શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જૂન 2019 (06:58 IST)

ગુજરાત જળસંકટ : એ ખેડૂત જે પાણી માટે પત્ની-દીકરી સાથે જાતે કૂવો ખોદે છે

ભાર્ગવ પરીખ અને પાર્થ પંડ્યા
'સરકાર પર વિશ્વાસ નથી એટલે જાતે કૂવો ખોદીએ છીએ, પીવા જેટલું પાણી પણ નથી.'
 
આ શબ્દો સેમાભાઈ નામના ખેડૂતના છે, જેમણે ખેતરમાં મકાઈ વાવી હતી, પણ ઊગી નથી. સેમાભાઈના બે બળદ આજે પણ ધૂંસરીથી જોડાયેલા છે, પણ તે ખેતર ખેડવાના બદલે કૂવો ખોદવામાં જોતરાયેલા છે. સેમાભાઈનાં પત્ની અને દીકરી પણ કૂવો ઊંડો કરવામાં મદદ કરી રહ્યાં છે.
 
દુષ્કાળના કારણે તેમના ખેતરમાં કંઈ જ ઊગ્યું નથી અને કૂવામાં પીવા જેટલું પણ પાણી નથી. ઉત્તર ગુજરાતના પાલનપુર પાસેના અમીરગઢમાં જળસંકટને કારણે મોટા ભાગના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. ખેડૂતો પાસે જમીન છે પણ ખેતી કરવા માટે પાણી નથી. સરકાર કૂવા અને તળાવો રિચાર્જ કરવાનું કામ હવે ભૂલી ગઈ છે કે કેમ? એવો પણ પ્રશ્ન સેમાભાઈ જેવા ખેડૂતોની કહાણી થકી થાય છે.
 
માણસ-ઢોર બધાં તરસ્યાં
 
ઉપલાખાપાના ખેડૂત સેમાભાઈ ભગોરા ખેતી છોડીને મજૂરી કરવા જાય છે. તેઓ કહે છે, "કૂવામાં જરા પણ પાણી નથી, કૂવો કોરો છે. એટલે હવે કૂવો ખોદવાનું ચાલુ કર્યું છે."
 
"કૂવામાં થોડું પાણી હતું પણ દુષ્કાળને લીધે સ્થિતિ એટલી ખરાબ છે કે પીવા માટે પણ પાણી નથી."
 
ઉત્તર ગુજરાતના પાલનપુરથી 40 કિલોમિટર દૂર અમીરગઢથી એક કાચો રસ્તો ઉપલાખાપા ગામ સુધી લઈ જાય છે. ઉપલાખાપાની સરકારી સ્કૂલથી રહેણાક વિસ્તાર તરફ પગ માંડો તો રસ્તાની બન્ને તરફ નજર પહોંચે ત્યાં સુધી ખેતરો પથરાયેલાં છે, પણ જમીનના આ ટુકડાને ખેતર કહેવા માટે ન તો લીલોતરી છે, ન તો પાક. અહીંનાં કેટલાંક ખેતરોમાં કેટલાક નવા બનેલા તો કેટલાક જૂના કૂવા છે, પણ પાણી એકેયમાં નથી.
 
ઘરનાં બાળકો ત્યાં જ પાસે કૂવામાંથી કાઢેલા પથ્થરથી રમે છે. સેમાભાઈ રોજીરોટીનું કામ છોડીને કૂવો ખોદવાના કામમાં બળદોની સાથે જોતરાઈ જાય છે.આ જાણે કે તેમનું રોજિંદું જીવન થઈ ગયું છે. આ કામમાં ઘરની મહિલાઓ મદદ કરે છે અને બાળકો ત્યાં જ પાસે કૂવામાંથી કાઢેલા પથ્થરથી રમે છે.
સેમાભાઈ આ વખતે ખેતરમાં મકાઈનો પાક લેવા માટે મથ્યા હતા પણ કંઈ ન ઊપજ થઈ ન હતી. સેમાભાઈ કહે છે, "દુષ્કાળ છે, ખેતર પાક થયો નથી છતાં સરકારમાંથી કોઈ મદદ મળતી નથી. સરકાર પર વિશ્વાસ નથી રહ્યો એટલે જાતે જ કૂવો ખોદીએ છીએ."
 
અત્યાર સુધી ખોદવાનું કામ કર્યા પછી કૂવો 70-80 ફૂટ ઊંડો થયો છે, પણ હજી પાણી દેખાતું નથી. કેટલો ખોદશે ત્યારે પાણી નીકળશે એનો તો તેમને પણ ખ્યાલ નથી.
'રોજીરોટી છોડવી પડે છે'
 
સેમાભાઈનો પરિવાર મજૂરી કરીને રોટલા રળે છે પણ કૂવો ખોદવાના કારણે તેમણે મજૂરીનું કામ પણ છોડવું પડી રહ્યું છે.
 
સેમાભાઈ કહે છે, "મારા દીકરા મજૂરી કરવા જાય છે અને અમે મજૂરી છોડીને કૂવો ખોદવાનું કામ કરીએ છીએ, છોકરાઓ પણ મજૂરી કરવા ન જાય તો ખાઈશું શું?
 
