1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By શ્રીકાંત બંગાલે|
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (14:28 IST)

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં અજિત પવારનું ભવિષ્ય શું હશે?

એનસીપીના નેતા અજિત પવારે મંગળવારે ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ફરી એનસપીમાં આવી ગયા છે. તે પછી સવાલો પૂછાવા લાગ્યા હતા કે: શું અજિત પવાર એનસીપીમાં પોતાનું અગાઉ જેવું સ્થાન જાળવી શકશે? 
 
ગુરુવારે સાંજે ઉદ્ધવ ઠાકરે શિવસેના-કૉંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકારના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. ત્યારે શું તેમને આગામી સરકારમાં મંત્રી બનાવાશે? કે પછી રાજકારણમાંથી સંન્યાસ લઈ લશે?
 
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા આપણે કોશિશ કરીશું.
 
વિશ્વસનિયતાનો અભાવ?
 
રાજકીય વિશ્લેષક રાહી ભીડે કહે છે કે અજિત પવારે આવો રાજકીય ખેલ કરીને પોતાની આબરૂ ગુમાવી છે. તેઓ કહે છે, "અચાનક બેઠક છોડીને જતા રહે, પછી અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે - એ પ્રકારનું વર્તન અજિત પવાર કાયમ દાખવતા રહ્યા છે."
 
"શરદ પવાર ફરીથી તેમને પક્ષમાં સ્થાન આપશે. તેમને મંત્રીપદ પણ અપાવશે."
 
"અજિત પવારના ટેકેદારોને તેમનું આવું વર્તન માફક આવે છે, કેમ કે તેઓ મોઢામોઢ બોલી દેનારા માણસ છે."
 
"તેથી કાર્યકરો કંઈ બહુ નારાજ થયા હોય તેમ મને લાગતું નથી."
 
"પરંતુ આ વખતે અજિત પવારે વિશ્વસનીયતા ગુમાવી છે. એક તરફ ત્રણ પક્ષો સરકારની રચના માટે વાટાઘાટો કરી રહ્યા હતા."
 
"બીજી તરફ તેમણે ગૂપચૂપ ભાજપ સાથે ગોઠવણ કરી લીધી. ઉપમુખ્ય મંત્રીપદ માટેના શપથ પણ લઈ લીધા."
 
ભીડે ઉમેરે છે, "ભાજપ તરફથી કદાચ તેમને સિંચાઈ યોજનામાં તપાસ માટેની ધમકી અપાઈ હશે અને તેના કારણે તેઓ શરણે આવી ગયા હશે."
 
"છેલ્લા બે દિવસોમાં સિંચાઈ કૌભાંડની આઠથી નવ ફાઇલો બંધ કરી દેવામાં આવી છે."
 
જોકે એ સ્પષ્ટ નથી કે બંધ થયેલી ફાઈલોને કારણે અજિત પવારને ક્લીનચિટ મળી ગઈ હોય.
અજિત પવારનો કોઈ વિકલ્પ નથી?
 
જોકે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) અજિત પવાર વિના આગળ વધી શકે તેમ નથી, એવું પણ રાજકીય વિશ્લેષક પ્રકાશ પવાર કહે છે.
 
પ્રકાશ પવાર કહે છે, "એનસીપી અજિત પવાર વિના આગળ વધી શકે કે ટકી શકે તેમ નથી."
 
"તેથી શરદ પવાર પાસે તેમને પાછા પક્ષમાં લઈ લીધા સિવાય કોઈ વિકલ્પ નથી. જોકે શરદ પવારે હવે તેમને કાબૂમાં રાખવા પડશે."
 
"એનસીપીમાં એક જૂથ એવું પણ છે, જે અજિત પવારને પક્ષમાંથી દૂર કરવા માગે છે."
 
"એનસીપીમાં બે જૂથો છે - એક અજિત પવારનું સમર્થક અને બીજું તેનું વિરોધી."
 
"પક્ષના ભાગલા પાડવાના પણ પ્રયાસો થયા હતા, પરંતુ અજિત પવાર શક્તિશાળી નેતા છે."
 
"તેઓ ઇચ્છે તો પોતાની અલગ પાર્ટી બનાવી શકે છે, કેમ કે તેમનો વિશાળ ટેકેદાર વર્ગ છે."
 
શું તેઓ રાજકીય સંન્યાસ લેશે?
 
અજિત પવાર સ્વભાવથી રાજકીય માણસ છે એટલે રાજકારણમાંથી સંન્યાસ લેશે નહીં, એમ સિનિયર પત્રકાર શ્રીમંત માને કહે છે.
 
માને કહે છે, "અજિત પવાર સ્વભાવથી જ રાજકારણી છે, તેથી મને નથી લાગતું કે તેઓ સંન્યાસ લઈ લે."
 
