શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ઝુબેર અહમદ|
Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2020 (12:33 IST)

મોદી સરકાર અર્થવ્યવસ્થાને ગતિ કેમ આપી શકતી નથી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 મેના રોજ લૉકડાઉનને કારણે દેશની ઝડપથી ઘટતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના એક મોટા આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી. તેને દેશની જીડીપીના 10 ટકા ગણાવાયું હતું.
 
જોકે, ઘણા અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે આ પૅકેજની એક મોટી રકમને એપ્રિલમાં ઘોષિત નવા આર્થિક પૅકેજમાં સામેલ કરીને મોટી કરાઈ છે, હકીકતમાં આ પૅકેજ 10 લાખ કરોડ રૂપિયાનું છે.
 
તો ભારતીય રિઝર્વ બૅન્કે વેપારીઓ અને સામાન્ય લોકોને રાહત આપવા વ્યાજદરમાં બે વાર ઘટાડો કર્યો. લૉકડાઉન પહેલાં પણ માગ વધારવા માટે આરબીઆઈએ દરમાં ઘટાડો કર્યો હતો.
 
જોકે માગમાં સતત ઘટાડાને કારણે ખબર પડે છે કે વ્યાજદરોમાં કપાત છતાં અર્થવ્યવસ્થાની હાલત ઘણી ખરાબ છે.
 
આનું ઉદાહરણ એપ્રિલ-જૂનનાં ત્રિમાસિકનાં આર્થિક સ્થિતિનાં પરિણામો છે, જે દરમિયાન દેશનો જીડીપી -23.9 ટકાના દરે સંકાચાયો એટલે કે જીડીપી લગભગ એક ચતુર્થાંશ ઓછો થયો.
 
વધુ એક આર્થિક પૅકેજની જરૂર?
 
મે મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે લૉકડાઉનમાં આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી
 
મે મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરે લૉકડાઉનમાં આર્થિક પૅકેજની જાહેરાત કરી હતી
 
આટલા મોટા ઝટકા પછી વાત થઈ રહી છે કે વધુ એક આર્થિક પૅકેજની જરૂર છે. વડા પ્રધાનથી લઈને નાણામંત્રીએ તેના તરફ ઇશારો પણ કર્યો છે.
 
જોકે સરકાર મુશ્કેલીમાં નજરે આવે છે, કેમ કે કોરોના મહામારી ઓછી થવાને બદલે વધી રહી છે અને આર્થિક ગતિવિધિઓને ફરી પાટે લાવવામાં બાધારૂપ બની રહી છે.
 
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સોમવારે (7 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ લિંક્ડઇન પરની ટિપ્પણીમાં કહ્યું કે સરકાર એટલા માટે આર્થિક પૅકેજ આપતા અચકાઈ રહી છે, કેમ કે એ કદાય ભવિષ્યમાં પૅકેજ આપવા માટે પૈસા રાખી રહી છે.
 
તેમનું કહેવું હતું, "ભારતમાં મહામારી હજુ પણ વધી રહી છે. એટલા માટે એવા ખર્ચ જેના માટે તમારે નિર્ણય કરવા પડે છે, ખાસ કરીને રેસ્ટોરાં જેવી જગ્યા જ્યાં ઘણા લોકો સંપર્કમાં આવી શકે છે, તો તેની સાથે જોડાયેલી નોકરીઓ વાઇરસ ઓછો થાય ત્યાં સુધી ઓછી રહેશે. આથી સરકાર તરફથી અપાતી રાહત મહત્ત્વની થઈ જાય છે."
 
વરિષ્ઠ અર્થશાસ્ત્રી રથિન રૉયે ગત મહિને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના એક વેબિનારમાં કહ્યું હતું કે એ માનવું ખોટું હશે કે વ્યાજદરોમાં કપાતથી અર્થવ્યવસ્થા વિકાસના રસ્તે પરત ફરશે. આ કામ નથી કરતું.
 
નાણામંત્રાલયથી પ્રભાવિત થિન્ક ટેન્ક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ ઍન્ડ પૉલિસીના નિદેશક રથિન રૉય કહે છે, "હું આરબીઆઈની મૃદ્રા નીતિનાં નિવેદનોથી સહમત નથી, જેમાં દરોના ઘટાડા અંગે ગવર્નરનાં પગલાં પણ સામેલ છે."
 
આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મહામારીના શરૂઆત બાદ બે તબક્કામાં દરોમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. અગાઉ એક ટકાથી વધુનો ઘટાડો થઈ ચૂક્યો હતો.
 
પૅકેજથી કેમ રાહત ન મળી?
 
