બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 26 ઑગસ્ટ 2024 (15:10 IST)

ગુજરાત પર પહોંચતા પહેલાં જ સિસ્ટમ ખૂબ મજબૂત બની, હવે આ જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

ગુજરાત તરફ આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ હવે ખૂબ વધારે મજબૂત બની ગઈ છે અને તેના કારણે રાજ્યમાં હજી પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
હાલ પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પર રહેલી આ સિસ્ટમ 26 ઑગસ્ટના રોજ ગુજરાત પર પહોંચશે અને સમગ્ર રાજ્યમાં તેના કારણે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેલી છે.
 
આ સિસ્ટમ ગુજરાત પર પહોંચે તે પહેલાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં પવનની ગતિ પણ વધે તેવી શક્યતા રહેલી છે.
 
ગુજરાતમાં રવિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
 
આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતાની સાથે મૉન્સૂન ટ્રફ જે કેટલાક દિવસોથી ઉત્તર ભારત પર હતી તે હવે રાજસ્થાન પર આવી ગઈ છે અને તેની અસરને કારણે રાજસ્થાન, ગુજરાત તથા મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.
 
જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ રેખા પણ સક્રિય થઈ છે અને તેના કારણે મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.