સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 3 જૂન 2024 (19:06 IST)

ઍક્ઝિટ પોલમાં ભાજપની જીતના અનુમાન વિશે વિદેશી મીડિયા શું કહે છે?

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવવાને કેટલાક કલાકોનો સમય બાકી છે, પરંતુ એક જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઍક્ઝિટ પોલ્સને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
 
આ લોકસભા ચૂંટણીમાં જેટલા પણ પોલ્સ આવ્યા છે એમાં સત્તારૂઢ ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને મોટી જીત મળવાનું અનુમાન છે.
 
શનિવારે સાંજે ઍક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે.
 
એક તરફ ભાજપના નેતા જીતના દાવા કરી રહ્યા છે, તો કૉંગ્રેસ અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે ઍક્ઝિટ પોલ વાસ્તવિકતાથી માઈલો દૂર છે.
 
આ રાજકીય નિવેદનબાજી વચ્ચે આખી દુનિયાની નજર ભારતની ચૂંટણીનાં પરિણામો પર લાગેલી છે. અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોએ પણ ઍક્ઝિટ પોલના સમાચારો અને તેના વિશ્લેષણને પોતાના પ્લૅટફૉર્મ પર સ્થાન આપ્યું છે.
 
ભારતની ચૂંટણીની વિદેશમાં ચર્ચા
 
અમેરિકન મીડિયા કંપની બ્લૂમબર્ગે ઍક્ઝિટ પોલ્સ સંબંધિત સમાચારને પ્રકાશિત કરતા શીષર્ક આપ્યું છે- 'મોદી ચૂંટણીમાં મોટી જીત માટે તૈયાર.'
 
અહેવાલમાં લખવામાં આવ્યું કે "અનેક ઍક્ઝિટ પોલ દર્શાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી સતત ત્રીજી વાર ભારતની ચૂંટણીમાં નિર્ણાયક બહુમત હાંસલ કરવા માટે તૈયાર છે."
 
"દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાની સત્તાના શીર્ષ પર તેઓ એક દશકથી પણ લાંબા કાર્યકાળનો વિસ્તાર કરશે."
 
"પોલ્સ દર્શાવે છે કે તેમની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ઘણે અંશે બહુમત માટે 272 સીટથી વધુનો આંકડો પાર કરી લેશે. સત્તાવાર ચૂંટણી પરિણામ ચાર જૂને જાહેર થશે."
 
બ્લૂમબર્ગમાં લખાયું કે "ઍક્ઝિટ પોલના આધારે નરેન્દ્ર મોદીએ ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની જીતનો દાવો કર્યો છે અને કહ્યું કે ખાસ કરીને ગરીબો સમેત મતદારોનો સત્તારૂઢ પાર્ટીના ટ્રેક રેકૉર્ડે પ્રભાવિત કર્યા છે."
 
તેમાં જણાવાયું કે આ પરિણામ ભારતના નાણાકીય બજારને પ્રોત્સાહિત કરી શકે છે, જે ગત સપ્તાહમાં વધુ ઉતારચઢાવવાળો રહ્યો છે.
 
બ્લૂમબર્ગને જણાવતા જિયોજિટ ફાઇનાન્સિયલ સર્વિસિઝના મુખ્ય રોકાણ રણનીતિકાર વીકે વિજયકુમારે અનુમાન લગાવ્યું કે સોમવારે બજારમાં ઉછાળો આવશે અને આ ઉછાળો આવ્યો પણ ખરો.
 
તેમણે કહ્યું કે ઍક્ઝિટ પોલ એ ચૂંટણી આશંકાઓને ફગાવી દેશે, જે મેથી વધી રહી હતી.
 
અલ-જઝીરાએ શું કહ્યું છે?
 
