મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 5 માર્ચ 2020 (11:00 IST)

કોરોના વાયરસ - તમારા બાળકોને આ રીતે બચાવશો આ મહામારીથી

કોરોના વાઇરસના સંક્રમણ બાબતે અનેક ડરામણા સમાચાર આવી રહ્યા છે. એ બાબતે લોકો ચિંતિત છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ સંકટ બાબતે માતાપિતા તેમનાં બાળકો સાથે શું વાત કરી શકે તેનાં કેટલાંક સૂચન પ્રસ્તુત છે. આ સૂચનને વાલીઓ અજમાવી શકે છે. કોરોના વાઇરસનો ચેપ વિશ્વના નવા-નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હોવાના સમાચાર રોજ આવી રહ્યા છે. એ કારણે દુનિયામાં અનેક લોકો આ બીમારીના જોખમથી ચિંતિત છે. તેમાં બાળકો પણ સામેલ છે.
 
મુશ્કેલીના સમયમાં સાચી સલાહ તથા મદદ માટે બાળકો તેમનાં માતાપિતા તરફ આશાભરી નજરે નિહાળતા હોય છે. તમારાં બાળકો પણ આ વાઇરસના સંક્રમણ સંબંધે ચિંતિત હોય તો તમે તેમની સાથે કેવી રીતે વાત કરશો? 
 
બાળકોને આત્મવિશ્વાસ આપો
 
બ્રિટનનાં ફેમિલી ડૉક્ટર પૂનમ કૃષ્ણન છ વર્ષીય એક પુત્રની માતા પણ છે. 
બીબીસી રેડિયો સ્કોટલૅન્ડ સાથે વાત કરતાં ડૉ. પૂનમે કહ્યું હતું, "તમારે તમારાં બાળકોની ચિંતા દૂર કરવી પડશે. કોરોના વાઇરસ શરદી-ખાંસી કે અતિસાર અને ઊલટી વખતે હુમલો કરતા વાઇરસ જેવો જ વાઇરસ છે, એ વાત તમારે બાળકોને જણાવવી પડશે."
 
ડૉ. પૂનમ માને છે કે વાલીઓએ તેમનાં બાળકો સાથે આ મુદ્દે "મોકળાશથી પ્રામાણિકતાપૂર્વક વાત કરવી જોઈએ. હું પણ મારા દીકરા સાથે આ વિશે વાત કરી રહી છું. એ ઉપરાંત જે વાલીઓ મારી પાસે ઇલાજ માટે આવે છે તેમને પણ એવું કરવા પ્રેરિત કરું છું."
 
બાળકોના મનોચિકિત્સક ડૉ. રિચર્ડ વૂલ્ફસન માને છે કે કોરોના વાઇરસ જેના દરેક મોટા વિષય બાબતે બાળકો સાથે કેવી રીતે વાત કરવી તેનો આધાર બાળકની વય પર છે.
 
ડૉ. વૂલ્ફસને કહ્યું હતું, "નાનાં બાળકો, ખાસ કરીને છ કે સાત વર્ષથી ઓછી વયનાં બાળકો તેમની આસપાસના મુદ્દાઓ બાબતે થતી ચર્ચાથી ચીડાઈ જાય છે, કારણ કે તેમનાં માતાપિતા પણ તેની જ ચર્ચા કરતાં હોય છે."
 
"બાળકો માટે આ બધું બહુ ડરામણું સાબિત થઈ શકે છે," એવું જણાવતાં ડૉ. વૂલ્ફસન એવી સલાહ આપે છે છે કે સૌથી પહેલાં તો બાળકોને આશ્વાસન આપો.
 
"શું થવાનું છે એ તમે જાણતા નથી, પણ બાળકોને એ જણાવો કે તેઓ સલામત રહેશે. બધા સલામત રહેશે. કેટલાક લોકો જ બીમાર પડશે. મોટા ભાગના લોકોને કશું નહીં થાય."
 
વ્યાવહારિક પગલાં શું હોઈ શકે?
 