"એનસીપીમાં હજીય શંકાકુશંકાનું વાતાવરણ છે, ત્યારે મને નથી લાગતું કે તેમને મંત્રી બનાવાય."
 
"અજિત પવાર અને ધનંજય મુંડેને મંત્રીમંડળમાં સ્થાન આપવું મુશ્કેલ બનશે."
 
"અજિત પવારે પોતાનું નેતૃત્વ જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડશે, તેમણે પહેલી વાર આટલું મોટું પગલું લીધું છે."
 
"ઘણી વાર તેમણે બાલીશ વર્તન કરેલું છે, જેના કારણે શરદ પવાર મુશ્કેલીમાં મૂકાયા છે."
 
માને ઉમેરે છે, "પરંતુ શરદ પવારની હવે ઉંમર થવા આવી છે, ત્યારે અજિતે આવું પગલું લેવું જોઈતું નહોતું. શરદ પવારને પણ આ બહુ ગમ્યું નથી."
 
"એનસીપીના બીજા નેતાઓને પણ લાગે છે કે શરદ પવારના ભત્રીજા હોવાનો ફાયદો અજિત પવાર ઉઠાવી રહ્યા છે."
 
"તેથી પક્ષમાં હવે પોતાનું સ્થાન જાળવી રાખવા માટે અજિત પવારે મથામણ કરવી પડશે."
 
સિનિયર પત્રકાર વિજય ચોરમારેના જણાવ્યા અનુસાર:
 
"અજિત પવાર પાસે રાજકીય સંન્યાસ લઈ લેવા સિવાય હવે કોઈ વિકલ્પ નથી."
 
"ઈડીની તપાસ વખતે પણ તેઓ વિચલિત થઈ ગયા હતા. તે વખતે પણ શરદ પવાર નારાજ થયા હતા."
 
"અજિત પવારે રાજકારણથી દૂર થઈને ખેતીવાડીમાં ધ્યાન આપવાની વાત પણ કરી હતી."
 
"એવું લાગે છે કે તેમણે આખરે એ જ માર્ગ પસંદ કરવો પડશે."
 
 
રાજકીય આત્મહત્યા?
 
વિજય ચોરમારે કહે છે, "શરદ પવારને અંધારામાં રાખીને અજિત પવારે ઉપમુખ્ય મંત્રીપદના શપથ લઈ લીધા. આ તેમના રાજકીય જીવનના અંતનો અણસાર છે."
 
"ભાજપ સાથે હાથ મિલાવીને તે સરકારમાં જોડાવાનો તેમનો નિર્ણય રાજકીય આત્મહત્યા જેવો હતો."
 
"આવું પગલું ભરીને અજિત પવારે પોતાની રાજકીય કારકિર્દીને 10 વર્ષ પાછળ ધકેલી દીધી છે."
 
"મહારાષ્ટ્રમાં લોકો નિષ્ફળતા સ્વીકારી લે, પણ દગાબાજને સ્વીકારતા નથી."
 
ચોરમારે ઉમેરે છે, "અજિત પવારે એનસીપીને મત આપનારા લોકોની લાગણી દુભાવી છે."
 
"પક્ષના મતદારોને તેમનો આ નિર્ણય ગમ્યો નહીં હોય."
 
"એનસીપી ફરીથી તેમને મહત્ત્વનું સ્થાન આપવાની કોશિશ કરશે તો ઊલટાનું પક્ષને જ નુકસાન થશે."
 
તપાસમાં હવે શું થશે?
 
અજિત પવાર સામે સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચારના અને મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્ક કૌભાંડમાં સામેલગીરીના આરોપો મુકાયેલા છે.
 
આ બાબતમાં તપાસ ચાલી રહી છે. આ તપાસમાં હવે આગળ શું થશે તે સ્પષ્ટ નથી.
 
રાજકીય વિશ્લેષક પ્રકાશ પવાર કહે છે, "અજિત પવાર સામે ચાલી રહેલી તપાસમાં આગળ કશું નહીં થાય. સિંચાઈ યોજનામાં દાખલ થયેલું આરોપનામું મેં વાંચ્યું છે."
 
"ઈડીમાં તેમાં કશું સાબિત કરી શકી નથી. કેન્દ્ર સરકાર માત્ર આ કેસોના ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓને ડરાવી રહી છે."
 
શ્રીમંત માનેના જણાવ્યા અનુસાર, "એનસીપી સરકારમાં હોવાથી અજિત પવાર મુશ્કેલીમાં મુકાઈ એવું કોઈ પગલું ભરવામાં નહીં આવે.
 
"આ મામલામાં ચાલી રહેલી તપાસની ગતિને મંદ કરી દેવામાં આવશે."