મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તેજસ વૈદ્ય|
Last Modified: બુધવાર, 1 એપ્રિલ 2020 (12:49 IST)

ગુજરાતમાં કોરોના વાઇરસ સામેની લડાઈનું નેતૃત્વ કરનારાં જયંતી રવિ કોણ છે?

ગુજરાતના વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ જણાવે છે કે "વર્ષ 2002માં જયંતી રવિ પંચમહાલ - ગોધરાનાં કલેક્ટર હતાં. 2002માં ગોધરામાં ટ્રેન સળગી અને ત્યાં પછી જે તોફાન ફાટી નીકળ્યાં એને કાબૂમાં લેવામાં તેમની ખૂબ મહત્ત્વની ભૂમિકા હતી."
 
"ટ્રેન સળગી એના અડધા કલાકમાં તેઓ ત્યાં પહોંચી પણ ગયાં હતાં. રાજ્યમાં જ્યારે ઊંચા ઊંચા અધિકારીઓ પણ મામલો સંભાળતાં ડરતા હતા ત્યારે પંચમહાલ - ગોધરામાં જયંતી રવિએ મામલો સારી રીતે સંભાળ્યો હતો. તેમની કામગીરીની સકારાત્મક નોંધ લેવાઈ હતી. એવું કહેવામાં આવે છે કે ત્યારથી તેઓ નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આવ્યાં હતાં."
 
કોરોના વાઇરસના કપરા કાળ વચ્ચે રાજ્ય સહિત સમગ્ર દેશ લૉકડાઉન છે ત્યારે તમે આજકાલ સ્થાનિક ગુજરાતી સમાચાર ચેનલોમાં આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનાં અગ્રસચિવ જયંતી રવિનો ચહેરો વારંવાર નિહાળતા હશો. રાજ્યમાં કોરોના પૉઝિટિવ કેસની સંખ્યા કેટલી વધી, કોરોના સંક્રમિત કેટલા દર્દીઓ સાજાનરવા થઈને ઘરે પહોંચ્યા, સરકાર કોરોનાને નાથવા કયાં પગલાં લઈ રહી છે, રાજ્યમાં હૉસ્પિટલોમાં શું સુવિધા અને તૈયારી છે, આઇસોલેશન વૉર્ડ્સ અને વૅન્ટિલેટરની શું વ્યવસ્થા છે- આવી અનેક વિગતો તેઓ જણાવતાં હોય છે.
 
કોણ છે જયંતી રવિ?
 
રાજ્ય સરકારના જનરલ ઍડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની વેબસાઇટમાં તેમના અંગે કેટલીક વિગતો આપવામાં આવી છે. એમાં દર્શાવ્યા મુજબ જયંતી રવિ મૂળ ચેન્નાઈ, તામિલનાડુનાં છે. 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતી રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે.
 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકેની પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતી રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે.
 
લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે. જયંતી રવિ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે. પંચમહાલનાં કલેક્ટર પણ હતાં. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. 
 
વહીવટની સાથે લેખનકાર્ય
જયંતી રવિ લિખિત પુસ્તકનું કવર
વહીવટી અધિકારી જયંતી રવિએ પુસ્તકો પણ લખ્યાં છે.
 
તેમનાં બે અંગ્રેજી પુસ્તકોની વાત કરીએ તો 'સેનિટી ઇન સૅનિટાઇઝેશન : જાજરૂની ઝુંબેશ' તેમજ 'સિલ્વર લાઇનિંગ : ઇનસાઇટ્સ ઇનટુ ગુજરાત'.
 
'સિલ્વર લાઇનિંગ : ઇનસાઇટ્સ ઇનટુ ગુજરાત'ની પ્રસ્તાવના સામ પિત્રોડાએ લખી છે.
 
જયંતી રવિ ગુજરાતમાં અનેક સ્થળે ફર્યાં છે. તેઓ જે વિવિધ લોકોને મળ્યા અને તેમની સાથે સંવાદ બાદ જે પ્રેરણાદાયી બાબતો તેમના ધ્યાનમાં આવી તેનું સંકલન 'સિલ્વર લાઇનિંગ' પુસ્તકમાં છે.
 
આ પુસ્તકની પ્રસ્તાવનામાં સામ પિત્રોડાએ લખ્યું છે કે "જયંતી રવિ દલીલ કરે છે કે સાચું શિક્ષણ શબ્દને વાંચવાથી નહીં, સંસારને વાંચવાથી પ્રાપ્ત થાય છે. તે આ પુસ્તકનાં પાનાંમાં રહેલાં ઉદાહરણો દર્શાવે છે."
 
આ પુસ્તક ગુજરાતીમાં 'સિલ્વર લાઇનિંગ - ગુજરાતમાં ઝાંખી' નામે પણ ઉપલબ્ધ છે.
 
જયંતી રવિના પુસ્તક 'સેનિટી ઇન સૅનિટાઇઝેશન'માં કેટલીક હસ્તીઓની પણ નોંધ છે, જેમાં તેમણે એ પુસ્તક વિશે લખ્યું છે.
 
અમિતાભ બચ્ચને પુસ્તક વિશે લખ્યું છે કે "ભારતને ખુલ્લામાં જાજરૂમુક્ત કરવા જે લોકો કામ કરી રહ્યા છે તેમને પ્રેરણા આપતું આ પુસ્તક છે. સ્વચ્છતા સંદર્ભે જે પડકાર છે એને પહોંચી વળવા માટે અનુભવસિદ્ધ બાબતો એમાં વણાયેલી છે."
 
કોરોના કાળમાં ઘરની બહાર નીકળીને કામ કરતાં સફાઈકામદારો શું કહે છે?
ગાયિકા જયંતી રવિ
 
પીએમ અને સીએમ સાથે જયંતી રવિ. 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
ખાસ વાત એ પણ છે કે જયંતી રવિ કેળવાયેલાં ગાયિકા છે.
હાલમાં જ 12 જાન્યુઆરીએ તેમણે કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનાં મહાન ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીને શ્રદ્ધાંજલિ આપતાં કેટલાંક પદ ગાયાં હતાં.
અમદાવાદમાં યોજાયેલા સપ્તક શાસ્ત્રીય સંગીત સમારંભમાં તેમની સાથે તેમનાં સંતાનો અદિત અને કૃપાએ પણ પ્રસ્તુતિ આપી હતી.
જયંતી રવિના પુત્ર અદિત રવિ વાંસળીવાદક છે અને તેમનાં પુત્રી કૃપા રવિ ભરતનાટ્યમ્ નૃત્યાંગના છે.
એ અગાઉ પણ માતા, પુત્ર અને પુત્રી કાર્યક્રમો એકસાથે આપી ચૂક્યાં છે.
જયંતી રવિ ગુજરાતી ભજન પણ ખૂબ સહજ રીતે ગાઈ શકે છે.
તેમણે ગાયેલા ગુજરાતી ભજન "આજ મારા મંદિરિયામાં મ્હાલે શ્રીનાથજી...", "શંભુ શરણે પડી..." વગેરે સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.
11 માર્ચ, 2017ના રોજ તેમણે અમદાવાદના ગાંધીઆશ્રમમાં 'વૉકિંગ ટુ ફ્રીડમ' નામનો ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતો એક સંગીત કાર્યક્રમ કર્યો હતો.