શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2019 (17:07 IST)

World Cup 2019 : વર્લ્ડ કપની ટીમમાં પંતની પસંદગી ન થવાથી ઊઠયા પ્રશ્નો

મે મહિનાના અંતમાં ઇંગ્લૅન્ડમાં શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ટૂર્નામૅન્ટ માટે પસંદગી પામેલા 15 ખેલાડીઓની ટીમની જેવી જાહેરાત થઈ કે તરત જે ખેલાડીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે રિષભ પંત અને વિજય શંકર છે. કેટલાક ભારતીય ક્રિકેટપ્રેમીઓને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે બેટિંગમાં સતત સારું પ્રદર્શન કરી રહેલા વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંતને સ્ક્વૉડમાં સ્થાન કેમ ન મળ્યું.
 
ટીમમાં બીજા વિકેટકીપર તરીકે અનુભવી દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો બેટિંગ ક્રમમાં ચોથા ક્રમ માટે ઑલરાઉન્ડર વિજય શંકરને ટીમમાં લેવામાં આવ્યા તે બાબતે પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
રિષભને તક કેમ ન મળી?
 
21 વર્ષના રિષભ પંતને દિનેશ કાર્તિકની જેમ આંતરરાષ્ટ્રિય ક્રિકેટનો વધુ અનુભવ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં તેમણે સતત સારું પ્રદર્શન કરીને ક્રિકેટપ્રેમીઓ અને વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે. ઉત્તરાખંડ સાથે સંબંધ ધરાવતા 21 વર્ષના યુવા ક્રિકેટરે અન્ડર-19 ક્રિકેટથી જ પોતાની છાપ અંકિત કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરેલુ ક્રિકેટમાં પણ અત્યાર સુધીમાં તેમનો શાનદાર રેકર્ડ રહ્યો છે. રણજીની ડેબ્યૂ સિઝનમાં તેમણે ત્રણ સદી ફટકારીને પોતાના તરફ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
 
દિલ્હી ડેરડેવિલ્સે તેમને આઈપીએલ-2016 માટે 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જ્યારે તેમની બેઝ પ્રાઇઝ માત્ર 10 લાખ જ હતી. ત્યારબાદની આઈપીએલની દરેક સિઝનમાં તેમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે.  આંતરરાષ્ટ્રિય કારકિર્દીની વાત કરીએ તો તેઓ 9 ટેસ્ટ મૅચ, પાંચ વન-ડે અને 15 ટી-20 રમી ચૂક્યા છે. વન-ડેમાં ભલે તે કંઈ ખાસ ન કરી શક્યા પરંતુ ટેસ્ટમાં તેમણે બે સદી કરી છે- એક ઇંગ્લૅન્ડમાં અને એક ઑસ્ટ્રેલિયામાં. વરિષ્ઠ ખેલ પત્રકાર વિજય લોકપલ્લી જણાવે છે કે ઘણા લોકોને રિષભ પંતની પસંદગી ન થવાથી પ્રશ્ન થયો છે, પરંતુ પસંદગીકારોએ અનુભવને ધ્યાનમાં રાખીને તેમના સ્થાને દિનેશ કાર્તિકની પસંદગી કરી છે.
 
તેઓ કહે છે, "લોકોના આશ્ચર્યનું કારણ એ છે કે રિષભે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સદી કરી છે, જ્યારે દિનેશ કાર્તિક વન-ડે સ્ક્વૉડમાં પણ નહોતા. પરંતુ મારું માનવું છે કે જે અનુભવ દિનેશ પાસે છે તે પંત પાસે નથી. જોકે, તેમાં પંતનો કોઈ વાંક નથી. તેમણે હમણાં જ રમવાનું શરૂ કર્યું છે."
 