સેમાભાઈનો ભત્રીજો ધૂલો કહે છે, "અમારા ગામમાં ન તો કોઈ પાણીનું ટૅન્કર આવે છે, ન તો અમને કોઈ સરકારી સહાય મળે છે. મજૂરી છોડીને કૂવો ખોદવા સિવાય અમારે કોઈ છૂટકો જ નથી."
 
સુરક્ષાનાં સાધનો વગર એકમાત્ર દોરડાના સહારે ધૂલો અને ઘરના બીજા સભ્યો જીવના જોખમે કૂવામાં ઊતરે છે અને ખોદીને પથ્થર કાઢે છે. કૂવામાં જતી ગરગડી સાથે દોરડાથી જોતરાયેલા બળદને સેમાભાઈ હાંકે છે. સેમાભાઈનાં પત્ની અને દીકરી કૂવામાંથી પથ્થર બહાર કાઢવામાં મદદ કરે છે. પરિવારના આ ચાર-પાંચ સભ્યો મળીને કૂવો ખોદવા મથે છે.
 
સેમાભાઈ કહે છે, "ચોમાસામાં જો વરસાદ ઠીકઠાક થાય તો ઊંડો કરેલો કૂવો કામ લાગે એવું વિચારીને કૂવો ઊંડો કરવાનું કામ કરીએ છીએ. બાકી હમણાં તો પીવા જેટલું પાણી નીકળે તો પણ ઘણું છે."
 
અહીં આઝાદીનાં 72 વર્ષ પછી પણ પીવાનું પાણી નથી
'
સેમાભાઈ કહે છે, "સરકાર કોઈ મદદ કરતી નથી, અમને પીવા માટે ટૅન્કર પણ મોકલે તો અમારે આવું કામ થોડી કરવું પડે."
 
કૂવો ખોદતી વખતે ખાડો ઊંડો કરવા માટે બ્લાસ્ટ કરાવવો પડે છે, જે એક વખત કરાવવાનો ખર્ચ સેમાભાઈના કહેવા પ્રમાણે ત્રણેક હજાર રૂપિયા જેટલો થાય છે.
 
પૈસાની જરૂર પડે એટલે પરિવાર કૂવો ખોદવાનું કામ છોડીને મજૂરી કરવા જાય છે પછી પૈસા ભેગા થાય એટલે બ્લાસ્ટ કરાવીને ફરી કૂવો ખોદવાનું કામ આગળ વધારે છે. વળી બ્લાસ્ટ કરવાનો થાય એટલે પૈસા ભેગા કરવા આખો પરિવાર મજૂરીએ જાય, આમ આ કૂવો ખોદવાનું કામ ચાલ્યા કરે.
 
સેમાભાઈ કહે છે, "મારા ચાર છોકરા મજૂરી કરવા જાય છે, અમે પણ મજૂરી કરવા જઈએ છીએ."
 
"કૂવો ઊંડો કરવા માટે અંદર ધડાકો કરાવવો પડે અને એની માટે પૈસાની જરૂર પડે એટલે થોડા દિવસ મજૂરી જઈએ અને થોડા દિવસ કૂવો ખોદીએ છીએ."
 
સેમાભાઈ પાસે ખેતર છે પણ ખેતી કરવા માટે પાણી નથી અને સિંચાઈ માટે ખર્ચ કરવા પૈસા પણ નથી, બાળકોને બાદ કરતાં ઘરના બધા જ સભ્યો મજૂરી કરવા જાય છે. 
 
સેમાભાઈની દીકરી હરમીબહેન કહે છે, "મજૂરી કરવા જઈએ તો અમને દિવસના 250 રૂપિયા મળી રહે છે. એમાં હું મારું અને મારાં બાળકોનું ગુજરાન ચલાવું છું."
 
"પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે એટલે હું મારા બાપાને ઘરે રહું છું. બાપા કેટલા લોકોનો બોજ ઉઠાવે? પણ હવે કૂવો ખોદવાના કામને લીધે મજૂરીએ જઈ શકાતું નથી."
 
હરમીબહેનને ત્રણ બાળકો છે, જે તેમની સાથે તેમના પિતાના ઘરે જ રહે છે. હરમીબહેનના પતિ પણ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરવા જતા હતા, પણ ભાગમાં કંઈ આવે નહીં એટલે ઝઘડા થતા હતા. ગામમાં સ્કૂલ છે પણ સેમાભાઈનો ભત્રીજો ક્યારેય સ્કૂલ ગયો નથી. એ સમજણો થયો ત્યારથી જ મજૂરી કરવા લાગ્યો હતો.
 
સેમાભાઈ કહે છે, "અમારી પાસે ખેતર છે પણ ખેતી કરવા પાણી કે કૂવો નહોતો એટલે અમે આખું વર્ષ મજૂરી કરતા હતા અને ખેતીની ઋતુમાં બીજાના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા હતા."
 
સેમાભાઈનું કહેવું છે કે ઘણી વખત પાક ઓછો થાય તો ભાગિયા તરીકે કરેલું કામ માથે પડે છે અને ભાગમાં કંઈ વધારે આવતું નથી.