આર્થિક મામલાના જાણકાર પહેલાવાળા આર્થિક પૅકેજ અને આરબીઆઈના વ્યાજદરોમાં ઘટાડા જેવાં પગલાં બાદથી કહી રહ્યા છે કે આ પૅકેજમાં ઊણપ છે.
 
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનાં સૂત્રોએ કહ્યું, "વડા પ્રધાને આપૂર્તિ પર પૂરું ધ્યાન આપ્યું અને આર્થિક પૅકેજને કારણે બજારમાં લિક્વિડિટી વધી. (એટલે કે લોકો અને વ્યવસાયોને કરજ દેવા માટે બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસે પૂરતી રોકડ આવી.)"
 
"જોકે મોટા ભાગના લોકોનાં ખિસ્સામાં પૈસા નાખવામાં ન આવ્યા, જેના કારણે માગમાં વધારો ન કરાઈ શક્યો."
 
તેમનું કહેવું છે કે મે મહિનામાં સામાન્ય લોકોનાં બૅન્કખાતામાં આગળના મહિના માટે દર મહિને 10 હજાર રૂપિયા નાખવા જોઈતા હતા.
 
નાના ખેડૂતો અને મહિલાઓને મનરેગા અને અન્ય યોજનાના માધ્યમથી રોજગારી અપાઈ અને રોકડ પણ.
 
જોકે માગ વધારવા માટે મધ્યમ વર્ગ અને સારું વેતન મેળવનારા લોકોને આર્થિક મદદ ન કરાઈ.
 
ભાજપનાં સૂત્રો અનુસાર, એ વાતે સરકારમાં સહમતી છે કે બીજું આર્થિક પૅકેજ આપવું જોઈએ, પરંતુ ક્યારે આપવું તેના પર સહમતી બનતી નથી.
 
સૂત્રો અનુસાર, 'અન્ય મોટા પૅકેજ પર વિચાર થઈ રહ્યો છે, પરંતુ તેને ક્યારે લાગુ કરાશે એના પર કોઈ નિર્ણય લઈ શકાયો નથી.'
 
પૈસા નથી તો ખર્ચ શું કરીએ?
 
આર્થિક મામલાના વિશેષજ્ઞ વિવેક કૉલ અનુસાર લોકો પાસે પૈસા નથી, આથી તેઓ ખર્ચ કરતા નથી, તો જેની પાસે પૈસા છે તેઓ પણ ખર્ચ કરતા નથી.
 
તેઓ કહે છે, "મહામારીને કારણે લોકો ઘરમાં જ રહે છે, અને ખર્ચનો ગુણક પ્રભાવ ઘણે અંશે ઓછો થઈ ગયો છે. એટલે ઘણા વ્યવસાયોએ એટલી કમાણી નથી કરી, જે તેઓ કમાઈ શકતા હતા કે કમાતા આવ્યા છે. આથી લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે."
 
વિવેક કૉલ કહે છે કે કેટલાક કેસમાં પગારમાં કાપ મૂકવામાં આવ્યો છે અને નોકરીઓની ઑફર પાછી લેવાઈ છે.
 
તેઓ કહે છે કે આ બધાને કારણે સમસ્યા વધતી ગઈ છે અને આ પ્રક્રિયામાં વધુ નોકરીઓ ગઈ. અમને નવાઈ નથી લાગી કે એપ્રિલથી જૂન દરમિયાન વ્યક્તિગત ખપત 26.7 ટકા હતી.
 
સરકારે કેવાં પગલાં ભરવાં જોઈએ?
 
આર્થિક મામલાના પત્રકાર સ્વપ્નકુમાર ચંચલ કહે છે કે મોદી સરકારે અર્થવ્યવસ્થાને ફરી વાર વિકાસના પાટે લાવવા માટે ચાર પગલાં ભરવાની જરૂર છે.
 
પહેલું એ કે નવા આર્થિક પૅકેજમાં લોકોનાં ખિસ્સાંમાં કેટલાક મહિના માટે પૈસા નાખવાની જોગવાઈ હોય.
 
બીજું, કેટલીક પ્રોડક્ટમાં જીએસટીનો દર ઘટાડી દો (જેમ કે મોટર સાઇકલ અને સ્કૂટરમાં).
 
ત્રીજું, તેને એક અવસર સમજીને આર્થિક સુધારો લાવવાના પ્રયાસો કરે.
 
ચોથું પગલું એ કે કૅબિનેટે મંજૂર કરેલી સરકારી કંપનીઓનું ડિસઇન્વેસ્ટમૅન્ટ અને ખાનગીકરણ શરૂ કરી દે.