દક્ષિણ કોરિયામાં દવા છાંટતાં સૈનિકો, અહીં મોટા પાયે વાઇરસ ફેલાયો છે  ડૉ. વૂલ્ફસને ઉમેરે છે, "તમારાં સંતાનને ચેપ લાગશે કે નહીં એ તમે જાણતા નથી, પણ તમે આશાવાદી રહો એ સારું છે. કારણ વગર ચિંતા ન કરો. બાળકોને માત્ર ભરોસો આપવાથી કામ નહીં ચાલે. તમારે તેમને સશક્ત પણ બનાવવાં પડશે."
 
ડૉ. વૂલ્ફસનના જણાવ્યા મુજબ, બાળકોને સશક્ત બનાવવાનો અર્થ એ છે કે જીવાણુનો ચેપ લાગવાના જોખમને ટાળી શકાય તેવાં પગલાં લેવાં બાબતે બાળકોને માહિતગાર કરવાં. એવાં પગલાં પોતે લઈ શકે છે તેનો અહેસાસ પણ બાળકને કરાવવો જોઈએ.
 
ડૉ. વૂલ્ફસન કહે છે, "પોતાને અને આપણને પણ સ્વસ્થ રાખી શકે એવાં કામ કરવા બાબતે બાળકોને માહિતી આપવી જોઈએ. તેમાં પોતાના હાથ નિયમિત રીતે સ્વચ્છ રાખવાનો અને ખાંસતી વખતે મોં પર રૂમાલ રાખવા વગેરેનો સમાવેશ થાય છે."
 
કોરોના વાઇરસનો ચેપ કેવી રીતે લાગે છે?
 
આ સૂચન સાથે સહમત થતાં ડૉ. પૂનમ સલાહ આપે છે, "ચેપ લાગવાથી બચવા માટે નિયમિત રીતે સ્વચ્છતા જાળવવાની શિખામણ બાળકોને આપતા રહેવું જોઈએ. પોતાના હાથ કઈ રીતે સાફ રાખવા એ પણ બાળકોને જણાવવું જોઈએ."
 
ડૉ. વૂલ્ફસન કહે છે, "આ જણાવવાથી બાળકોને તેઓ જાતે કરી શકે એવાં કેટલાંક કામની ખબર પડશે. કંઈ નહીં કરવાની સલાહ બાળકોને આપવી એ યોગ્ય નથી."
 
બાળકોને આ રીતે ભરોસો બંધાવવાથી અને બચાવના નુસખા જણાવવાથી તેમને સમજાશે કે આ બીમારીથી ખુદને તથા પરિવારને બચાવવા માટે તેઓ શું-શું કરી શકે છે. આવાં જોખમ બાબતે બાળકો સાથે વાત કરવાની આ સૌથી સાચી રીત છે.
 
બચાવ કેવી રીતે કરવો?
 
બાળકોને માત્ર સ્વચ્છતાના પાઠ ભણાવવાથી તેમની બધી ચિંતા દૂર થવાની નથી.
 
નાનાં બાળકોમાં કુદરતી રીતે જ પારાવાર કુતૂહલ હોય છે. તેઓ સવાલો પૂછતા રહે છે. તેઓ ચીજોને સ્પર્શ કરે છે અને ખાણીપીણી બીજા લોકો સાથે શૅર કરતાં હોય છે.
 
તેનો અર્થ સમજાવતાં ડૉ. પૂનમ કહે છે, "સામાન્ય રીતે બાળકો ચેપના ફેલાવાનું બહુ મોટું માધ્યમ હોય છે અને આપણે તેમને શરૂઆતથી જ આ મહત્ત્વના પાઠ ભણાવતા રહેવું જોઈએ."
 
બાળકોને સાફસફાઈની અસરકારક રીતો જણાવતા રહેવાથી તમે સમગ્ર સમુદાયની સલામતીમાં યોગદાન આપી શકો છે.
 
બાળકોને ફેક ન્યૂઝથી બચાવો
 
ડૉ. વૂલ્ફસનના જણાવ્યા મુજબ, બાળકોની ચિંતા વધારવાનું સૌથી મોટું માધ્યમ તેમનાં માતાપિતા જ હોઈ શકે છે.
 
