહોને એક વિશેષ સ્થાન મળેલું છે.
 
જોકે, ગુજરાતનાં ગીર જંગલોમાં સિંહોનો અભ્યાસ કરતા વન્ય જીવ શોધકર્તા ડૉ. રવિ ચેલમે કહ્યું, “હકીકતમાં સિંહ એકલા નથી રહેતા અને ઝુંડમાં રહે છે.”
 
સિંહ વિશે આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અમે તેમની સાથે વિસ્તારથી વાતચીત કરી હતી.
 
શું સિંહ એકલો રહી શકે છે?
 
ડૉ. રવિ ચેલમ કહે છે કે સિંહ એક સામાજિક પ્રાણી છે જે હાથીઓની જેમ ઝુંડમાં રહે છે.
 
જોકે, તેમણે કહ્યું કે સિંહ અને હાથીની સામાજિક સંરચનામાં અંતર છે.
 
હાથીઓ માટે ઝુંડના સંદર્ભમાં એક ઝુંડમાં બધા જ માદા હાથી હોય છે, જ્યારે નર હાથી માત્ર પ્રજનન દરમિયાન જ ઝુંડમાં સામેલ થાય છે. નર હાથી બાકીના સમયમાં એકલા અથવા નર હાથીઓના જૂથમાં હોય છે, પરંતુ તેને ઝુંડ ન કહી શકાય.
 
ડૉ. ચેલમે કહ્યું, “સિંહના ઝુંડમાં સિંહ અને સિંહણ બંને સાથે હોય છે.”
 
“સિંહ એક ઝુંડમાં રહે છે પણ તેની સંખ્યા બે-ત્રણ જેટલી જ હોય છે. જ્યારે એક ઝુંડમાં રહેતી દરેક સિંહણને એકબીજા સાથે લોહીનો સંબંધ હોય છે. જોકે, આ સિંહણનો સિંહ સાથે લોહીનો સંબંધ મોટે ભાગે હોતો નથી. કેટલાક કિસ્સામાં સિંહ તેનો ભાઈ હોઈ શકે છે.”
 
ચેલમે ઉમેર્યું, “સિંહણ જે ઝુંડમાં જન્મે છે તે જ ઝુંડમાં પોતાની માતા, દાદી અને બહેનો સાથે રહે છે. જોકે, સિંહને એક ઉંમર પછી ઝુંડથી અલગ કરી દેવામાં આવે છે. ત્યારબાદ સિંહે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે બીજા ઝુંડના સિંહ સાથે લડવું પડે છે.”
 
“ત્યારબાદ ઝુંડમાં ચાર-પાંચ વર્ષ વીત્યાં પછી તે સિંહની જગ્યા લેવા માટે એક યુવા સિંહ આવે છે. તેમની વયસ્ક સિંહ સાથેની લડાઈ ઘાયલ થઈ જાય છે અને તેને ઝુંડની બહાર કાઢી નાખવામાં આવે છે. કેટલીક વખત લડાઈમાં તેનું મોત પણ થઈ જાય છે. જો તે બચી જાય તો સિંહ અંત સુધી બીજા ઝુંડ સાથે જોડાઈ ન શકે.”
 
સિંહ હકીકતમાં કરે છે શું? તેનું કામ શું છે?
કેટલીક વખત સિંહો એક સાથે ફરતા જોવા મળે છે, પરંતુ તે એક ઝુંડ કે સામાજિક સમૂહ નથી.
 
સિંહણો વધારે ઝુંડમાં જોવાં મળે છે અને તે એક સામાજિક સમૂહ છે.
 
ડૉ. રવિ ચેલમે જણાવ્યું, “સિંહના ઝુંડમાં સિંહનું મુખ્ય કામ ઝુંડની સીમાની રક્ષા કરવી અને પ્રજનન પ્રક્રિયામાં ભાગ લેવાનું છે.”
 
શિકારની વાત કરીએ તો સિંહ જ્યારે એકલો હોય છે ત્યારે તેને શિકાર કરીને જ ભોજન મેળવવું પડે છે. જોકે, સિંહ જ્યારે ઝુંડમાં હોય છે ત્યારે તેઓ મોટે ભાગે સિંહણે કરેલા શિકાર પર આધાર રાખે છે.
 
સિંહ પાસે એશિયાની તુલનામાં આફ્રિકામાં ઊંટ, જંગલી જાનવરો અને નાના હાથીઓ જેવા શિકારો ઉપલબ્ધ હોય છે. આ પ્રકારના મોટા શિકાર દરમિયાન સિંહ મદદ કરે છે.
 
ચેલમે કહ્યું, “સિંહનું મોઢું મોટું હોય છે અને તેનું વજન પણ સિંહણ કરતાં વધારે હોય છે. આ કારણે સિંહ મોટા શિકાર પર લાંબા સમય સુધી લટકીને નીચે પિન ડાઉન કરી શકે છે. જોકે, સિંહણ જ શિકારની શોધ કરે છે અને શિકારની આસપાસ ઘેરો બનાવે છે.”
 
