બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2020 (14:53 IST)

લંડનની ફ્લાઇટમાં બેસવાની મિનિટો અગાઉ જ મુસાફરનું અમદાવાદ એરપોર્ટ ખાતે મૃત્યુ

સમયના ગર્ભમાં શું છુપાયેલું હોય છે તે આજ સુધી કોઇ પણ પારખી શક્યું નથી. કોઇ પણ વ્યક્તિ માત્ર સમયની કઠપૂતળી જ છે. સમય દ્વારા જ એવા ખેલ ખેલાતા હોય છે કે વ્યક્તિ જવા ક્યાંક માગતી હોય અને તે બીજે જ ક્યાંક પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બન્યો હતો. જેમાં વૃદ્ધ મુસાફરના લંડનની ફ્લાઇટમાં બેસવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ તેમના જીવનની આખરી ઘડીઓ ગણાઇ અને એરપોર્ટમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકો માટે બ્રિટન દ્વારા સ્પેશિયલ ફ્લાઇટ શરૃ કરવામાં આવી છે. જેમાં આજે બપોરે ૩:૩૦ કલાકે અમદાવાદથી લંડનની પ્રથમ ફ્લાઇટ રવાના થઇ હતી. આ ફ્લાઇટમાં મૂળ ગુજરાતી એવા ૭૭ વર્ષીય વલી મુસા પણ પત્ની અને પુત્ર સાથે મુસાફરી કરી રહ્યા હતા. અન્ય ૨૬૫ મુસાફરો જેમ વલી મુસાએ હેલ્થ ચેક અપ બાદ સિક્યુરિટી ચેક સહિતની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી અને તેઓ બપોરે ૧ઃ૫૦ના પેસેન્જર વેઇટિંગ એરિયા તરફ જઇ જ રહ્યા હતા. એ વખતે તેઓ કદાચ એવું વિચારતા હશે કે લોકડાઉન વચ્ચે આખરે ઘણા મહિના બાદ લંડન પહોંચવા મળશે. પરંતુ સમય તેના શતરંજમાં અણધારી ચાલ ચાલવા જઇ રહ્યું હતું. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમણે તેઓ હજુ પેસેન્જર વેઇટિંગ એરિયા તરફ પહોંચે એ અગાઉ જ સૌપ્રથમ લો સુગર-હાઇ બ્લડ પ્રેશરને ને લીધે તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને તેના લીધે ધીરે-ધીરે સ્વાસ્થ્ય નાદુરસ્ત થવા લાગ્યું હતું. આ પછી એરપોર્ટની મેડિકલ ટીમ દ્વારા તેમને ફર્સ્ટ એઇડ, સીપીઆર આપવામાં આવ્યું હતું. જોકે, ખાસ ફરક નહીં પડતાં ૧૦૮ બોલાવવામાં આવી હતી જ્યાંથી તેમને એપોલો હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ હોસ્પિટલ પહોંચે એ અગાઉ જ મૃત્યુ પામ્યા હતા. તેમની સાથે મુસાફરી કરી રહેલા પત્ની અને યુવાન પુત્રને માથે આભ તૂટી પડયું હતું.