રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 28 મે 2020 (11:18 IST)

મુંબઈમાં અમદાવાદ કરતાં ત્રણ ગણા એક્ટિવ કેસ, અમદાવાદ ૧૦ હજાર, મુંબઈમાં ૩૨ હજાર

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે સરકાર અને વહિવટીતંત્રના પ્રયત્નોને લઇને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ દ્વારા સરકારની મંશા અને કામગીરી પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે કોરોનામાં ગુજરાતની જનતા ભગવાન ભરોસે છે. તેમના નિવેદનને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સત્યથી વેગળા અને હકીકતોથી જોજનો દૂરના નિવેદન ગણાવ્યા છે.તેમણે આવા જૂઠાણા ભર્યા નિવેદનો અંગેની શક્તિસિંહ ગોહિલની જૂની માનસિકતાની યાદ અપાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, શક્તિસિંહ ગુજરાતને બદનામ કરવાની માનસિકતામાંથી બહાર આવે.
 
ગૃહ રાજ્યમત્રીએ શક્તિસિંહ ગોહિલને એવા વેધક સવાલ કર્યો છે કે, તેમને મુંબઈનો અને મહારાષ્ટ્રનો બચાવ કરવાનો રાગ આલાપવાની ફરજ એટલે પડી લાગે છે કે, રાષ્ટ્રીય રાજકારણમાં તમારો કોઈ ગજ વાગતો નથી તો મહારાષ્ટ્રમાં યુતિ સરકારમાં હવે પગપેસારો કરવાની મૂરાદ છે? શક્તિસિંહજી જે આંકડાઓની ભ્રમજાળ રચીને કોરોના અંગે ગુજરાતને - ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકારને બદનામ કરવાની પેરવી કરે છે તેમણે આંકડાઓની સત્યતા જોઈ તપાસીને નિવેદન કર્યું હોત તો આપોઆપ દુધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાત.
 
ગુજરાતને બદનામ કરવાની શક્તિસિંહની નકારાત્મક માનસિકતા લોકો સારી પેઠે ઓળખે છે અને એટલે જ તમને ત્રણ ત્રણ વાર આ જનતા જનાર્દને માપી લીધા છે. તેમણે કહ્યું કે, શક્તિસિંહ ગોહિલ મુંબઈ જેવા મહાનગર સાથે અમદાવાદની કોરોના સ્થિતિની તુલના કરે છે પરંતુ આંકડાઓની માયાજળ ઊભી કરવામાં થાપ ખાઈ ગયા છે ને ખોટે ખોટા આંકડાઓ આપી પ્રજા માનસમાં છવાઈ જવાના હવાતીયાં મારે છે.
 
મુંબઈમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતી વિકટ છે અને હોસ્પિટલોમાં બેડ નથી તે વાત શક્તિસિંહ કેમ કરતાં નથી? ગુજરાતમાં તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની આગેવાની વાળી સરકારેકુલ ૪૩હજારથી વધુ બેડની સુવિધાઓ સાથે સંકળાયેલકોવિડ-૧૯ હોસ્પિટલો મહાનગરો અને જિલ્લા મથકોમાં ક્યારનીયે કાર્યરત કરી દિધી છે. એટલું જ નહિં, મુંબઇમાં તો ૧૩૦૨૩ બેડની કુલ કેપેસિટી સામે અમદાવાદમાં ૧૫૪૮૯ની બેડ કેપેસિટી છે.
 
શક્તિસિંહ ગોહિલ એવો દાવો કરે છે કે, મુંબઈમાં કોરોના ટેસ્ટ વધુ થાય છે એટલે કેસ વધારે નોંધાય છે. પરંતુ, શક્તિસિંહજી તમે સત્તાવાર આંકડાઓ જોયા હોત ને તો આવો બફાટ ના જ કર્યો હોત એમ પ્રદિપસિંહ જાડેજાએ જણાવતાં કહ્યું કે, હકીકત એ છે કે મુંબઈમાં ૧૦ લાખ વ્યક્તિ એ ૭૧૦૦ ટેસ્ટ થાય છે જ્યારે અમદાવાદમાં ૯૦૩૫ ટેસ્ટ કરવામાં આવે છે. એટલું જ નહિં, મુંબઈમાં તો અમદાવાદ કરતાં ત્રણ ગણા એક્ટિવ કેસ છે. અમદાવાદમાં ૧૦ હજાર કેસો એક્ટિવની સામે મુંબઈમાં૩૨ હજાર જેટલાં કેસો છે એ પણ તમારી નજરે નથી ચઢતું શક્તિસિંહ એમ પણ શ્રી જાડેજાએ સવાલ ઉઠાવ્યો છે.
 