ડૉ. વૂલ્ફસન કહે છે, "સામાન્ય રીતે નાનાં બાળકો તેમનાં માતાપિતાથી પ્રભાવિત હોય છે એવું હું સ્પષ્ટપણે માનું છું અને પોતાનાં માતાપિતા ચિંતાતુર છે એવું બાળકો જુએ અને તેઓ માતાપિતાને તેમના દોસ્તો વિશે ચિંતાભરી વાતો કરતાં સાંભળે તો એ કારણસર બાળકો પરેશાન થઈ જાય છે."
 
બાળકો આસપાસ હોય ત્યારે માતાપિતાએ એકદમ સાવચેતીભર્યું વર્તન કરવું જોઈએ. અલબત્ત, સ્કૂલમાં જે થાય છે તેના પર તેમનું નિયંત્રણ હોતું નથી.
 
એ સંદર્ભે ડૉ. વૂલ્ફસન કહે છે, "સ્કૂલોમાં જાતજાતની વાતો થતી હોય છે. મારાં પૌત્ર અને પૌત્રીઓની વય 12, 10 અને 8 વર્ષની છે."
 
"એમના પૈકીના એકે મને જણાવ્યું હતું કે ક્યાંક ગયેલો વિદ્યાર્થી અમારી સ્કૂલમાં આવ્યો હતો અને સ્કૂલે આવ્યો ત્યારે તેને પાછા જવાનું જણાવવામાં આવ્યું હોવાની વાત તેમણે સાંભળી છે અને આ રીતે બધાને બીમારી લાગુ પડી ગઈ છે."
 
આ ઘટના પરથી સમજાય છે કે ખોટી વાતો કેટલી ઝડપથી ફેલાય છે. તેથી બાળકોને સલામત રહેવાનું આશ્વાસન આપવામાં આવે એ અને તેમની ચિંતા બાબતે ઈમાનદારીથી વાત કરવી જરૂરી છે.
 
કિશોર વયનાં બાળકો સાથે કેવી રીતે સંવાદ કરવો?
 
કોઈ ચેપી રોગ બાબતે કિશોર વયનાં બાળકો સાથે વાત કરવાની રીત અલગ હોય છે, કારણ કે તેઓ દુનિયાના સમાચાર માટે તેમનાં માતાપિતા પર ઓછો આધાર રાખતા હોય છે.
તેમને મોટા ભાગની માહિતી તેમના દોસ્તો પાસેથી મળતી હોય છે.
 
ડૉ. વૂલ્ફસન કહે છે, "કિશોર વયનાં બાળકો પાસે માહિતીનું પોતાનું અલગ નેટવર્ક હોય છે. તેઓ તેમના સમવયસ્ક સાથીઓ પર વધારે નિર્ભર હોય છે. જોકે, કિશોરવયનાં બાળકોની મુશ્કેલી એ છે કે તેઓ વધારે પડતા વ્યાવહારિક હોય છે."
 
"બધું ઠીકઠાક છે, ચિંતાનું કોઈ કારણ નથી એવું 14 વર્ષના બાળકને કહી દેવાથી વાત પૂરી નહીં થાય, કારણ કે તમે તેમને આવું કહેશો તો તેઓ એવું કહેશે કે તમને તો કંઈ ખબર જ નથી."
 
તેથી કિશોર વયનાં બાળકો સાથે વાતચીતમાં મુશ્કેલી પડે છે. તેઓ તમારી દરેક વાતને સરળતાથી સ્વીકારી લેતા નથી.
 
જોકે ડૉ. વૂલ્ફસન કહે છે, "એક વાત બધાં બાળકોને લાગુ પડે છે કે તમે તેમના માટે કેવો માહોલ તૈયાર કરો છે તેના પર મોટો આધાર હોય છે."
 
"તમારે બાળકોને એટલી છૂટ આપવી જોઈએ કે જેમાં તેમને તેમના મનની દરેક વાત મોકળાશથી કહી શકવાની આઝાદી હોય."