સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (15:05 IST)

સ્વ.વિક્રમ સારાભાઇની સ્મૃતિમાં રાજ્યભરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર: અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે જેમણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે તેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાની સ્વ. વિક્રમ સારાભાઈની ચાલુ વર્ષે જન્મ શતાબ્દી ચાલી રહી છે ત્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન શ્રી વિક્રમ સારાભાઈના નામ અને તેમની યાદમાં સમગ્ર રાજ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
સ્વ. વિક્રમ સારાભાઈના જન્મદિન ૧૨ ઓગસ્ટ-૨૦૧૯થી નિર્વાણ દિન ૩૦ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સ્વ. વિક્રમ સારાભાઈની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. વિવિધ પ્રકારના વિજ્ઞાન આધારિત કાર્યક્રમોના આયોજન માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં તથા શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અને અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કાર્યક્રમોની વિચારણા કરવા બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં કરાયેલી ચર્ચા-વિચારણા મુજબ ધોરણ ૧ થી શરૂ કરી યુનિવર્સિટી કક્ષાએ સ્વ. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં વિવિધ પ્રકારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન આગામી દિવસોમાં કરાશે. 
આગામી દિવસોમાં કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું તે અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા આજની બેઠકમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળા-કોલેજમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, સ્વ. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં વિવિધ પ્રકારના વિજ્ઞાન મેળાઓ તથા વિજ્ઞાન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની ફેલોશિપ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. સ્વ. વિક્રમ સારાભાઈએ ગુજરાત યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો તેનું આજે ગુજરાત યુનિવર્સિટી પણ ગૌરવ અનુભવે છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી પણ સ્વ. વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં અનેક પ્રકારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનાર છે. 
 
બેઠકમાં જે કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે કાર્યક્રમોને આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા વિચારણા કરીને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા, શિક્ષણ સચિવ વિનોદ રાવ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ,  ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના કુલપતિ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારના કાર્યક્રમો અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા.