1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સુરેશ ગવાણિયા|
Last Modified: મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (11:50 IST)

ગુજરાતની શાળામાં 'ગાંધીની આત્મહત્યા'નો સવાલ કેમ પૂછવામાં આવ્યો?

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની એક શાળામાં મહાત્મા ગાંધી અંગે પુછાયેલા સવાલથી વિવાદ થયો છે.

માણસાની સુફલામ શાળા વિકાસ સંકુલે તૈયાર કરેલા ધોરણ-9ના પ્રશ્નપત્રમાં 'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું' એવો સવાલ કરાયો હતો.

તો બીજો સવાલ ધોરણ-12ના પ્રશ્નપત્રમાં પુછાયો હતો. દારૂ અંગે પુછાયેલા આ સવાલથી પણ વિવાદ થયો છે.

અહીં નોંધનીય છે કે દેશમાં હાલમાં મહાત્મા ગાંધીની 150ની જયંતીની ઉજવણી થઈ રહી છે.

વડા પ્રધાન મોદી ગાંધીજીના જન્મદિવસે ગુજરાત આવ્યા હતા અને 'ગ્રામીણ ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત કર્યું' હોવાની જાહેરાત કરી હતી.
 

પેપરમાં શું સવાલ કરાયો હતો?



ગાંધીજી અંગેના આ સવાલના સ્ક્રીનશોટ્સ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

ધોરણ 9ના વિભાગ-A (ગદ્ય આધારિત)માં સવાલ કરાયો હતો કે 'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું?'

તો બીજો સવાલ ધોરણ-12ના પ્રશ્નપત્રમાં પુછાયો હતો.

એ સવાલ હતો કે 'તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસવડાને લખો.'

આવા સવાલ કોણે અને શા માટે પૂછ્યા છે એ અંગે ગાંધીનગર જિલ્લા અધિકારી ભરત વાઢેર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

તેમણે કહ્યું કે ધોરણ-9 અને ધોરણ-12માં જે સવાલ કરાયા છે એ મામલે તપાસ કરી રહ્યા છીએ. એક અધિકારીને આ મામલે તપાસ સોંપવામાં આવી છે.

"તપાસરિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કોણે આ સવાલ કર્યો છે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે."

તેમણે કહ્યું કે ગાંધીજીનો પાઠ પાઠ્યપુસ્તકમાં આપેલો છે. આથી તેને આધારે સવાલ પૂછ્યો હોઈ શકે છે, જોકે રિપોર્ટ આવ્યા પછી સાચી માહિતી મળી શકશે.

આવા સવાલ કેમ?
 



ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે કહ્યું, "અમે શાળાસંકુલને નોટિસ આપવાનું નક્કી કર્યું છે. આવા સવાલો અસંગત છે, એટલું જ નહીં પણ તે વિદ્યાર્થીઓના મનમાં નકારાત્મકતા પેદા કરે છે."

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ એજ્યુકેશન કૉલેજના પ્રિન્સિપાલ અશોક પટેલે કહ્યું કે આવા સવાલો ન પૂછવા જોઈએ.

તેમણે કહ્યું, "એક બાજુ સમાજ અને સરકાર વિદ્યાર્થીઓએ આપઘાત ન કરવા જોઈએ એ માટે જાગૃતિ ફેલાવી રહ્યાં છે ત્યારે આવા સવાલો કરીને આપણે પરોક્ષ રીતે વિદ્યાર્થીઓને આપઘાત કેવી રીતે કરી શકાય એ શીખવી રહ્યા છીએ."

"એવું પણ બની શકે કે કાલે ઊઠીને વિદ્યાર્થીઓ પણ એવું માનતા થઈ જાય કે ગાંધીજીએ આવો પ્રયત્ન કર્યો હતો એ ખોટું નથી. આથી આવા સવાલો ન પૂછવા જોઈએ."

આ પ્રશ્ન શિક્ષકનો પોતાનો છે કે પછી પાઠ્યપુસ્તકમાંથી લેવાયો છે એ મામલે તેઓ સરકારનું ધ્યાન દોરવાના છે.

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને જાણીતા ગાંધીવાદી-શિક્ષણશાસ્ત્રી સુદર્શન આયંગર સાથે પણ બીબીસી ગુજરાતીએ વાત કરી.

ગાંધીજી અંગેના આવા સવાલ પર તેમણે કહ્યું, "આ પ્રકારના સવાલ શિક્ષકોનું કથળતું ધોરણ અને તેમની અજ્ઞાનતા છતી કરે છે. અજ્ઞાનતાને કારણે તેઓ હત્યા અને આત્મહત્યાનો ભેદ સમજી શકતા નથી."

"આજના શિક્ષકોનું ધોરણ, તાલીમ, સ્તર એટલું નબળું છે કે એને પોતાને જ ખબર પડતી નથી. બીજું કે ગાંધીજી વિશે તો તેઓ તદ્દન અજાણ છે."

"શિક્ષકને ખબર જ નથી કે ગાંધીજીને ગોળીઓ દેવાઈ હતી. એને માત્ર ગાંધીજી વિશે પૂછવું હતું એટલે કે પૂછી નાખ્યું કે ગાંધીજીએ આત્મહત્યા માટે શું કરી."
 







  

તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી કે કોઈ ષડયંત્ર રચાતું હોય તેવું લાગી રહ્યું છે.

"આવા સવાલોથી ધીમેધીમે નવી પેઢીના મનમાં એવું ઠસાવવાની કોશિશ થઈ રહી છે કે ગાંધીજીની હત્યા તો થઈ જ નહોતી, ગાંધીજીએ તો આત્મહત્યા કરી હતી."

ગાંધીશિક્ષણ અને ગાંધીવિચાર અંગે વાત કરતાં સુદર્શન આયંગરે કહ્યું કે આજના સમયમાં ગાંધીજી વિશે ક્લાસરૂમમાં બહુ ઓછી વાત કે ચર્ચા થાય છે.

એકાદ રળ્યોખળ્યો પાઠ આવી જાય છે, પણ તેને શિક્ષકો બરાબર ચલાવતા નથી. ઘરમાં પણ આજે એવું વાતાવરણ રહ્યું નથી.

"હજુ આપણે ત્યાં શિક્ષકની એટલી વિશ્વસનીયતા તો છે કે શિક્ષકની વાત વિદ્યાર્થીઓ માને છે. એટલે જો આવા સવાલો પુછાય તો બાળક માનતું થઈ જાય કે ગાંધીજીએ આત્મહત્યા કરી હશે."

"આ સવાલથી બાળકના મનમાં એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે ગાંધીજી તો બહુ નિરાશ હતા."

"ગાંધીજીને કોઈ માનતું નહોતું. આથી તેમણે આત્મહત્યા કરવી પડી વગેરે વગેરે. સમય જતાં આવી વાત બાળકના મનમાં સત્ય બનીને ઊભરી આવે છે."
 

 

જાણીતા ગાંધીવાદી અને વિચારક પ્રકાશ ન. શાહે પણ આ સવાલ પર ચિંતા પ્રગટ કરી હતી.

તેમણે કહ્યું, "આપણા શૈક્ષણિક પરિસરો કંઈ હદે 'અધોઅધો ગંગયમ'ની અવદશા પામી રહ્યા છે તેના એક વિસ્મયકારકથી વધુ તો વિષાદપૂર્ણ નિદર્શન તરીકે આ પ્રશ્નને જોવો જોઈએ."

ગાંધીના ગુજરાતમાં ગાંધીજીની મહત્તા અંગે વાત કરતાં તેઓ કહે છે, "ગાંધીહત્યાને વધ તરીકે ઓળખાવવાનું અને ગમે તેમ પણ ગોડસે દેશભક્ત તો હતો જ, એવું પ્રતિપાદન કરવાનું જે વલણ આજે 'સૈંયા ભયે કોતવાલ'ના માહોલમાં મત્ત મ્હાલી રહ્યું છે."

અહીં એ વાત પણ નોંધવી રહી કે ગાંધીના હત્યારા ગોડસેનું મહિમામંડન કરવાની ઘટના દેશમાં છાશવારે ઘટતી રહે છે.

લોકસભાની ચૂંટણી-2019ના અંતિમ તબક્કાના મતદાન પહેલાં ભોપાલમાંથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગોડસેની ગણના દેશભક્તોમાં કરી હતી. જેને પગલે વિવાદ થયો હતો.

વિવાદ વકરતાં તેમણે આ મુદ્દે માફી માગી હતી. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ક્યારેય માફ ન કરવાની વાત કરી હતી.

30 જાન્યુઆરી, 2019ના રોજ હિંદુ મહાસભાએ ગાંધીનો મૃત્યુદિન અને ગોડસેનો 'શહીદીદિન' ઉજવ્યો હતો. મહાસભાનાં રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડે દ્વારા ઉત્તર પ્રદેશના અલીગઢમાં ગાંધીના પૂતળાને ગોળી મારવાનો વીડિયો સામે આવ્યો હતો.

મીડિયા અહેવાલો દ્વારા પાંડેએ મહાસભાના સભ્યોને મીઠાઈ પણ વહેચી હતી.

શાહ આ અંગે ઉમેરે છે, "આ બધું જોતાં આવતી કાલે એવો નવો ઇતિહાસ પણ રચવામાં આવી શકે કે ગાંધીજીની હત્યા થઈ નહોતી, પરંતુ એમણે પોતે 'રાષ્ટ્રવાદને કેવો અન્યાય કર્યો' એ વિચારે પ્રેરાઈને આત્મહત્યા કરી હતી."

ગાંધી અંગે આવા સવાલ પૂછવા પર તેઓ કહે છે, "આ પ્રશ્ન શિક્ષકને પક્ષે કાં તો અજ્ઞાનવશ કે પછી રુગ્ણ મનોદશામાંથી ઉદભવ્યો હોય એ શક્ય છે."

"દેખીતી રીતે આ પ્રકારની કમ અથવા ગલત સજ્જતા ધરાવતા શિક્ષકો હસ્તક બાળકોને થઈ શકતા નુકસાનનો ખ્યાલ ચિંતા જન્માવે છે."

ગાંધીજીની હત્યા
 

નોંધનીય છે કે 30 જાન્યુઆરી 1948ના રોજ હિંદુ રાષ્ટ્રવાદી નથુરામ ગોડસેએ દિલ્હીના બિરલા હાઉસ ખાતે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.

1947માં ભારતના ભાગલાને પરિણામે દેશમાં જન્મેલી સાંપ્રદાયિકતા દરમિયાન હિંદુઓને થયેલા નુકસાન માટે ગોડસે અને તેમના સાથીઓ ગાંધીજીને ગુનેગાર માનતા હતા.

હિંદુઓના ભોગે મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાનો પણ તેમણે ગાંધીજી પર આરોપ લગાવ્યો હતો.

ગાંધીજીની હત્યાને પગલે રાષ્ટ્રીય સ્વંય સેવકસંઘ (આરએસએસ) જેવાં દક્ષિણપંથી હિંદુ રાષ્ટ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકાયો હતો અને તેમના કેટલાય નેતાઓને જેલમાં મોકલી દેવાયા હતા.

 

અહીં એ વાત પણ નોંધવી રહી કે આરએસએસ એ શાસક પક્ષ ભાજપનો મૂળ વૈચારિક સ્રોત છે.
 

ગુજરાત, ગાંધી અને દારૂબંધી

શાળાના વિવાદ પર પરત ફરીએ તો માણસાની સુફલામ શાળાના ધોરણ-12ના પ્રશ્નપત્રમાં દારૂ અંગે પણ સવાલ પુછાયો હતો.

પ્રશ્નપત્રમાં 'તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસવડાને લખો' એવું પુછાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ અંગેના આ સવાલથી પણ વિવાદ થયો છે.

અગાઉ રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ગુજરાતની દારૂબંધીને લઈને એક નિવેદન આપ્યું હતું અને બાદમાં હંગામો થયો હતો.

અશોક ગેહલોતના નિવેદન બાદ ગુજરાતના વિજય રૂપાણીએ ગેહલોતને માફી માગવા કહ્યું હતું.

ગેહલોતે કહ્યું હતું, "હું ગુજરાતમાં એક વર્ષ સુધી હતો. અહીં છેક આઝાદીથી દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂનું ભારે સેવન કરાય છે. આ મહાત્મા ગાંધીના ગુજરાતની સ્થિતિ છે."