આ સમાચારમાં લખવામાં આવ્યું છે, "શનિવારની સાંજે જાહેર થયેલા ઍક્ઝિટ પોલ જણાવે છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રીજા કાર્યકાળ માટે ભારે બહુમતીથી ફરીથી ચૂંટાઈ શકે છે. જો મંગળવારે 4 જૂને આવનારાં પરિણામ પોલનું સમર્થન કરે તો મોદીનો ભારતીય જનતા પક્ષ અસમાનતા, ઉચ્ચ સ્તરની રેકૉર્ડ બેરોજગારી અને વધતી કિંમતોના મુદ્દે ન માત્ર સુરક્ષિત નીકળી જશે, પણ 2019ની ચૂંટણી કરતાં પણ સારું પ્રદર્શન કરશે."
 
"સ્વતંત્ર ભારતમાં કોઈ પણ વડા પ્રધાન ક્યારેય પણ સતત ત્રીજી વખત લોકસભાની ચૂંટણી દર વખતે ઉત્તમ પરિણામથી જીતી નથી શક્યા. ભારતીય મીડિયા સંગઠનોના ઓછામાં સાત ઍક્ઝિટ પોલે ભાજપ અને એના સંગઠનના 543 બેઠકોવાળી લોકસભામાં 350-380 બેઠકોના વિજયનું અનુમાન લગાવ્યું છે.
 
"ભારતમાં ઍક્ઝિટ પોલના અલગઅલગ રેકૉર્ડ રહ્યા છે અને ગત સર્વેમાં એ અલગઅલગ પક્ષો ક્યારેક ઓછા તો ક્યારેક વધારે આંકતા રહ્યા છે. જોકે, ગત બે દશકોમાં કેટલાક અપવાદોને છોડીને મોટા પ્રમાણમાં એનાં અનુમાનો લગભગ સાચાં ઠર્યાં છે."
 
દિલ્હીસ્થિત સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના સિનિયર ફેલો નીલાંજન સરકાર અલ-જઝીરાને કહે છે, "મોદી અસાધારણ રૂપે લોકપ્રિય છે. ભાજપનો આ ચૂંટણીપ્રચાર સંપૂર્ણ રીતે મોદી પર કેન્દ્રિત હતો. આ દરમિયાન કેટલાંય અનુમાનો કરાયાં કે લોકો સરકારથી નાખુશ છે, પણ એ અનુમાનોને બેઠકોમાં તબદિલ કરવાં હંમેશાં પડકારજનક હોય છે."
 
દક્ષિણ ભારતમાં ભાજપની જીતનું પણ અનુમાન
 
અલ-જઝીરામાં લખવામાં આવ્યું છે, “ઘણા ઍક્ઝિટ પોલ્સમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભાજપ દક્ષિણનાં રાજ્યોમાં સારું પ્રદર્શન કરી શકે છે. ભાજપ કેરળમાં બેથી ત્રણ બેઠકો પર જીતવાનું અનુમાન છે. કેરળ ભારતમાં ડાબેરી વિચારધારાનો અંતિમ ગઢ છે અને ત્યાં મોદીનો પક્ષ હજી સુધી વિજય નોંધાવી નથી શક્યો. ભાજપ તામિલનાડુમાં પણ એકથી ત્રણ બેઠકો જીતી શકે છે, જ્યાં આગળ થયેલી ચૂંટણીમાં તેને એક બેઠક પણ નહોતી મળી.”
 
રાજકીય સમીક્ષક આસિમ અલી અલ-જઝીરાને કહે છે, “દક્ષિણમાં જોવા મળી રહેલી બેઠકો ચોંકાવનારી છે. અને અનુમાનો ઘણી મોટી સરસાઈ દેખાડી રહ્યા છે. જો ભાજપ કોઈ પણ બેઠક ન પણ જીતે તો પણ તેમના મતોની ટકાવારીમાં વધારો થાય છે તો એ મોટું પરિવર્તન હશે.”
 
બ્લૂમબર્ગે પણ ઍક્ઝિટ પોલ્સ પર એક બીજો લેખ પણ પ્રકાશિત કર્યો છે. તેનું શીર્ષક છે, ‘ભારતના ઍક્ઝિટ પોલ્સ સંકેતોથી વધારે શોરગુલ હોઈ શકે છે’.
 
