શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: સોમવાર, 30 જાન્યુઆરી 2017 (16:32 IST)

ગુજરાતના આગામી બજેટમાં ઈ-કોમર્સ ઉપર ટેક્સ નાખવાની જાહેરાતનું સુરસુરિયું

રાજ્ય સરકારે પાછલાં વર્ષે બજેટ રજૂ કરતા સમયે ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી. એટલે કે ઓનલાઇન ખરીદી કરતા સમયે એન્ટ્રી ટેક્સ નાખવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ત્યાર બાદ કઇ કોમોડિટી પર કેટલો અને કેવી રીતે ટેક્સ લેવામાં આવશે તે અંગેની સમગ્ર પ્રોસિજર કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારીઓ કરી દેવાઇ હતી, પરંતુ કેટલાક ઇશ્યૂને લઇને વિવાદ ઊભો થતાં એક વર્ષ વીતી ગયું હોવા છતાં ઇ-કોમર્સ કંપનીઓ પર લાદવાની જાહેરાતનું સૂરસૂરિયું થઇ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે.
વેટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હાલ વેટના જે કાયદા છે અને તેમાં ટેક્સ લાદવાની જે જોગવાઇ છે તે અંતર્ગત ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ લેવાની સરકારની જે દરખાસ્ત હતી તે સુસંગત નથી અને તેના કારણે બજેટમાં જાહેરાત કરાઇ હોવા છતાં પણ એક વર્ષનું વહાણું વીતી ગયું છતાં દરખાસ્તને અમલી બનાવી શકાઇ નથી. આ અંગે બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીશ ઈશાનીના જણાવ્યા પ્રમાણે સરકારે પાછલાં વર્ષે ઇ-કોમર્સ કંપનીઓ પર ટેક્સ નાખવાની દરખાસ્ત કરી હતી, પરંતુ કાયદાકીય જોગવાઇ અમલી નહીં બનાવી શકવાના કારણે એક વર્ષ થયું હોવા છતાં ઓનલાઇન પર્ચેઝિંગ પર ટેક્સ લાદવાની યોજના પર અમલવારી થઇ શકી નથી.

નોંધનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિત અન્ય ચીજવસ્તુઓમાં વેટના દર ઊંચા હોવાના કારણે ઓનલાઈન મોબાઇલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓનું વેચાણ રાજ્યમાં ઊંચું થાય છે અને તેના કારણે રિટેલર્સને ભારે નુકસાન જાય છે અને તેથી ઓનલાઇન પર્ચેઝિંગ પર ટેક્સ નાખવાની પાછલાં કેટલાય સમયથી સ્થાનિક રિટેલર્સ માગ કરી રહ્યા હતા