દિનેશ કાર્તિક પાસે 91 વન-ડે મૅચનો અનુભવ છે. જેમાં તેમણે 31ની સરેરાશથી 1738 રન કર્યા છે. તેઓ 26 ટેસ્ટ અને 32 ઇન્ટરનેશનલ ટી-20 મૅચ રમી ચૂક્યા છે. વિજય લોકપલ્લીનું માનવું છે કે, ઇંગ્લૅન્ડમાં બૉલ બહુ સ્વિંગ થાય છે, વિકેટ પાછળ કૅચ બહુ ઝડપી અને સાઇડમાં આવે છે. તેથી પસંદગી સમિતિને લાગ્યું કે આ મુશ્કેલ વખતમાં સારા વિકેટકીપર હોવા જરૂરી છે.
 
તેઓ કહે છે, "આ બાબતે દિનેશ કાર્તિકનું પલ્લું ભારે છે. કારણ કે રિષભ પંતની કીપિંગ ખરાબ રહી હતી. કાર્તિક સ્પિનર સામે પણ પંતથી સારી કીપિંગ કરે છે."
 
 
શું પંતને કેળવવાની તક ગુમાવી?
 
દિનેશ કાર્તિકે સારા ફિનિશર તરીકે પણ ઓળખ બનાવી છે. પરંતુ વર્લ્ડ કપની કોઈ મૅચમાં ધોની નહીં રમે ત્યારે જ બીજા કોઈ વિકેટકીપર બૅટ્સમૅનને રમવાની તક મળશે.
ધોની બીમાર કે અનફિટ હોય અને મૅચ ન રમી શકે તો જ આવું શક્ય છે. વરિષ્ઠ પત્રકાર જી. રાજારમણ માને છે કે તેમને નથી લાગતું કે બીજા વિકેટકીપરને રમવાની તક મળશે. તેથી રિષભ પંતને વર્લ્ડ કપના હિસાબે કેળવણીની તાલીમ લેવાનો મોકો મળત.
 
તેમણે કહ્યું, "રિષભને વર્લ્ડ કપ ટીમમાં સામેલ ન કરાયા તેનાથી હેરાન તો છું જ પરંતુ આવું કેમ થયું એ સમજી શકાય છે. કદાચ પસંદગીકારો દિનેશ કાર્તિકના અનુભવ સાથે ગયા. પરંતુ હું માનું છું કે દિનેશ કાર્તિકને એક પણ મૅચ રમવાની તક નહીં મળે."
 
"તેથી આ રિષભ પંતને તાલીમ આપવાની તક હતી. તેમને એ સમજાવવા કે વર્લ્ડ કપનો માહોલ કેવો હોય છે, ત્યાં શું સ્થિતિ હોય છે. અફસોસની વાત છે કે પસંદગીકારોની વિચારધારા અલગ છે."
 
જી. રાજારમણ માને છે કે વધારાના વિકેટકીપર લઈ જવાના બદલે જરૂર પડે ત્યારે જે રીતે રાહુલ દ્રવિડે 2003ના વર્લ્ડ કપમાં કરી હતી તે રીતે કેએલ રાહુલ પાસે પણ વિકેટકીપિંગ કરાવી શકાઈ હોત.
વિજય શંકરની પસંદગી કેમ?
 
વર્લ્ડ કપ ટીમમાં નંબર ચાર પર બેટિંગ કરતા ખેલાડી તરીકે અંબાતી રાયડુ અને ઑલરાઉન્ડર વિજય શંકર વચ્ચે હોડ હતી, જેમાં વિજયશંકર બાજી મારી ગયા.
28 વર્ષના વિજય શંકર મધ્યમ ક્રમના બૅટ્સમૅન છે અને જમણા હાથથી મીડિયમ પેસ બૉલિંગ કરે છે. તેમણે તામિલનાડુ તરફથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું.
 
