શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By Author ડૉ હૃષીકેશ પાઈ|
Last Modified: સોમવાર, 3 જાન્યુઆરી 2022 (16:49 IST)

Woman Care - બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છો? તો જાણી લો કે તમારે બ્લડ સુગરની ચકાસણી શા માટે કરાવવી જોઈએ

એક તરફ દુનિયા અભૂતપૂર્વ વૈશ્વિક મહામારી અને તેના કારણે છેલ્લા બે વર્ષમાં ઊભી થયેલી તાકીદની સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. કમનસીબે, આ સમયગાળા દરમિયાન પહેલેથી અસ્તિત્વમાં હોય એવી લાંબા ગાળાની સમસ્યાઓ, જે  વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય પર અસર પાડે અથવા તેને બગાડવામાં સૌથી મોટો ફાળો આપતી હોય છે, તેના પરથી ધ્યાન સદંતર હટી રહ્યું છે. આમ, આના કારણે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ આપણા પર ઝળુંબી રહ્યું છે.

આવી બીમારીઓની યાદીમાં ડાયાબિટિસ ટોચ પર છે અને ઉચ્ચ ડાયાબિટિક લોકસંખ્યા સાથે ભારત ટોચના ત્રણ દેશોમાં છે (લાન્સેન્ટનો અહેવાલ). ઈન્ટરનેશનલ ડાયાબિટિસ ફેડરેશન (આઈડીએફ) અનુસાર, ભારતમાં 20-70 વર્ષના વય જૂથમાં ડાયાબિટિસના અંદાજિત કેસ 2015માં આશરે સાત કરોડ જેટલા હતા. વળી, આ આંકડો ચોંકાવનારી ગતિએ આગળ વધવાનું ચાલુ રહ્યું હોવાનું જોવા મળે છે.  આનો અર્થ થાય છે કે, ડાયાબિટિસ ભારતની વસ્તીના બહુ મોટા હિસ્સાને અસર કરે છે, ખાસ કરી ને એવા લોકોને જેઓ પુનરુત્પત્તિના વય જૂથમાં આવે છે.

ખરાબ સમાચાર એ છે કે, ડાયાબિટિસ સ્ત્રી અને પુરુષ બંનેની ફળદ્રુપતા અને પ્રજનન સંબંધી સ્વાસ્થ્ય પર અવળી અસર કરી શકે છે.

આથી, તમે જો પુનરુત્પાદનના આ વયજૂથમાં હો, અથવા સંતાન પ્રાપ્તિ માટેના તમારા પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હોય, તો એક સાદા બ્લડ ટેસ્ટ દ્વારા તમારા લોહીમાંની શર્કરાનું પ્રમાણ ચેક કરાવી લેવું જોઈએ.

ડાયાબિટિસ વિશે તમારે આ બધું જાણવું જોઈએ

એક સ્વસ્થ શરીર શર્કરા, સ્ટાર્ચ તથા અન્ય આહારને ઊર્જામાં બદલવા માટે ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. જો કે, પૅન્ક્રિયાસમાં ઘણીવાર પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિનનું ઉત્પાદન થતું નથી, જેનો અર્થ થાય છે સાકર અથવા ગ્લુકૉઝનું શરીરમાં રહી જવું- જેના કારણે લોહીમાં સાકરનું પ્રમાણ ઊંચું થઈ જાય છે. લાંબા સમયગાળા સુધી લોહીમાં શર્કરા ઊંચા પ્રમાણમાં રહે તો તેના કારણે ડાયાબિટિસ થઈ શકે છે. આ પરિસ્થિતિને સારવાર વિના જ રાખવામાં આવે તો તેના પગલે જીવનને બદલી નાખનારાં અને ક્યારેક જીવન સામે ગંભીર પડકાર ઊભા કરનારાં પરિણામો આવી શકે છે.

ડાયાબિટિસના અનેક પ્રકાર છે, જે કોઈપણ ઉંમરમાં થઈ શકે છે – આથી તેના લક્ષણો પર નજર રાખવું એ અત્યંત મહત્વની બાબત છે.

ટાઈપ 1 ડાયાબિટિસ એ એવો પ્રકાર છે જેમાં તમારૂં રોગ પ્રતિરક્ષા તંત્ર ઈન્સ્યુલિનનું ઉત્પાદન કરતા તમારા પૅન્ક્રિયાસમાંના કોષો પર હુમલો કરી તેનો નાશ કરે છે. આ પ્રકારનું નિદાન સામાન્યપણે બાળકો તથા કિશોરોમાં થતું હોય છે તથા આવી વ્યક્તિને દરરોજ ઈન્સ્યુલિનનો ડૉઝ લેવાની જરૂર પડે છે.

ટાઈપ ટુ ડાયાબિટિસમાં તમારૂં શરીર ઈન્સ્યુલિનનું ઉત્પાદન અથવા તેનો ઉપયોગ યોગ્ય રીતે કરતું નથી. આ પ્રકાર આધેડ વયના અને વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે.

ગેસ્ટેસ્ટેશનલ ડાયાબિટિસ કેટલીક સ્ત્રીઓમાં તેઓ ગર્ભવતી હોય ત્યારે વિકસે છે, અને મોટા ભાગે શિશુના જન્મ બાદ આ સમસ્યા દૂર થઈ જાય છે. જો કે, આવી સ્ત્રીઓને આગળ જતાં ટાઈપ 2 ડાયાબાટિસ થવાનું જોખમ વધી જાય છે.
એ નોંધવું મહત્વનું છે કે, ડાયાબિટિસના પહેલા બે પ્રકાર ફળદ્રુપતા પર અથવા ગર્ભવતી થવા માટેની શરીરની સ્થિરતાને અસર કરી શકે છે. પણ ગેસ્ટેશનલ ડાયાબિટિસની અસર તો ગર્ભાવસ્થા પર પણ થઈ શકે છે.
 
તમારે ચિંતા કરવાની જરૂર ખરી?
તમે માતા-પિતા બનવાની યોજના બનાવી રહ્યા હો અથવા ઘણા લાંબા સમયથી ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવા માટેના પ્રયાસ કરી રહ્યા હો અને અત્યાર સુધી તેમાં તમે નિષ્ફળ રહ્યા હો તો, એક સરળ બ્લડ ટેસ્ટ તમારી સમસ્યા પરથી પરદો ઊંચકી શકે છે. બહુ ઓછા લોકોએ એ વાતને લઈને સજાગ છે કે, ડાયાબિટિસ પુરુષની ફળદ્રુપતાની સાથે સ્ત્રીની ફળદ્રુપતા પર પણ અસર પાડે છે, અને સંતાન માટેની તમારી યોજનાને લાંબા સમય સુધી અદ્ધરતાલ કરી શકે છે.

ડાયાબિટસ પુરુષના જાતીય સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે, આ સાથે જ તેમની ફળદ્રુપતાની સંભાવનાઓ પર પણ આનાથી સીધી અસર પડે છે. ડાયાબિટિસની સમસ્યા ધરાવતા 50 ટકા પુરુષો ઉત્થાન સંબંધી સમસ્યાઓથી પીડાતા હોય છે. ડાયાબિટિસને કારણે પૂર્વવર્તી સ્ખલન (રેટ્રોગ્રૅડ ઈજેક્યુલેશન) પણ થઈ શકે છે.

ડાયાબાટિસ ટેસ્ટોસ્ટેરોનના ઉત્પાદન પર અસર તરી શકે છે અને વીર્યની ગુણવત્તામાં ઘટાડો કરી શકે છે. આ બાબત ચોક્કસપણે ચિંતા કરાવનારી છે કેમ કે ડાયાબિટિસને કારણે ડીએનએનું ઉચ્ચ પ્રમાણમાં વિભાજન થવાથી વીર્યના ડીએનએને નુકસાન પહોંચી શકે છે. આવા વિભાજીત ડીએનએ ધરાવતા વીર્યથી ફલિત થનારા ઈંડાનું સ્વસ્થ ગર્ભમાં પરિવર્તિત થવાની શક્યતા બહુ ઓછી હોય છે. આના કારણે ગર્ભાશયમાં તેનું રોપણ થવાની સંભાવના પર અસર પડે છે અને તેના કારણે સ્વયંસ્ફુરિત ગર્ભપાતોની ઘટનાઓમાં વધારો થાય છે. આ બધા બાબતો આઈવીએફ પ્રક્રિયાઓની સફળતા પર પણ અસર પાડી શકે છે.
અનેક સ્ત્રીઓને તેમના પુનરુત્પાદનના વર્ષો દરમિયાન ટાઈપ 2 ડાયાબિટિસ અથવા ગેસ્ટેશનલ ડાયાબિટિસ હોવાથી, સ્ત્રીઓને આ બાબતે ચિંતા થવી જોઈએ અને પોતાના રક્તમાંની સાકરનું સ્તર ચેક કરવા માટે તેમણે સક્રિય પગલાં લેવાં જોઈએ. 1980થી 2014ની વચ્ચે ભારતમાં સ્ત્રીઓમાં ડાયાબિટિસના ફેલાવાના પ્રમાણમાં 80 ટકાનો વધારો થયો છે (લાન્સેન્ટ અભ્યાસ). તો, ટાઈપ 1 ડાયાબિટિસથી પીડાતી સ્ત્રીઓમાં અનિયમિત માસિક ચક્ર સામાન્યપણે જોવા મળતી સમસ્યા છે, તો ટાઈપ 2 ડાયાબિટિસથી પીડાતી મહિલાઓમાં પીસીઓએસ (પૉલીસીસ્ટિક ઑવેરિયન સીન્ડ્રૉમ) અને સ્થૂળતા જેવી સમસ્યાઓ જોવા મળે છે. અનિયંત્રિત ડાયાબિટિસ સ્ત્રીઓ માટે ગર્ભાશય સંબંધી સમસ્યાઓનું જોખમ વધારી મૂકે છે અને સર્વાઈકલ અને ગુપ્તાંગ સંબંધી ચેપની શક્યતા પણ વધી જાય છે. ડાયાબિટિસને કારણે ગર્ભવતી માતાઓમાં કસુવાવડ અને મૃત શિશુનું જન્મવું, જન્મજાત ખોડખાંપણ તથા નવજાત ગુંચવણો ધરાવતા શિશુઓ જન્મી શકે છે.

ડાયાબિટિસ અને ગર્ભાવસ્થા
સદનસીબે, ડાયાબિટિસ લાંબા ગાળાની સમસ્યા હોવા છતાં કેટલાક સરળ પગલાંથી તેનું વ્યવસ્થાપન સારી રીતે કરી શકાય છે. ડાયાબિટિસના વ્યવસ્થાપનની સૌથી મહત્વની અને ચાવીરૂપ બાબત એટલે પોષક અને સ્વસ્થ આહાર તથા નિયમિત કસરત. તમારી બ્લડ સુગરના સ્તર પર નિયમિત નજર રાખો અને ઈન્જેક્શન કે પમ્પ વાટે મેટફોરમિન અને ઈન્સ્યુલિન જેવી મોઢાથી લેવાની દવાઓ માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
તમને ટાઈપ 1 અથવા 2 ડાયાબિટિસ થયું હોવાનું નિદાન કરવામાં આવ્યું હોય, અને તમે સંતાન માટે પ્લાનિંગ કરી રહ્યા હો, તો કેટલાંક પગલાં છે જેને અનુસરી ને તમે એ વાતની ખાતરી કરી શકો છો કે તમે ગર્ભધારણ કરવા સાથે ગર્ભાવસ્થાને તેના પૂર્ણ સમયગાળા સુધી લઈ જઈ શકશો. ડાયાબિટિસ સાથે સ્વસ્થ ગર્ભાવસ્થા ચોક્કસપણે સંભવ છે, પણ એના માટે તમારે થોડા વધુ સજાગ રહેવું પડશે.

તમારા ડૉક્ટર સાથે વાત કરો, જે તમને વંધ્યત્વ નિષ્ણાત અથવા પ્રી-કન્સેપ્શન કૅર ટીમની ભલામણ કરી શકે છે. સામાન્યપણે, ડાયાબિટિસના વ્યવસ્થાપનનાં સરળ પગલાં ફળદ્રુપતાનું પુનર્સ્થાપન કરે છે. જો આવું ન થાય તો તમે ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન સાથે ઈન્ટ્રાસાયટોપ્લાઝ્મિક સ્પર્મ ઈન્જેક્શન (આઈવીએફ વત્તા આઈસીએસઆઈ) જેવા વિકલ્પો પર વિચાર કરી શકો છો.

ગ્લુકૉઝના સ્તર પર નિયંત્રણ રાખવું અને તેને સામાન્ય રેન્જમાં લાવવાના પ્રયાસો ગર્ભાવસ્થાની શક્યતાઓ વધારવા સાથે કસુવાવડ, મૃત શિશુનું જન્મવું અને જન્મજાત ખોડખાંપણના જોખમોમાં ઘટાડો કરે છે. શરીર ગ્લુકૉઝનો ઉપયોગ કઈ રીતે કરે છે એ બાબતને ગર્ભાવસ્થા સદંતર બદલી નાખે છે, આથી ડાયાબિટિસ માટેની તમારી સારવારમાં પણ ફેરફારની જરૂર પડી શકે છે. આથી બ્લડ સુગર સ્તર પર નજર રાખવાનું મહત્વ પણ વધી જાય છે. છેલ્લું પણ સૌથી મહત્વનું એટલે, ડાયાબિટિસની સમસ્યાને પહોંચી વળવા માટે લાંબા ગાળાના જીવનશૈલી પરિવર્તનો કરવાની જરૂર પડે છે. તંદુરસ્ત આહાર અને વજનનું સંચાલન, નિયમિત વ્યાયામ, તંબાકુ છોડવું તથા તાણમાં ઘટાડો કરવો જેવાં પગલાં તમને તમારી શ્રેષ્ઠ આવૃત્તિ બનવામાં મદદ કરશે અને બાળકના પ્લાનિંગ, ગર્ભાવસ્થા અને તમારા શિશુના જન્મ બાદ પણ તમને મદદરૂપ થશે. સારૂં સ્વાસ્થ્ય તમને અને તમારા સંતાનને આખી જિંદગી કામ આવશે.