ગુજરાતમાં ઓછા દર્દીઓ છે એટલું જ નહીં પણ રિકવરી રેટમાં પણ ગુજરાત મુંબઈ કરતાં બે ગણું  આગળ છે. ત્યાંનો ડિસ્ચાર્જ રેટ ૨૬.૮૮ ટકાની સામે અમદાવાદનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ ૪૩.૫૮ ટકા છે. ગુજરાતમાં મૃત્યુદર વધુ છે અને સરકાર આંકડા છુપાવે છે એવું કહીને શ્રી શક્તિસિંહ પોતાનું અજ્ઞાન છતું કરે છે. તેમ જણાવતાં ગૃહરાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં દર્દીઓની સારવાર સુશ્રૃષા માટેની પદ્ધતિઓ અને સેવાઓની એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયાએ પણ નોંધ લીધી છે. અને તેમણે ગુજરાતની મુલાકાત લઈને સમગ્ર આરોગ્ય તંત્રને માર્ગદર્શન પણ આપ્યું છે.
 
ગુજરાતમાં કોરોનાગ્રસ્તો સાથે જ ગંભીર રોગ કિડની, લિવર અને કેન્સરના રોગગ્રસ્તોને પણ ત્વરિત સારવાર આપીને પ્રત્યેક માનવ જીંદગી બચાવી લેવાનો ભગીરથ પુરુષાર્થ કોરોના વોરિયર્સ અને તબીબો ખડેપગે તૈનાત રહીને કરે છે અને તમે મૃત્યુદર વધારે છે તેમ કહીને તેમની સેવા પરાયણતા પર શંકાની સોય ઉઠાવો છે એ તમારી કોંગ્રેસ પાર્ટીની પરંપરાગત નકારાત્મકતાના સંસ્કાર છે.
 
તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટીની શ્રી વિજયભાઈ રૂપાણીનીસરકાર તો એવી સંવેદનશીલતાધરાવે છે કે, ક્રિટીકલ કેર માટે રૂ. ૪૦ હજારની કિંમતનું
“ટોસિલિઝુમા ઈન્જેક્શન” દર્દીને વિનામૂલ્યે આપીને અમે તેનો ખર્ચ ભોગવીને પણ દર્દીની જીંદગી બચાવીએ છીએ.કોરોના સંક્રમિત હોય કે અન્ય કોઈ ગંભીર બીમારીથી પિડિત હોય. આ સરકાર પૈસાની ચિંતા કર્યા વગર ગુજરાતમાં હરેક નાગરિકની શ્રેષ્ઠ સારવાર ઉપચારથી આરોગ્ય સુખાકારી જાળવવા પ્રતિબદ્ધ છે.
 
શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના મનમાં ગુજરાત પ્રત્યે અને ગુજરાતનીઓ પ્રત્યે સાચી લાગણી હોય તો આવા જૂઠાણાં પ્રેરિત નિવેદનો બંધ કરી ગુજરાતની પ્રજાની કુસેવા કરવાનું પણ બંધ કરે. કોરોનાના આ કપરાં કાળમાં સૌ કોરોના વોરિયર અને સમાજનું મોરલ તોડવાને બદલે આ સેવા કરનારાઓનું યોગદાન શક્તિસિંહ જાણે અને કમસેકમ આવા ખોટા આંકડાઓવાળા જુઠાણા ફેલાવવનું બંધ કરે તો પણ તેમણે ગુજરાતની સેવા કરી ગણાશે.