ચેલમે કહ્યું કે ભારતના સિંહોમાં આ પ્રથા થોડીક જુદી છે.
 
“આફ્રિકાનાં જંગલોમાં ઘાસનાં મેદાનો વધારે પ્રમાણમાં છે. આ કારણે ત્યાં મોટા સિંહોને છુપાઈને શિકાર કરવામાં મુશ્કેલી પડે છે. જોકે, ભારતીય જંગલોની પ્રકૃતિ અલગ છે. અહીં વૃક્ષો અને ઝાડ છે અને સિંહ પાસે છુપાઈને શિકાર કરવાનો માહોલ છે. આ ઉપરાંત ગુજરાતમાં સિંહોના જંગલની આસપાસના વિસ્તારોમાં પાળેલાં પશુઓ આરામથી મળી આવે છે. જ્યાં સુધી પાળેલાં પશુઓનો શિકાર કરવાની વાત છે તો સિંહણ તેનો શિકાર કરતા અચકાય છે, કારણ કે માણસ જો તેમની પાછળ પડે અને સિંહણને કંઈ થશે તો તેમનાં બચ્ચાં અનાથ થઈ જશે.”
 
ભારતમાં સિંહની સંખ્યા કેટલી છે?
ભારતમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે. 2020માં થયેલી છેલ્લી ગણના મુજબ દેશમાં સિંહોની સંખ્યા 674 છે. આ સંખ્યા 2015ની સંખ્યા કરતાં 27 ટકા વધારે છે. જોકે, 674 પૈકી 300 સિંહો જંગલની બહાર રહે છે.
 
2015માં ગુજરાતમાં સિંહો લગભગ 22 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા હતા. 2020માં આ વિસ્તાર વધીને 30 હજાર વર્ગ કિલોમીટર થઈ ગયો છે.
 
સિંહોની સંખ્યા ગણતરી પર ગુજરાત રાજ્ય સરકારના રિપોર્ટ પ્રમાણે, 51.04 ટકા સિંહો જંગલની અંદર રહે છે, જ્યારે 47.96 ટકા સિંહો વનવિસ્તારની બહાર રહે છે.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વનવિસ્તારની બહાર 13.27 ટકા સિંહો ખેતીની જમીનવાળા વિસ્તારોમાં, 2 ટકા રહેણાક વિસ્તારોમાં અને 0.68 ટકા ખાણ અને ઔદ્યોગિક વિસ્તારોની આસપાસ જોવા મળે છે.
 
ભારતમાં સિંહોને કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે?
ગુજરાતમાં સિંહોની લોકો દ્વારા પજવણી થતી હોવાના કિસ્સા પણ સમયાંતરે આવતા રહે છે. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે સિંહોનાં દર્શન માટે તેમની સામે શિકાર મૂકવામાં આવતો હોય છે.
 
ડૉ. રવિ ચેલમે કહ્યું કે ભારતમાં સિંહોના નૈસર્ગિક રહેઠાણની હાનિ અને બીમારીનો પ્રસાર સિંહ માટે સૌથી મોટો પડકાર છે.
 
કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં 555 સિંહોનાં મોત થયાં છે. તત્કાલીન પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે 2019માં 113 સિંહોનાં મોત થયાં હતાં. જ્યારે 2020, 2021, 2022 અને 2023માં અનુક્રમે 124, 105, 110 અને 103 સિંહોનાં મોત થયાં હતાં.
 
વિશેષજ્ઞોનું કહેવું છે કે તેમાંથી 50 ટકા સિંહોનાં મોત કૅનાઇન ડિસ્ટેમ્પર અને પૅપિયોસિસ જેવી મહામારીને કારણે થયાં હતાં.
 
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના ઘર્ષણમાં પણ સિંહોના જીવનને અસર પડે છે. ગયા એપ્રિલ મહિનામાં સોશિયલ મીડિયા પર શૅર થયેલી તસવીરો એ વાતનો પુરાવો આપે છે.
 
આ તસવીરમાં ગુજરાતના મહુવામાં એક એપાર્ટમેન્ટ બ્લૉકની બહાર ત્રણ સિંહ નજરે ચડે છે. તસવીરમાં જોઈ શકાય છે કે તેઓ એપાર્ટમેન્ટમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે.
 
વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે નૈસર્ગિક રહેઠાણની અછત, બીમારીનું જોખમ અને મનુષ્ય અને વન્ય જીવો વચ્ચેનો સંઘર્ષ સિંહો માટે સૌથી મોટો પડકાર છે.
 
સુપ્રીમ કોર્ટે 2013માં આદેશ આપ્યો હતો કે આ સમસ્યાના ઉકેલના ભાગરૂપે જંગલમાં રહેતા કેટલાક સિંહોનું મધ્ય પ્રદેશનાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થળાંતર કરવામાં આવે. જોકે, વિશેષજ્ઞોએ કહ્યું કે તેની અછત સિંહો સામે આવનારા પડકારોને ઉકેલવામાં બાધારૂપ છે.