તેમણે આ જ વર્ષે જાન્યુઆરીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મૅચમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું. તેઓ નવ વન-ડે અને નવ ઇન્ટરનેશનલ ટી-20 મૅચ રમી ચૂક્યા છે.
તેમની સામે ચોથા નંબર પર અંબાતી રાયડુને માનવામાં આવે છે જે તેમનાથી ઘણો વધુ અનુભવ ધરાવે છે. રાયડુ 55 વન-ડે રમી ચૂક્યા છે, જેમાં તેમણે 47.05ની સરેરાશથી 1694 રન કર્યા છે.
 
વરિષ્ઠ ખેલ પત્રકાર વિજય લોકપલ્લીનું માનવું છે કે વિજય શંકર પ્રતિભાશાળી ખેલાડી છે અને તેમની પસંદગી યોગ્ય જ છે. તેઓ માને છે કે આવનારા સમયમાં વિજય શંકરની રમત વિશે ઘણું જાણવા મળશે.
 
તેમણે કહ્યું, "ઘરેલુ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમની બેટિંગ તો સારી છે જ, તેઓ બૉલિંગ પણ સારી કરે છે. તેઓ કમાલના ફિલ્ડર પણ છે. તેઓ ગમે ત્યાં ફિલ્ડિંગ કરી શકે છે."
 
"તેઓ કોઈ પણ નંબર પર બેટિંગ કરી શકે છે. ટીમ ઇન્ડિયાની નંબર ચારની શોધ વિજય શંકર પર આવીને પૂરી થઈ છે. તેમનામાં પ્રતિભા છે, સંયમ છે અને યુવા ખેલાડી છે. પસંદગીકારોએ તેમને નજીકથી જોયા છે." વરિષ્ઠ પત્રકાર જી. રાજારમણ પણ માને છે કે વિજય શંકરની હાજરીથી ટીમને ફાયદો થશે.
 
તેઓ કહે છે, "વિજય શંકર બહુ હોનહાર ખેલાડી છે, તેમની પાસે લાજવાબ પ્રતિભા છે. કદાચ ટીકાકારોએ જોયું નહીં હોય કે તેઓ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં કેવું રમ્યા."
"જે રીતે તેઓ બૉલને જુએ છે અને રમતને સમજે છે તેનાથી ટીમને ફાયદો થશે. બીજું, તેઓ ઑલરાઉન્ડર છે, જેની ટીમમાં ખોટ છે. તેઓ એવા ઑલરાઉન્ડર છે જે ફાસ્ટ બૉલિંગ કરે છે. જોકે, તેઓ બૅટ્સમૅન તરીકે જ રમશે."
 
આ ટીમને સારી અને સંતુલિત ગણાવતા રાજારમણ કહે છે કે ખેલાડી લગન સાથે રમશે તો સેમીફાઇનલ અને ફાઇનલ સુધી જરૂર જશે. ત્યારે પંતના સ્થાને કાર્તિક કે રાયડુના સ્થાને વિજય શંકરને ટીમમાં લેવા પર ઊઠી રહેલા પ્રશ્નોને વરિષ્ટ પત્રકાર વિજય લોકપલ્લી પાયાવિહોણા માને છે.
 
તેઓ કહે છે, "લોકો તો એવો પણ પ્રશ્ન ઊઠાવશે કે કેએલ રાહુલના સ્થાને અંબાતી રાયડુને રાખી લો. હું ઇચ્છું તો કહું કે શ્રેયસ ઐય્યરને રાખી લો, કોઈ કહેશે કે દિનેશ કાર્તિકના સ્થાને પંતને રાખી લો, તો કોઈ કહેશે કે ચોથા સીમરને પણ લઈ લો."
 
"પરંતુ આ જે ટીમ બને છે તે ઉપલબ્ધ ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગી કરીને બને છે. પાંચ પસંદગીકારો, કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન કોહલીએ એકબીજા સાથે ચર્ચા કરીને આ ટીમ બનાવી છે. આપણે માનવું જોઈએ કે આ બેસ્ટ પૉસિબલ ટીમ છે."