આ લેખમાં જણાવવામાં આવ્યું છે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની સામાન્ય ચૂંટણીમાં એક જબરદસ્ત જીત માટે તૈયાર છે, આ દાવો લગભગ દરેક ઍક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો છે. જોકે, ભૂતકાળમાં આ દાવા સંપૂર્ણપણે ખોટા પણ સાબિત થયા છે અને આ વખતે તેમને ખૂબ જ સાવચેતીપૂર્વક જોવા જોઈએ, કારણ કે મોદી સરકારનો ટીવી ચેનલો પર ખૂબ વધારે પ્રભાવ છે.”
 
“મંગળવારે કદાચ વાસ્તવિક સંખ્યામાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએને આગામી પાંચ વર્ષ માટે બેઠકો મળી જાય, પરંતુ એનડીએને 350થી વધુ બેઠકો જેટલો મોટો જનમત મળવાનું અનુમાન દરેક ઍક્ઝિટ પોલમાં જોવા મળે એ અવાસ્તવિક લાગે છે.”
 
“350 બેઠકોથી આગળ જવું એનડીએના 2019નાં પરિણામનું પુનરાવર્તન હશે. એ સમયે મોદીને પાકિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ કૅમ્પ પર ઍરસ્ટ્રાઇકને મુદ્દો બનાવ્યો હતો. આ વખતે રાષ્ટ્રીય સુરક્ષા કોઈ ચૂંટણીનો મુદ્દો નહોતો. વિરોધપક્ષના ઇન્ડિયા ગઠબંધને એક આક્રમક ચૂંટણી અભિયાન ચલાવ્યું. જેમાં તેમણે વધતી બેરોજગારી, મોંઘવારીને મુદ્દો બનાવ્યો. જ્યારે મોદીએ પોતાને આવી ચિંતાઓથી ઉપર ઉઠાવવાનો વિકલ્પ પસંદ કર્યો.”
 
“તેમણે (પીએમ મોદીએ) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટીવી ચેનલને કહ્યું, ‘મેં માની લીધું છે કે ભગવાને મને મોકલ્યો છે.’ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નિયંત્રણ ધરાવતા મીડિયા સમૂહને આપેલા ઇન્ટરવ્યૂમાં મોદીએ 1000 વર્ષના દૃષ્ટિકોણ વિશે વાત કરી.”
 
“મીડિયાની સમર્થકની ભૂમિકામાં હોય એવું પહેલી વખત નથી બન્યું. વર્ષ 2004માં ઍક્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા હતા. તેમાં એનડીએ ગઠબંધનને તત્કાલીન ચૂંટણીઓમાં 240થી 275 બેઠકો આપવામાં આવી હતી પરંતુ તેને 187 બેઠકો મળી અને તે સરકાર ન બનાવી શક્યું. આ વર્ષનો સરવે અત્યંત અસામાન્ય એટલા માટે પણ જોવા મળે છે, કારણ કે ઓછામાં ઓછા ત્રણ ઍક્ઝિટ પોલ્સે એનડીએના 400 બેઠકોના સૂત્રને જ અનુમાનિત પરિણામ ગણાવ્યું છે.”
 
ઍક્ઝિટ પોલને લઈને શંકા
 
ચૂંટણી બાદ ઍક્ઝિટ પોલ હંમેશાં એકદમ સચોટ જ રહે એવું પણ નથી. અમેરિકન અખબાર 'ધ વૉશિંગ્ટન પોસ્ટ'એ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ એક પ્રકાશિત કર્યો હતો. જેનું શીર્ષક હતું - ભારતીય ઍક્ઝિટ પોલ કેમ ભરોસાપાત્ર નથી?
 
એ લેખમાં જણાવાયું હતું કે 'ભારતમાં ઍક્ઝિટ પોલ' અંગે અવિશ્વાસ અને શંકાઓ રહે છે.
 
રાજકીય વિશ્લેષક પ્રવીણ રાયે અખબારને કહ્યું હતું કે 1998 અને 1999ની ચૂંટણીના અનુમાન બિલકુલ સચોટ હતા પણ 2004 અને 2009નાં અનુમાન એકદમ ખોટાં પડ્યાં હતાં.
 
આ લેખમાં એવું પણ કહેવાયું છે, "એક વ્યાપક મત, જે કદાચ તર્કબદ્ધ પણ છે કે ભારતમાં રાજકીય સર્વે પક્ષપાતપૂર્ણ હોય છે. ભારતીય મીડિયા કંપનીઓ મોટા ભાગના પોલ કરે છે, જેમાં મોટા ભાગે પૂર્વાગ્રહ સામેલ હોય છે.
 
ઍક્ઝિટ પોલમાં કોની સરકાર બની રહી છે?
એબીપી ન્યૂઝ – સી-વોટર સર્વે
 
એબીપી ન્યૂઝ- સી વોટરના ઍક્ઝિટ પોલ મુજબ ભાજપને ગુજરાતમાં 26માંથી 25-26 બેઠક મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 0-1 બેઠક મળવાની શક્યતા છે.
 
આ ઍક્ઝિટ પોલના સર્વે અનુસાર દેશની કુલ 543 બેઠકોમાંથી એનડીએને 353-383 બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 152-182 મળવાનું અનુમાન છે. અન્ય રાજકીય દળોને 04-12 બેઠકો મળવાની શક્યતા છે.
 
ઇન્ડિયા ટીવી ઍક્ઝિટ પોલ
 
ઇન્ડિયા ટીવી ઍક્ઝિટ પોલમાં એનડીએને 371-401 અને ઇન્ડિયા ગઠબંધનને 109-139 સીટ મળી શેક છે. તો અન્ય પાર્ટીઓને 28-38 સીટ મળી શકે છે.
 
ઍક્ઝિટ પોલમાં ભાજપને 319-338, કૉંગ્રેસને 64-52, ડીએમકેને 15-19, તૃણમૂલ કૉંગ્રેસને 14-18 સીટનું અનુમાન છે.
 
રિપબ્લિક ટીવી-પીએમએઆરક્યુ ઍક્ઝિટ પોલ
 
રિપબ્લિક ટીવી અને પીએમએઆરક્યુના ઍક્ઝિટ પોલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને 48 ટકા મતો સાથે કુલ 543 બેઠકોમાંથી 359 બેઠકો મળી શકે છે.
 
જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 39 ટકા મતો અને 154 બેઠકોનું અનુમાન છે. અન્યને 13 ટકા મતો સાથે 30 બેઠકો મળતી જોવા મળે છે.
 
આ ઍક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો પર વિજયની હેટ્રિક કરી શકે છે. એટલે કે કૉંગ્રેસને એક પણ સીટ નહીં મળવાનું અનુમાન છે.
 
ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્ય ઍક્ઝિટ પોલ
 
ન્યૂઝ 24 અને ટુડેઝ ચાણક્યના ઍક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 26માંથી 24થી 26 બેઠકો પર જીતી મેળવી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 0-2 બેઠકો મળવાની શક્યતા છે.
 
ઇન્ડિયા ટુડે અને ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલ
 
ઇન્ડિયા ટુડે અને ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26માંથી 25 કે 26 બેઠકો જીતી શકે છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને કદાચ એક બેઠક મળી શકે છે. આ ઍક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ગુજરાતમાં લગભગ 63 ટકા મતો જ્યારે કૉંગ્રેસને 30 ટકા અને આમ આદમી પાર્ટીને ચાર ટકા આસપાસ મતો મળશે.
 
જનકી બાત ઍક્ઝિટ પોલ
 
જનકી બાત ઍક્ઝિટ પોલના અનુમાન પ્રમાણે એનડીએ ગઠબંધનને કુલ 543 બેઠકોમાંથી 362-392 બેઠકો મળી શકે છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાની શક્યતા છે. અન્ય રાજકીય દળોને 10થી 20 બેઠકો મળી શકે છે.